નવી મુંબઈની મૃત મહિલાની કોરોના ટેસ્ટ પોઝીટિવ આવતાં મૃત્યાંક 4 થયો

27 March, 2020 07:23 AM IST  |  Mumbai | Agencies

નવી મુંબઈની મૃત મહિલાની કોરોના ટેસ્ટ પોઝીટિવ આવતાં મૃત્યાંક 4 થયો

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં રહેતી મહિલા મંગળવારે મૃત્યુ પામી હતી તેની કરાયેલી કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં મુંબઈમાં આ જીવલેણ વાયરસથી મૃત્યુ પામેલાઓનો આંકડો ૪ થયો હોવાનું સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારે નવી મુંબઈમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. તે કોરોનાનો ભોગ બની હોવાની શંકાને આધારે મૃત્યુ બાદ તેની ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. આ ટેસ્ટમાં તે કોરોનાની શિકાર બની હોવાનું આજે સવારે જણાઈ આવ્યું હતું. આથી અમે તેના સંબંધીઓ માટે જરૂરી સાવચેતીના પગલાં લઈ રહ્યા છીએ.

આ સાથે મુંબઈ શહેરની સાથે રાજ્યમાં કોવિડ-૧૯ના નામથી ઓળખાતા કોરોના વાયરસે ભોગ લીધેલા લોકોનો આંકડો ૪ થયો છે. ગઈ કાલે મુંબઈમાં કોરોના વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 49 થઈ છે. ગઈ કાલે એક વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં ગઈ કાલે ૮ નવા કેસનો ઉમેરો થતાં કોરોના વાઇરસગ્રસ્ત દરદીઓની સંખ્યા 130 થઈ છે. દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 719 થઈ છે. મરનારની સંખ્યા ૧૬ થઈ છે.

mumbai navi mumbai mumbai news coronavirus covid19