Coronavirus: મુંબઇમાં જાહેર સ્થળે હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે

08 April, 2020 07:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: મુંબઇમાં જાહેર સ્થળે હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે

બાન્દ્રામાં માસ્ક પહેરીને ચાલતા નાગરિક. તસવીર-પ્રદિપ ધીવર

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પૉઝિટીવ કેસ મુંબઇમાં છે. આ સંજોગોમાં આજે મુખ્યંત્રીએ તેમના સંબોધનમાં લોકોને વિનંતી કરી કે તેમણે સાવચેતી રાખવી અને માસ્ક પહેરવા પણ થોડા જ કલાકોમાં મુંબઇ શહેરનાં મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરદેસીએ જાહેરાત કરી છે કે હવે જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે.બહાર નિકળેલી વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તો તેની ધરપકડ કરાશે.મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા સાથરોગ પ્રતિબંધાત્મક કાયદા 1897 અનુસાર અને મહારાષ્ટ્ર Covid-19 ઉપાયયોજના નિયમ 2020 અંતર્ગત મહાપાલિકા કમિશનરને મળેલા અધિકારનો ઉપયોગ કરીને પ્રવીણ પરદેસીએ આ જાહેરાત કરી છે.મુંબઇ મહાનગર પાલિકા BMC દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ પરદેસીએ જણાવ્યું કે ફેસ માસ્ક પહેરવાથી કોરોનાવાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરવાનું જોખમ નોંધનીય રીતે ઘટાડી શકાય છે.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને લગતા અન્ય પગલાંનું પાલન પણ ફરજિયાતપણે કરવાનું રહેશે.

આ હુકમ બાદ હવે શહેરમાં જે કોઈ વ્યક્તિ રસ્તા પર, હોસ્પિટલમાં, ઓફિસમાં, બજારમાં વગેરે સ્થળે કોઈ પણ કારણસર જાય ત્યારે એણે મોઢા પર માસ્ક પહેરવું જ પડશે.પોતાના અંગત કે સરકારી વાહનોમાં સફર કરનારાઓને પણ આ નિયમ લાગુ પડશે. તે ઉપરાંત ઓફિસમાં કે અન્ય કામકાજના સ્થળે કોઈ પણ મીટિંગમાં ભેગા થયેલા લોકોએ પણ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.આ માસ્ક રેગ્યૂલર 3-પ્લે માસ્ક હોઈ શકે અથવા કાપડના માસ્ક હોઈ શકે અથવા દવાની દુકાનોમાં મળતા હોય કે ઘરમાં બનાવેલા માસ્ક પણ પહેરી શકાશે. આવા માસ્ક આસાનીથી ધોઈ શકાય અને એને જંતુમુક્ત કર્યા બાદ ફરીથી વાપરી શકાય. મ્યુનિસિપલ કમિશનરના આ આદેશનું ઉલ્લંઘન કરનારને કાયદા અનુસાર સજાની જોગવાઈ પણ કરાઇ છે.

covid19 coronavirus mumbai news brihanmumbai municipal corporation