કોરોના વાઈરસ લૉકડાઉન: મુલુંડમાં થઈ રહ્યું છે, સેવાનું સંક્રમણ

09 April, 2020 07:14 AM IST  |  Mumbai | Alpa Nirmal

કોરોના વાઈરસ લૉકડાઉન: મુલુંડમાં થઈ રહ્યું છે, સેવાનું સંક્રમણ

મુલુંડમાં આ ત્રણ મિત્રો લોકોને સેવાઓ પૂરી પાડે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાંચ વ્યક્તિઓની રસોઈ એક્સ્ટ્રા બનાવી તે ગરીબો અને જાનના જોખમે કોરોનામાં ડ્યુટી કરતા લોકોને ખવડાવવાની વાત તો આ સોમવારે કરી, પણ વડા પ્રધાનની હાકલ પહેલાંથી જ મુલુંડમાં આ વ્યવસ્થા ચાલી રહી છે. ત્રણ મિત્રોએ તેમની આજુબાજુમાં રહેતાં સ્નેહી, સ્વજનો, પરિચિતો અને ફ્રેન્ડના ઘરે-ઘરેથી તેઓના ઘરમાં બનાવેલી રસોઈના લંચ બોક્સ કલેક્ટ કરી, દસ દિવસમાં ૮૦૦૦થી વધુ જરૂરિયાતમંદ, ગરીબ લોકોને તાજું ઘરનું ભોજન જમાડયું છે.

‘તમે પાંચ રોટલી અને સો ગ્રામ જેટલું શાક દરરોજ એક્સ્ટ્રા બનાવી શકો!’ આવી અપીલ કરી મુલુંડના ત્રણ મિત્રોએ તેમના મિત્રોને. તેમના મિત્રોએ અપીલ કરી, તેમના બીજા મિત્રોને અને બીજા મિત્રોએ વિનંતી કરી તેમના મિત્રોને. આ રીતે સેવાના સંક્રમણની ચેન બની અને દિવસે દિવસે તેમાં કડીઓ વધતી ગઈ.

આ વાત વિસ્તારમાં સમજાવતા ચેનની મુખ્ય કડીઓમાંના આ એક ભરતભાઈ દોશી ‘મિડ-ડે’ ને કહે છે ‘લૉકડાઉનના ચાર દિવસ પછી અમારા મિત્ર તુષારભાઈ બજારમાં શાકભાજી અને અન્ય જરૂરિયાતનો સામાન લેવા ગયા હતા. ત્યાં તેમને રસ્તામાં એક  લાચાર વ્યક્તિ દેખાઈ. તુષારભાઈએ દયાની રૂએ  તેને ૨૦૦ રૂપિયા આપવા માંડ્યા, જે પેલાએ ન લીધા. તુષારભાઈને લાગ્યું કે તેને કદાચ વધુ જરૂર હશે, એટલે તેમણે પાંચસો રૂપિયાની નોટ આપી ત્યારે પેલી વ્યક્તિએ તુષારભાઈને કહ્યું ‘સાહબ પૈસા નહીં ચાહિયે, ખાના દો, ચાર દિનસે કુછ નહીં ખાયા હૈ.’ તુષારભાઈ તેના જવાબથી હલબલી ગયા અને તુરંત થોડાં ફળો ખાવા આપ્યાં. એટલા પૂરતી તો પેલી વ્યક્તિની ભૂખ ભાંગી ગઈ, પણ પછી શું?

આ ઘટના તુષારભાઈના મગજમાં ઘુમરાતી રહી...અને તેમણે  મિત્રો પરેશભાઈ અને ભરતભાઈને ફોન કર્યા. ત્રણેયે વિચારણા કર્યા બાદ નક્કી કર્યું કે થોડા લંચ બોક્સ તૈયાર કરીએ અને ભૂખ્યાજનો સુધી પહોંચાડીએ.’

