આરોપીના સંપર્કમાં આવતાં નેહરુનગરના 17 પોલીસ-ઑફિસરોને ક્વૉરન્ટીન કરાયા

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

આરોપીના સંપર્કમાં આવતાં નેહરુનગરના 17 પોલીસ-ઑફિસરોને ક્વૉરન્ટીન કરાયા

મહારાષ્ટ્ર પોલીસ

નેહરુનગર પોલીસે ૬ જૂને ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા સાતમાંથી પાંચ આરોપીની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી હોવાનું જણાયું હતું. ગુરુવારે જ્યારે તેમનો કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે એ તમામને કોરોનાને કારણે જામીન મળી ગયા હતા. આ પાંચેય આરોપીની જેજે હૉસ્પિટલમાં સારવાર શરૂ થઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીને લીધે એક પોલીસ-ઑફિસરને કોરોનાનું સંક્રમણ થયું હતું એને લીધે ૧૭ પોલીસ-કૉન્સ્ટેબલોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.

આરોપીઓએ ૩૦ મેએ કુર્લા-ઈસ્ટમાં ઇલેક્ટ્રૉનિક શૉપના ગોડાઉનમાંથી સાડાપાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આરોપીઓ ચેમ્બુર, માનખુર્દ, સાયન અને તિલકનગરના રહેવાસી છે. તેમની અઠવાડિયાની શરૂઆતમાં કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી. બુધવારે તેઓમાંના પાંચ જણના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા, જ્યારે અન્ય બેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

નેહરુનગર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓને પકડવા ત્રણ અલગ-અલગ ટીમ કામ કરી રહી હતી. બધા મળીને ત્રણ અધિકારીઓ સહિત અમારી ટીમના ૧૭ પોલીસ-કર્મચારીઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા અને અત્યારે એમાંના એક અધિકારીને કોરોનાનું સંક્રમણ થયું છે, જ્યારે બીજા અધિકારીઓને ક્વૉરન્ટીન કરાયા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા પછી હૉસ્પિટલમાં શંકાસ્પદ લોકોને દાખલ કરવાની તૈયારી અમે શરૂ કરી હતી, પરંતુ કોઈ જગ્યાએ ખાલી બેડ નહોતા. ત્યાર બાદ બીએમસી અધિકારીઓએ અમને નજીકના ક્વૉરન્ટીન સેન્ટરમાં મૂકવામાં અમારી મદદ કરી હતી. કોર્ટે તેમને માનવતાના ધોરણે જામીન આપ્યા હતા. જેલ અગાઉથી જ કેદીઓથી ભરેલી છે એથી અમે અન્ય કેદીઓને જોખમમાં મૂકી શકતા નથી.

બીજી ઘટના તળાજા પોલીસ-સ્ટેશનમાં બની હતી, જેમાં ૩૦ વર્ષના યુવકની ઘરમાં ચોરી કરવાના આરોપસર ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ તેને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાતાં એ પોલીસ-સ્ટેશનના ૧૫ અધિકારીઓ અને આરોપીના વકીલને હોમ-ક્વૉરન્ટીન કરવા પડ્યા હતા.

તળાજા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કાશિનાથ ચવાણે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં તેની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી, જે પૉઝિટિવ આવી હતી. અત્યારે તેને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

mumbai mumbai news maharashtra mumbai police coronavirus covid19 lockdown kurla nehru nagar