સરકાર સલામતીની પૂરેપૂરી ખાતરી આપશે પછી જોઈશું : અશોક વાળુંજ

25 March, 2020 10:43 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સરકાર સલામતીની પૂરેપૂરી ખાતરી આપશે પછી જોઈશું : અશોક વાળુંજ

આ ભાઈ ગાજરનો હલવો બનાવશે? : લૉકડાઉન દરમ્યાન મોટા પ્રમાણમાં શાકભાજી ખરીદતા લોકો. તસવીર : પી.ટી.આઇ

જીવનાવશ્યક ચીજવસ્તુની ક્યારે પણ અછત નહીં સર્જાવા દઈએ, એવું સરકારે જણાવ્યું હોવા છતાં મુંબઈ શહેરના લોકોને તમામ જીવનાવશ્યક પૂરી પાડતી એપીએમસીની તમામ માર્કેટો ધીમે ધીમે બંધ થઈ ગઈ હતી. ભીંસમાં મુકાયેલી સરકારે ગઈ કાલે આને કારણે એપીએમસીની વિવિધ માર્કેટોના ડિરેક્ટરોને બંધ ન કરવાની અને માલનો પુરવઠો શહેરમાં પહોંચતો કરવા માટેની વિનંતી કરી હતી. વેપારીઓ તો કામ બંધ કરવા નથી માગતા, પણ તેની સામે સરકાર કોઈ પણ પ્રકારની સલામતી પૂરી નથી પાડતી, એવી ફરિયાદ ડિરેક્ટરોએ કરી હતી.

રવિવારથી બુધવાર સુધી માથાડી કામદારોએ કામ બંધ કરવાનું એલાન કર્યા બાદ આજે કરિયાણાની ચીજવસ્તુઓનો પુરવઠો હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હોવાને કારણે સરકારની ચિંતા વધી હતી. એમાં પણ સોમવારથી કાંદા-બટાટા અને મંગળવારથી વેજિટેબલ માર્કેટના વેપારીઓએ શટર ડાઉન કરી દેતાં સરકારની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે ગઈ કાલે એપીએમસીની તમામ પાંચ માર્કેટના ડિરેક્ટરોને સરકારે વિનંતી કરી હતી કે તમે માર્કેટને બંધ નહીં કરો.
આ અંગે કાંદા-બટાટા માર્કેટના ડિરેક્ટર અશોક વાળુંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સરકાર જીવનાવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવશે એવી ખાતરી લોકોને તો આપી દે છે, પણ સાથે સાથે અહીં કોઈ પણ પ્રકારની સલામતીનાં સાધનો નથી રાખતી. એપીએમસી માર્કેટ ખૂલે એટલે કમસે કમ વેપારી, કામદારો, ટ્રાન્સપોર્ટરો, ખેડૂત અને ખરીદદારો તેમ જ અન્ય લોકો સહિત ૩૦થી ૩૫ હજારની અવરજવર રહે છે. આમાં જો એક પણ કોરોના વાઇરસનો દરદી માર્કેટમાં આવે તો એક બૉમ્બવિસ્ફોટ કરતાં પણ વધુ નુકસાન કરી જાય એમ છે. કોરોના વાઇરસ જેવી મહામારી ન ફેલાય એ માટે સરકારે મેડિકલને લગતી તમામ સુવિધા પૂરી પાડવી જોઈએ. આવતા બે દિવસ તો કોઈ પણ માર્કેટ ખૂલશે નહીં, બે દિવસ બાદ સરકાર નક્કર ખાતરી આપશે પછી જ માર્કેટ ખૂલશે.

કોરોનાને કારણે દેશ આખામાં ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે ત્યારે એપીએમસીના વેપારીઓ પણ આ વાઇરસથી ફફડી રહ્યા છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાને કારણે એપીએમસીની તમામ માર્કેટોના ડિરેક્ટરોએ માર્કેટને બંધ રાખવાનો નિર્ણય કરતાં સરકારની ચિંતા વધી ગઈ હતી. જેને કારણે તાકીદની મીટિંગ બોલાવવી પડી હતી. હવે બુધ અને ગુરુવારે તો માર્કેટ નહીં જ ખૂલે, શુક્રવારે પણ એક જ શરતે માર્કેટ ખૂલશે જો સરકાર સલામતીની પૂરેપૂરી ખાતરી આપશે તો, એવો સ્ટેન્ડ એપીએમસી માર્કેટના ડિરેક્ટરોએ લીધો હતો.

આ પણ વાંચો: મુંબઈ: કોરોના વાઇરસના લૉકડાઉનમાં સેવાયજ્ઞ કરતા સિવિલ હીરો

મહારાષ્ટ્રના ઈન્ચાર્જ ડિરેક્ટર ઑફ માર્કેટિંગ સુનીલ પવારે ગઈ કાલે એપીએમસીની તમામ પાંચે માર્કેટના ડિરેક્ટરો સાથે તાકીદની બેઠક કરી હતી. આ બેઠકમાં એપીએમસીના સેક્રેટરી અનિલ ચવ્હાણ, માથાડી કામદારના નેતા નરેન્દ્ર પાટીલ અને શશિકાંત શિંદે હાજર રહ્યા હતા.

vashi apmc market mumbai mumbai news navi mumbai