કોરોના અસર: KEM હૉસ્પિટલમાં પ્રોટેક્શન કિટ ન અપાતાં કર્મચારીઓ જોખમમાં

07 April, 2020 06:57 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કોરોના અસર: KEM હૉસ્પિટલમાં પ્રોટેક્શન કિટ ન અપાતાં કર્મચારીઓ જોખમમાં

KEM હૉસ્પિટલ

મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હૉસ્પિટલોમાં આવા પેશન્ટની સારવાર માટે નર્સથી લઈને વિવિધ સ્ટાફને આ વાઇરસથી રક્ષણ મેળવવા માટેની સુવિધા ન મળતી હોવાની ફરિયાદ ઊઠી રહી છે. રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા ભલે કહેતી હોય કે હૉસ્પિટલોના સ્ટાફને બધું પ્રોટેક્શન અપાય છે, પરંતુ હકીકત જુદી હોવાનું લાગી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કેઈએમ હૉસ્પિટલમાં કોરોનાના પૉઝિટિવ તથા શંકાસ્પદ પેશન્ટો માટે વૉર્ડ ૪ને આઇસોલેટ કરાયો છે. આમ છતાં ડૉક્ટરો દ્વારા શંકાસ્પદ દરદીઓને ચેસ્ટ મેડિસિનના ૩૨ નંબરના વૉર્ડમાં ગઈ કાલે ચાર પેશન્ટને ઍડ્મિટ કરાતાં આ વૉર્ડ સાથે સંકળાયેલા ડૉક્ટરો, નર્સ અને વૉર્ડબોય સહિતના ૫૦ લોકોમાં કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધી છે. ખાસ કરીને વૉકહાર્ટ હૉસ્પિટલમાં અનેક નર્સીઝ અને ડૉક્ટર્સને કોરોનાનો ચેપ લાગવાને પગલે જે રીતે એને હવે કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે એવું જ કેઈએમમાં જો પૂરતી કાળજી નહીં રખાય તો બની શકે છે. ચેસ્ટ મેડિસિન વૉર્ડમાં કામ કરતા એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાના શંકાસ્પદ દરદીને અહીંના ડૉક્ટરો આવા પેશન્ટ માટે ખાસ તૈયાર કરાયેલા આઇસોલેશન વૉર્ડને બદલે અહીં ઍડ્‌મિટ કરી રહ્યા છે. આજે આવા ચાર દરદીની ચકાસણી ડૉક્ટરોએ પ્રોટેક્શન કિટ પહેરીને કરી હતી, પરંતુ વૉર્ડબોય, નર્સ કે જુનિયર ડૉક્ટરને આ બાબતની જાણ નથી કરાઈ. અમને આવા પેશન્ટની સારવાર કરતી વખતે જરૂરી પ્રોટેક્શન કિટ પણ નથી અપાઈ. બે શિફ્ટમાં આ વૉર્ડની અંદર જુનિયર ડૉક્ટર, નર્સ અને વૉર્ડબોય મળીને પચાસ લોકો કોરોનાના શંકાસ્પદ દરદીના સંપર્કમાં આવીએ છીએ. અમે બેસ્ટની બસોમાં ઘરે જઈએ છીએ ત્યારે રસ્તામાં બીજા કર્મચારી અને અમારા પરિવારજનોના કૉન્ટેક્ટમાં આવીએ છીએ. આથી જો અમારામાંથી કોઈને પણ કોરોનાનું સંક્રમણ થાય તો અસંખ્ય લોકો સુધી એ ફેલાઈ શકે છે.’

કોરોનાના શંકાસ્પદ દરદીને અહીંના ડૉક્ટરો આવા પેશન્ટ માટે ખાસ તૈયાર કરાયેલા આઇસોલેશન વૉર્ડને બદલે અહીં ઍડ્‍મિટ કરી રહ્યા છે. આજે આવા ચાર દરદીની ચકાસણી ડૉક્ટરોએ પ્રોટેક્શન કિટ પહેરીને કરી હતી, પરંતુ વૉર્ડબોય, નર્સ કે જુનિયર ડૉક્ટરને આ બાબતની જાણ નથી કરાઈ. અમને આવા પેશન્ટની સારવાર કરતી વખતે જરૂરી પ્રોટેક્શન કિટ પણ નથી અપાઈ.
- કેઈએમનો ચેસ્ટ મેડિસિન વૉર્ડનો કર્મચારી

કોરોનાના શંકાસ્પદ પેશન્ટને ચેસ્ટ મેડિસિન વૉર્ડમાં ઍડ્‍મિટ કરાયા હોવાની મને ખબર નથી. કોરોનાના દરદીઓની સારવાર માટે જરૂરી પ્રોટેક્શન કિટ અમે તમામ વિભાગ અને વૉર્ડમાં આપી છે. આમ છતાં કોઈને એ ન મળી હોય તો તેઓ મારી પાસે આવીને કહી શકે છે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં કિટ છે. આથી ચિંતાનું કોઈ કારણ નથી.
- ડૉ. હેમંત દેશમુખ, કેઈએમ હૉસ્પિટલના ડીન

KEM Hospital mumbai mumbai news prakash bambhrolia coronavirus covid19