વાતનો દોર સાંધતા આ કાર્યના મુખ્ય સૂત્રધાર પરેશભાઈ કહે છે ‘જેઓ મુંબઈમાં ભાડેથી કુટુંબ વગર રહે છે. ઘરમાં રાંધવાની કોઈ ફેસિલિટી નથી, બહાર લારી-ગલ્લા પર ખાઈ-પી લે છે એ લોકો આ લૉકડાઉનમાં શું ખાશે? એ વિચારે અમે તેઓને જમાડવાનું નક્કી કર્યું. જોકે તેમની માટે કોણ ખાવાનું બનાવશે? કોણ સહકાર આપશે? એ વાત કરતાં આવા લોકોને શોધવા ક્યાં? અને તેમના સુધી લંચ પહોંચાડવું કઈ રીતે? એ વિચાર વધુ અઘરો હતો. આથી અમે અહીંના ડીએસપીને મળ્યા. પોલીસે અને અહીંના સ્થાનિક ધારાસભ્યએ મુલુંડ-વેસ્ટમાં આવી ઝૂંપડપટ્ટી, બસ્તીઓ ક્યાં છે, વળી તેમાં કયા-કયા સ્તરના લોકો રહે છે, કોને વધુ જરૂરિયાત છે તેમ જ કોને શેની જરૂરિયાત છે-તેનું વિસ્તૃત વર્ગીકરણ કર્યું છે. સાથે આ દરેક વિસ્તારમાંથી તેઓએ એક એક લોકલ લીડર બનાવ્યા છે. અમે જ્યારે પોલીસને અમારા આ કાર્યની વાત કરી ત્યારે તેમણે અમને અહીંના અમુક વિસ્તારમાં  ફૂડ પેકેટો પહોંચાડવાનું કહ્યું.’

બીજા જ દિવસે પરેશભાઈ અને ભરતભાઈ તેમના મિત્રોએ પોતાના ઘરે બનાવેલા ફૂડ પેકેટ ગાડીમાં ભરીને પોલીસે સૂચવેલા વિસ્તારમાં પહોંચી ગયા અને ત્યાંના લીડરોને પેકેટ સોંપી દીધાં.

પરેશભાઈ કહે છે ‘અમારું કાર્ય ચાલુ થઈ ગયું. પહેલા દિવસે જ અમારા મિત્રોએ ઘણા ગ્રુપમાં મેસેજ ફૉર્વર્ડ કર્યા અને બીજા જ દિવસે અઢીસોથી વધુ ઘરોમાંથી લંચ બોક્સ કલેક્ટ કરવાનું કહેણ અમને આવ્યું. બીજી એક મુશ્કેલી એ હતી કે દરરોજનું આ લંચ ભરવું શેમાં? પ્લાસ્ટિકની થેલીઓમાં તો ગમે નહીં. ડિસ્પોઝેબલ ડબ્બા વગેરે દરેક ઘરોમાં કેટલા હોય? એટલે અમે તાત્કાલિક એલ્યુમિનિયમ ફોઇલના બોક્સ અરેન્જ કર્યા. ને એ બોક્સ આગલા  દિવસે એ બિલ્ડિંગોમાં પહોંચાડી દેવા એમ ઠેરવ્યું. બપોરે ૧૧ વાગ્યે દરેકે પોતાના ઘરે બનેલાં શાક-રોટલી કે દાળ-ભાત આ  ફોઈલ બોક્સમાં ભરી, તે બરાબર પેક કરી તેમની બિલ્ડિંગની નીચે રાખેલા કાર્ટનમાં મૂકી દેવાના. ૧૧.૩૦ સુધી અમારા કાર્યકર ત્યાંથી કલેક્ટ કરી લે અને તેને ગાડીમાં મૂકી સોંપાયેલા વિસ્તારમાં પહોંચી જાય. બે દિવસમાં આ આખી વ્યવસ્થા બરાબર ગોઠવાઈ ગઈ. લોકોનો સહકાર પણ સારો હતો. અમને હેલ્પ કરવા અમારા બીજા મિત્રો પણ તૈયાર થઈ ગયા એટલે વિચાર્યું કે હવે લંચ બોક્સની સંખ્યા વધારીએ, કારણકે ત્યાંની જરૂરિયાતો બહુ મોટી હતી. પછી અમે આ મેસેજ મુલુંડમાં ચાલતા શ્રેયસ્કર ઘોઘારી પરિવાર મંડળના ગ્રુપમાં મૂક્યો. પછી તો, બે જ દિવસમાં લંચ બોક્સની સંખ્યા ૫૦૦, ૭૦૦, ૧૦૦૦ સુધી થઈ ગઈ.’ એમ કહેતા આ મંડળના જીતુભાઈ મહેતા ‘મિડ-ડે’ને કહે છે ‘દરરોજ નવા નવા કુટુંબો જોડાતા જાય છે. કોઈના ઘરમાંથી ૨, કોઈના ઘરમાંથી ૪ બોક્સ આવે છે. ત્યાં બકુલભાઈએ અમને કહ્યું કે, મારે વધારે બોક્સ આપવા છે પરંતુ મારા ઘરમાં કરવાવાળી વ્યક્તિઓ નથી, તો શું કરવું? આથી   અમારા મંડળના ગૃહ ઉદ્યોગમાં  જે બહેનો  કામ કરે છે તેમને પૂછ્યું. તેઓએ તેમના જ ઘરમાં બેસીને આ કાર્ય કરવાનું હતું.  તેઓ તૈયાર થઈ ગયા. દરેક બહેનો પોતપોતાની કેપેસિટી પ્રમાણે દસ-વીસ પેકેટ તૈયાર  કરે છે. પેકેટ દીઠ અમે તેમને ૪૦ રૂપિયા ચૂકવીએ. આ કાર્યથી તેઓને કમાણી થાય છે અને ઘણા દાતાઓના ભાવ પૂર્ણ થાય છે. વળી પેકેટની સંખ્યા પણ વધે છે.’

