જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો: ઉદ્ધવ ઠાકરે

20 March, 2020 07:59 AM IST  |  Mumbai | Agencies

જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઇરસનો ચેપ ફેલાતો રોકવા માટે રાજ્યની જનતાને જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવાનો અનુરોધ કર્યો છે. કોરોના વાઇરસ સામેની લડાઈમાં સરકારને મદદરૂપ થવાની અપીલ કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સરકારની જાહેરાતોના પ્રતિસાદરૂપે સાર્વજનિક સ્થળો અને સાર્વજનિક વાહનવ્યવહારમાં લોકોની ભીડ ઘટી છે. જોકે ધસારો સાવ ઓછો થઈ જાય અને રોગચાળો સાવ અટકી જાય એ જરૂરી છે. વાઇરસના રોગચાળા સામેની આ લડાઈ આપણે સંકલ્પથી જીતી શકીશું, ભયગ્રસ્ત થવાથી કે ગભરાવાથી જીતી ન શકાય. સરકાર સાર્વજનિક વાહનવ્યવહાર સાવ બંધ કરી શકે છે, પરંતુ એવું કરવા ઇચ્છતી નથી. મેં આ રોગચાળા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે. તેમણે કોરોનાના પ્રતિકાર માટે કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ સહાયની ખાતરી આપી છે. વિદેશ જઈને આવ્યા હો તો ટ્રાવેલ હિસ્ટરી છુપાવવી યોગ્ય નથી. વિદેશ જઈને આવ્યા હો તો ઘરની બહાર નીકળવું યોગ્ય નથી. મેં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ જોયાં નથી, પરંતુ એનો માહોલ અનુભવ્યો છે. સાયરન વાગતાંની સાથે લોકો છુપાઈ જતા અને દુશ્મનોનાં વિમાનો ચોક્કસ વિસ્તારોને ઓળખી ન શકે એ માટે લોકો ઘરની લાઇટો બંધ કરી દેતા હતા. ૧૯૭૧માં દુશ્મનોનાં વિમાનો મુંબઈની હવાઈ સીમામાં પણ પ્રવેશ્યાં હતાં, પરંતુ આપણા બહાદુર સૈનિકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. કોરોનાના પ્રતિકાર માટે સરકારી તંત્ર સજ્જ છે, પરંતુ એમાં જનતાના સહકારની પણ જરૂર રહે છે. જેમને સેલ્ફ ક્વારેન્ટીનમાં રહેવાની સલાહ આપવામાં આવી હોય તેમણે પોતે શિસ્તપૂર્વક એકાંતમાં રહીને વિશ્વાસ જાળવવો જોઈએ. બહાર નીકળીને રોગ ફેલાવવો ન જોઈએ. સરકારી સૂચનાઓ સિવાય કોઈની વાત ન સાંભળશો. અફવાઓ પર ધ્યાન ન આપશો. કોરોનાના દરદીઓનાં સૅમ્પલ્સ તપાસવાની ટેસ્ટિંગ ફૅસિલિટીઝ વધારવામાં આવી છે.

uddhav thackeray mumbai news mumbai coronavirus covid19