Coronaviurs:પ્રેગનેન્સીનાં લાસ્ટ સ્ટેજ સુધી ટેસ્ટિંગ કિટનું કામ કર્યું

30 March, 2020 02:02 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Coronaviurs:પ્રેગનેન્સીનાં લાસ્ટ સ્ટેજ સુધી ટેસ્ટિંગ કિટનું કામ કર્યું

મિનળ ભોસલેએ કિટ ડિલિવર કરી બીજા જ દિવસે દીકરીને જન્મ આપ્યો

વાઇરલોજિસ્ટ મિનળ દખવે ભોસલે પોતાની પ્રેગનેન્સીના છેલ્લા તબક્કામાં હતી છતાં પણ તેણે ભારતની સૌથી પહેલી કોરોનાવાઇરસ ટેસ્ટની કિટ તૈયાર કરવામાં છેક સુધી પોતાની કામગીરી ચાલુ રાખી. મિનળનાં પ્રયાસો ફળદ્રુપ રહ્યા કારણકે છ અઠવાડિયાના રેકોર્ડ સમયમાં જ આ કિટ તેની ટીમ ડિલીવર કરી શકી. મિનળ આ ટીમ લીડ કરી રહી હતી. તેણે કિટનું ફાઇનલ વર્ઝન સમબિટ કર્યું તેના બીજા જ દિવસે તેણે પોતાની દીકરીને જન્મ આપ્યો. PTI સાથેની વાતચીતમાં મિનળે જણાવ્યું કે, “છેલ્લી ઘડી સુધી ટેસ્ટ કિટ બનાવવી અને પ્રેગનેન્સીનાં છેલ્લા તબક્કામાં હોવું એટલે જાણે એક સાથે બે બાળકોને જન્મ આપવા જેવી સ્થિતિ હતી.” ટેસ્ટ કિટ બનાવવાની અને બાળકને જન્મ આપવાની બંન્ને સફર મિનળ માટે પડકાર રૂપ હતી. તેણે કહ્યું કે, “પ્રેગનેન્સીમાં પણ કેટલાંક કોમ્પ્લિકેશન્સ હતા અને બાળકીનો જન્મ સિઝેરિયનથી જ કરાવાયો.”તેનું માનવું છે કે લોકોની સેવા કરવાનો આ યોગ્ય સમય હતો કારણકે કોરોનાનાં ભયમાંથી લોકો મુક્ત થાય તે પણ જરૂરી છે.પ્રેગનેન્સીને કારણે તે ઑફિસ તો નહોતી જઇ શક્તિ પણ દસ લોકોની ટીમને છેક છેલ્લી ઘડી સુધી તે માર્ગદર્શન આપી રહી હતી.આ ટીમ પુનાની મેલેબ ડિસ્કરવરીમાં કામગીરી કરી રહી હતી.ટીમ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી તે કામ કરી રહી છે અને તેને ટીમ તરફથી પણ પૂરેપુરો સપોર્ટ મળ્યો.

કંપનીના કો-ફાઉન્ડર શ્રીકાંત પટળેએ કહ્યું કે જે રીતે ડ્રગ ડિસ્કરવરીનું કામ હોય છે તે જ રીતે ટેસ્ટકિટ બનાવવામાં પણ સતત ક્વોલિટી ચેક અને ચોકસાઇની તપાસ કરતા રહેવું પડે છે.તેમણે આ પ્રોજેક્ટની સફળતાનું શ્રેય મિનળને જ આપ્યું છે. મિનળની ટીમ દ્વારા તૈયાર કરાયેલા Covid-19 ટેસ્ટ કિટને કારણે ટેસ્ટનું રિઝલ્ટ જે આઠ કલાક પછી આવે છે તે હવે અઢી કલાકમાં જ મળી શકશે. મિનળે જણાવ્યું હતું કે એ કિટ એ રીતે તૈયાર થઇ છે જેમાં પરિણામ ચોક્કસ હોય અને ઝડપી કામગીરી થાય.મેલેબ ટેસ્ટ કિટની કિંમત ૧૨૦૦ રૂપિયા હશે જે સરકારી ટેસ્ટ કિટની સરખામણીએ પોણી કિંમત છે કારણકે સરકારી કિટ ૪૫૦૦ રૂપિયાની આવે છે. મિનળે જણાવ્યું કે પોતે દેશ માટે કંઇ કરી શકી તેનો તેને ભારે ગર્વ છે.મેલેબને એ વાતની ખાતરી છે કે લોનાવલામાં આવેલા પોતાના પ્લાન્ટની ક્ષમતા વધારતા તેઓ અઠવાડિયામાં ૧ લાખ કિટ ડિલીવર કરી શકશે અને સત્તાધિશો પણ કંપનીને કિટનાં શિપિંગ તથા રૉ મટિરિયલ માટે સહાય કરી રહ્યા છે.

covid19 coronavirus national news