અત્યારે મુલુંડ-વેસ્ટની ૨૪થી ૨૬ બિલ્ડિંગમાંથી દરરોજના ૭૦૦થી ૮૦૦ પેકેટ કલેક્ટ કરાય છે અને ૨૦૦થી અઢીસો બોક્સ આ બહેનો બનાવે છે. ભરતભાઈ કહે છે ‘અમારી સ્ટ્રેન્થ વધી એટલે અમે વહેંચણીના વિસ્તારનો વ્યાપ પણ વધાર્યો. અલબત્ત પોલીસોના સૂચન અને માર્ગદર્શન પ્રમાણે. એ જ રીતે અમે બધા હેલ્થ પ્રિકોશન પણ પૂરા લઈએ છીએ. માસ્ક, હૅન્ડ ગ્લવ્ઝ પહેરીએ છીએ તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવીએ છીએ. ગાડીમાં કાર્ટન તેના રૂટ પ્રમાણે એ રીતે ગોઠવીયે જેથી તે આપતી વખતે કોઈ ઊથલપાથલ કરવી ન પડે. અમારી સાથે રાહુલ સંઘવી, જૈનમ લાખાણી, મનીષ દોશી, જયેશ શાહ, હેમંત શાહ, રાહિલ શાહ રેગ્યુલરલી સેવા આપવા આવે છે.’

કોરોના અને લૉકડાઉનનો અંત ક્યારે આવશે તે કહેવાય નહીં, વળી આ બીમારીમાં કોઈનો સંગાથ અને સહકાર લેવો પણ ડેન્જરસ છે.  લૉકડાઉન બે-ત્રણ મહિના પણ ચાલેને તોપણ આવી વ્યવસ્થા કોઈને ભારે ન પડે. વળી આની માટે બહુ મોટા સેટ-અપની જરૂર નથી. 
પરેશભાઈ કહે છે ‘અમને આ કાર્યમાં એવા અનુભવો થયા છે કે લંચ બોક્સ આપનાર પ્રત્યે અહોભાવ થાય. હમણાં એક ભાઈએ ૧૮ ડઝન આફૂસ આપી જે દરેક બોક્સ સાથે એક એક વહેંચી. ઉપરાંત દરરોજ મોટાભાગના લંચ-બોક્સમાં મીઠાઇ કે ફરસાણ હોય છે. અમે તો ફક્ત શાક-રોટલીની જ અપીલ કરી હતી, પણ લોકો એટલા ભાવુક છે કે ઘરે જે પોતાની માટે બનાવ્યું હોય એ બધું જ બોક્સમાં ભરે છે, અને એ પણ અમને પેલા લીડર્સ કહે ત્યારે ખબર પડે છે. તાજું, આરોગ્યપ્રદ વાતાવરણમાં બનેલું, ગરમ ખાવાનું યોગ્ય જગ્યાએ પહોંચે એનાથી રૂડી વાત બીજી શું હોય?’

રસ્તામાં એક  લાચાર વ્યક્તિ દેખાયો. અમારા મિત્ર તુષારભાઈએ દયાની રૂએ  તેને ૨૦૦ રૂપિયા આપવા માંડ્યા, જે પેલાએ ન લીધા. તુષારભાઈને લાગ્યું કે તેને કદાચ વધુ જરૂર હશે. એટલે તેમણે પાંચસો રૂપિયાની નોટ આપી ત્યારે પેલી વ્યક્તિએ તુષારભાઈને કહ્યું, ‘સાહબ પૈસા નહીં ચાહિયે, ખાના દો, ચાર દિનસે કુછ નહીં ખાયા હૈ.’

- ભરતભાઈ દોશી

mulund mumbai mumbai news alpa nirmal coronavirus