મુંબઈની સોસાયટીઓમાં કોરોનાના કેસ વધ્યા, જ્યારે સ્લમમાં ઘટાડો થયો

23 June, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૨,૩૦૭ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૧.૭૬ ટકા પૉઝિટિવિટી સાથે ૫૭૦ કેસ નોંધાયા હતા. ગઈ કાલે પણ નવા કેસની સામે વધુ દરદીઓ રિકવર થયા હતા. છેલ્લા બે દિવસમાં નવા કેસ સ્લમને બદલે હાઉસિંગ સોસાયટીઓમાંથી આવી રહ્યા છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૧૦ દરદી આ મહામારીનો ભોગ બન્યા હતા, જેમાં ૧ દરદી ૪૦ વર્ષથી નીચેની ઉંમરનો હતો, ૧ દરદી ૪૦થી ૬૦ વર્ષની વયનો અને ૮ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૩૧૫ થયો છે. ગઈ કાલના ૭૪૨ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૨૨,૪૬૧ કેસમાંથી ૬,૯૦,૪૧૭ લોકો રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી ૯૫ ટકા રિકવરી યથાવત્‌ રહી છે. શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૧૪,૪૫૩ થયો હતો. કેસ ડબલિંગનો દર ૭૨૨ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ઘટીને ૧૧ થઈ છે. એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા વધીને ૮૬ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૦૫૭ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૫ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19