મુબઈ: કોરોનાના કારણે વધુ એક પોલીસનું મૃત્યુ

14 May, 2020 09:02 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુબઈ: કોરોનાના કારણે વધુ એક પોલીસનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે મુંબઈ પોલીસના વધુ એક પોલીસ-કર્મચારીનું કોરોનાનો ચેપ લાગતાં મૃત્યુ થયું છે. મુંબઈમાં કુલ પાંચ પોલીસ-કર્મચારીઓ સાથે રાજ્યમાં ૮ પોલીસ-કર્મચારીઓનું મૃત્યુ કોરોના વાઇરસનો ચેપ લાગતાં થયું છે. એ સાથે મુંબઈમાં ૪૪૦ પોલીસ-કર્મચારી કોરોના પૉઝિટિવ આવ્યા છે જેઓનો ઇલાજ મુંબઈની અલગ-અલગ હૉસ્પિટલમાં ચાલુ છે.

મુંબઈ પોલીસ પ્રવક્તા અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રણય અશોકે જણાવ્યું હતું કે ‘૫૭ વર્ષના સબ-ઇન્સ્પેક્ટર મુરલીધર વાઘમારેએ મંગળવારે બપોરે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. નવી મુંબઈમાં પરિવાર સાથે રહેતા વાઘમારે ચેપ લાગતાં પહેલાં હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતા. રાજ્ય પોલીસના પંચાવન વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને તેમની રોગ પ્રતીકારકશક્તિ ઓછી હોવાનું ધ્યાનમાં રાખીને અને આ નિર્ણયને પગલે વાઘમારેને ફરજ પરથી હટાવવામાં આવ્યા હતા.’

વાઘમારે પહેલાં વી.બી. નગર પોલીસ સ્ટેશનના અન્ય એક હેડ કૉન્સ્ટેબલને ૮મી મેના રોજ ચેપ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. ૫૪ વર્ષના સુનીલ કારગુટકરને કોરોના વાઇરસની ટેસ્ટ પહેલાં જ ડાયાબિટીઝ અને હાયપરટેન્શનની બીમારીનો ઇતિહાસ હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ગયા મહિને મુંબઈ પોલીસના ત્રણ પોલીસ જવાનો વાઇરસનો શિકાર બન્યા હતા, એમાં ૫૬ વર્ષના હેડ કૉન્સ્ટેબલ શિવાજી નારાયણ સોનાવણે જે ટ્રાફિક પોલીસ કુર્લા ડિવિઝન સાથે ફરજ બજાવતા હતા. ૫૬ વર્ષના હેડ કૉન્સ્ટેબલ ચંદ્રકાંત ગણપત પેંડુરકર જેઓ વાકોલા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલા હતા અને બાવન વર્ષના હેડ કૉન્સ્ટેબલ સંદીપ સુર્વે જે ખાસ શાખા સાથે જોડાયેલા હતા. દરમિયાન સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં મુંબઈ પોલીસમાં ૪૪૦ કોવિડ-19 પૉઝિટિવ કેસ છે જેમાંથી ૪૦ને સારવાર બાદ રજા આપી દેવાઈ છે.

mumbai police mumbai mumbai news coronavirus covid19