કોરોના ઈફેક્ટ: નવી મુંબઈ, પનવેલમાં ફરી ટોટલ લૉકડાઉન

08 July, 2020 08:06 AM IST  |  Mumbai | Anurag kamble

કોરોના ઈફેક્ટ: નવી મુંબઈ, પનવેલમાં ફરી ટોટલ લૉકડાઉન

ગયા મહિનાની શરૂઆતમાં લોકડાઉન હળવુ થયા બાદ નવી મુંબઈ અને પનવેલના કેસોમાં તેજી જોવા મળી છે

સમગ્ર નવી મુંબઈ અને પનવેલમાં તેમનાં સંબંધિત કૉર્પોરેશન્સ દ્વારા ૧૩ જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ શહેરના રહેવાસીઓએ કોરોના-સંકટને હળવાશથી લેવાનું ચાલુ રાખતાં વહીવટી તંત્રએ ઉપરોક્ત નિર્ણય લીધો છે. લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ ઘરની બહાર નીકળવાની છૂટ આપવામાં નથી આવી.

ડેરી ઉત્પાદનો, દવા અને ઘંટી સિવાય અન્ય તમામ દુકાનો તેમ જ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને હોમ ડિલિવરી કરવા જણાવાયું છે. લૉકડાઉનનાં નિયંત્રણો ઉઠાવી લેવાયાં ત્યારથી આ બન્ને શહેરોમાં ખાસ કરીને છેલ્લા પાંચ દિવસમાં કોરોના-કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પાંચ દિવસમાં નવી મુંબઈમાં ૯૬૪ અને પનવેલમાં ૭૦૫ કેસ નોંધાયા છે. લૉકડાઉન ૩ જુલાઈથી શરૂ થયું હતું.

એનએમએમસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે ‘જનરલ લૉકડાઉન હોવા છતાં કરિયાણાની દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ભારે ગિરદી જામતી હતી અને એવું જ શાક-માર્કેટનું હતું. લૉકડાઉનનો હેતુ બિનજરૂરી ગતિવિધિને નિયંત્રિત કરવાનો હતો, પરંતુ એમ થતું જ નહોતું. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ અને નવી મુંબઈ પોલીસ સાથે વાટાઘાટ કર્યા બાદ અમે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનું નક્કી કર્યું છે.’ ‍

નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જારી કરાયેલા નવા આદેશ પ્રમાણે દૂધ વિતરણ કેન્દ્રો સવારે પાંચથી દસ વાગ્યા સુધી અને અનાજ દળવાની ઘંટી સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ પણ વાંચો : મીરા-ભાઈંદર ડેન્જર ઝોનમાં, કોરોના-કેસની સંખ્યા 4000ને પાર

નવી મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ‘ઘરમાંથી બહાર નીકળનારા લોકો સામે લૉકડાઉનના નિયમો તોડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવશે અથવા તેમને દંડ ફટકારવામાં આવશે. આ પગલાં ૧૩ જુલાઈ સુધી યથાવત્ રહેશે. અમે રહેવાસીઓને આદેશનું પાલન કરવાની ભલામણ કરીએ છીએ.’

mumbai mumbai news navi mumbai panvel lockdown coronavirus covid19 anurag kamble