નવી મુંબઈ અને પનવેલમાં લૉકડાઉન લંબાવાયું છતાં કેસમાં વધારો યથાવત

16 July, 2020 07:44 AM IST  |  Mumbai | Anurag Kamble

નવી મુંબઈ અને પનવેલમાં લૉકડાઉન લંબાવાયું છતાં કેસમાં વધારો યથાવત

નવી મુંબઈમાં લૉકડાઉન ૧૯ જુલાઈ સુધી લંબાવાયું હતું. ફાઇલ ફોટો

રાજ્ય સરકારે લૉકડાઉનનાં નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કર્યાના એકાદ મહિનામાં કેસની સંખ્યા વધતાં નવી મુંબઈ અને પનવેલ મહાનગરપાલિકાઓએ ૩ જુલાઈથી ફરી દસ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી, પરંતુ ૧૩મીએ એ દસ દિવસની મુદત પૂરી થયા પછી પણ પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી. નિયંત્રણો અમલમાં હોવા છતાં ઇન્ફેક્શનના પૉઝિટિવ રિપોર્ટ્સની સંખ્યા વધી રહી છે. એ સંજોગોમાં લૉકડાઉનની મુદત નવી મુંબઈમાં ૧૯ જુલાઈ સુધી અને પનવેલમાં ૨૪ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ચિંતાજનક સ્થિતિ માટે સ્થાનિક રહેવાસીઓમાં નિયમોનું પાલન કરવાની ગંભીરતાનો અભાવ કારણભૂત હોવાનું બન્ને મહાનગરપાલિકાઓના અધિકારીઓ કહે છે.

નવી મુંબઈમાં કોરોના ઇન્ફેક્શનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા ૯૯૧૭ ઉપર પહોંચી છે. એમાંથી ૨૩૩૩ કોરોના પૉઝિટિવ કેસ છેલ્લા દસ દિવસમાં નોંધાયા હતા. એમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૫૩૫ છે. પનવેલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની સંખ્યા ૪૧૫૫ ઉપર પહોંચી છે. એમાંથી ૧૪૦૨ કેસ છેલ્લા દસ દિવસમાં નોંધાયા છે, એમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪૨૯ છે.

પનવેલ મહાનગરપાલિકાના કમિશનર સુધાકર દેશમુખે જણાવ્યું હતું કે ‘અમે ટેસ્ટિંગનું પ્રમાણ ચારગણું વધાર્યું હોવાથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરના નાગરિકોએ સામેથી આવીને ટેસ્ટ કરાવવી જોઈએ. ગઈ કાલે અમે શિવાજીનગરના રહેવાસીઓ માટે ૫૦ ફ્રી ટેસ્ટનું આયોજન કર્યું હતું, પરંતુ ફક્ત પાંચ જણ ટેસ્ટ કરાવવા આવ્યા હતા.’

mumbai mumbai news anurag kamble coronavirus covid19 lockdown panvel navi mumbai