પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કોરોનાના દરદીઓની સારવારના ચાર્જ નક્કી કરાયા

23 May, 2020 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કોરોનાના દરદીઓની સારવારના ચાર્જ નક્કી કરાયા

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે પ્રાઇવેટ તથા ચૅરિટેબલ હૉસ્પિટલોમાં કોવિડ-19ના દરદીઓની સારવાર પરના રોજના ચાર્જિસ પર ત્રણ સ્લૅબ રજૂ કર્યા છે અને સાથે જ સરકારે આ મેડિકલ સુવિધાઓમાં કાર્યરત બેડ-ક્ષમતામાંથી ૮૦ ટકાના દરનું નિયમન કરવાનો નિર્ણય કર્યો હતો.

મહારાષ્ટ્રમાં બિનરકારી હેલ્થ કૅર પ્રોવાઇડર્સને મહત્તમ સંખ્યાના દરદીઓને સમાવવા જણાવવામાં આવ્યું છે અને સાથે જ ૮૦ ટકા કાર્યરત બેડ-ક્ષમતાનું નિયમન સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા દરના આધારે કરવામાં આવશે.

સરકારે ગુરુવારે જારી કરેલી નવી માર્ગદર્શિકા અનુસાર, ફી નિયમનના નિર્ણયો પ્રાઇવેટ અને ચૅરિટેબલ હૉસ્પિટલોના આઇસોલેશન અને નૉન-આઇસોલેશન બેડ્ઝને લાગુ પડે છે. એનો અર્થ એ થાય છે કે હેલ્થ કૅર પ્રોવાઇડર પાસે ઉપલબ્ધ આઇસોલેશન અને નૉન-આઇસોલેશન વૉર્ડમાં ૮૦ ટકા બેડનું નિયમન રાજ્ય સરકાર કે મ્યુનિસિપલ કમિશનર અથવા જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે.

હેલ્થ કૅર પ્રોવાઇડર્સ બાકીના ૨૦ ટકા બેડ પર તેમનો પોતાનો રેટ ચાર્જ કરી શકે છે. ૮૦ ટકા અને ૨૦ ટકાની કૅટેગરીમાં સારવારની ગુણવત્તામાં કોઈ ફરક રહેશે નહીં. કોવિડ-19ના દરદીઓ માટે તેમને જે વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોય એ વૉર્ડની કૅટેગરીના આધારે રોજિંદા ધોરણે ૪ હજાર, ૭.૫ હજાર અને ૯ હજાર એમ ત્રણ રેટ સ્લૅબ ઉપલબ્ધ હશે. સરકારની આ માર્ગદર્શિકા ૩૧ ઑગસ્ટ સુધી અમલમાં રહેશે.

હૉસ્પિટલમાં પ્રવેશ ન મળવાથી થાણેના સિનિયર સિટિઝનનું મૃત્યુ

થાણે શહેરમાં ૭૦ વર્ષના વૃદ્ધનું શુક્રવારે મોડી રાતે કોરોનાના સંક્રમણને કારણે મોત નીપજતાં તેમના સ્વજનોએ દાવો કર્યો હતો કે મરનારને બે દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ કરાયા નહોતા જેને પગલે બીજેપી અને એમએનએસ જેવા પક્ષોએ વહીવટી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

શાસ્ત્રીનગરના રહેવાસીની ટેસ્ટ બે દિવસ અગાઉ પૉઝિટિવ આવી હતી, પરંતુ કોઈ પણ કોવિડ-૧૯ સુવિધામાં તેમને પ્રવેશ મળ્યો નહોતો. ગુરુવારે રાતે નવ વાગ્યે તેમને પાંચપખાડીમાં આવેલી એક હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ આઇસીયુમાં જગ્યા ન હોવાથી તેમને દાખલ કરી શકાયા નહોતા. ત્યાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

હૉસ્પિટલ શોધવામાં પરિવારને મદદ કરનારા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના બીજેપી પક્ષના નેતા નારાયણ પવારે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આ ઘટનાથી અવગત કર્યા હતા.

દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણે એકમે જણાવ્યું હતું કે એના જિલ્લા પ્રમુખ અવિનાશ જાધવ અને શહેર પ્રમુખ રવીન્દ્ર મોરે આજે થાણે મહાનગરપાલિકા (ટીએમસી)ના વડા મથક સામે ઉપવાસ પર બેસશે.

coronavirus covid19 maharashtra