મુંબઈ : રિકવરીમાં મુંબઈથી બેટર મીરા-ભાઈંદર

22 July, 2020 07:00 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : રિકવરીમાં મુંબઈથી બેટર મીરા-ભાઈંદર

મીરા ભાઈંદરમાં પોલીસે દહિસર ચેક નાકા પર બહારના લોકોને શહેરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

મીરા-ભાઈંદરમાં કોવિડ-19ના દરદીઓનો રિકવરી રેટ ૭૭ ટકા છે, જે મુંબઈના ૭૧ ટકા કરતાં ઘણો ઊંચો છે. અત્યાર સુધીમાં શહેરમાં ૬૬૮૪ લોકોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે અને એમાંથી ૫૧૫૯ લોકો સાજા થઈ ચૂક્યા છે. ૧૨૯૯ ઍક્ટિવ પેશન્ટ છે ત્યારે મૃત્યુઆંક ૩.૩૮ ટકા સાથે ૨૨૬ નોંધાયો છે.

મીરા-ભાઈંદરમાં જૂન મહિનામાં જ્યારે કેસની સંખ્યા વધવા માંડી અને ડબલિંગ રેટ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)ના અન્ય તમામ પાલિકા વિસ્તારોની માફક ૧૨ દિવસનો થઈ ગયો હતો ત્યારે રિકવરી રેટ અન્ય પ્રદેશ કરતાં ઊંચો છે. ૨૩ માર્ચ સુધીમાં આ વિસ્તારમાં પાંચ દરદીઓ હતા, જે વધીને ૨૩ મે સુધીમાં ૪૮૮ થયા હતા. ત્યાર બાદ એક મહિનાની અંદર કેસમાં ચાર ગણો વધારો થયો અને ૨૦ જૂન સુધીમાં ૨૧૫૨ દરદીઓ નોંધાયા હતા. ૨૦ જુલાઈ સુધીમાં કેસની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો.

આ દરમ્યાન મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (એમબીએમસી)ની હેલ્થ-ટીમોએ છેલ્લા પાંચ દિવસમાં ૨,૯૦,૯૮૯ ઘરની મુલાકાત લીધી હતી. સર્વે દરમ્યાન લક્ષણ ધરાવનારા ૩૭૫ દરદીઓમાંથી પંચાવનની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ : માત્ર 500 રૂપિયામાં દોઢ લાખનો કોરોના ઇન્શ્યૉરન્સ

એમબીએમસીના ડેપ્યુટી કમિશનર સંભાજી વાઘમારેએ જણાવ્યું હતું કે ‘૮૦ ટકા દરદીઓ કાં તો લક્ષણો નથી ધરાવતા અથવા તો હળવાં લક્ષણ ધરાવે છે. વળી અમારી પાસે જરૂર કરતાં વધુ સંખ્યામાં ક્વૉરન્ટીન સેન્ટર છે અને હાઈ-રિસ્ક પેશન્ટ માટે અલાયદી રૂમો છે. પ્રારંભિક ગાળામાં રિકવરી રેટ નીચો હતો, પરંતુ હવે રેટ ઊંચો ગયો છે.’

mumbai mumbai news dahisar mira road bhayander coronavirus covid19 lockdown prajakta kasale