કેબલ એજ્યુકેશન....એટલે આ​ઇડિયા અફલાતૂન

08 September, 2020 07:13 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કેબલ એજ્યુકેશન....એટલે આ​ઇડિયા અફલાતૂન

કેબલ ટીવી દ્વારા એજ્યુકેશન

કોરોનાને લીધે આવી પડેલી મુશ્કેલીથી સ્કૂલ-કૉલેજમાં શિક્ષણ આપવાનું બંધ છે ત્યારે સ્ટુડન્ટ્સોને દેશભરમાં ઑનલાઇન એજ્યુકેશન અપાઈ રહ્યું છે. જોકે આર્થિક મુશ્કેલી, નેટવર્કની સમસ્યા અને ઑડિયો-વિડિયો ક્લિયર ન હોવાની ફરિયાદો મળી રહી છે. ઉપરાંત ખર્ચાળ મોબાઇલ કે ટેબ અત્યારે મંદીના સમયમાં લેવાની લોકોને પરેશાની છે. આવી પરિસ્થિતિમાં વસઈ-વિરાર વિસ્તારમાં રહેતા સ્કૂલના વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી શકે એ માટે અહીંના સ્થાનિક રાજકીય પક્ષે નવો આઇડિયા અપનાવ્યો છે. પાંચ સપ્ટેમ્બરે ટીચર્સ ડે હતો ત્યારે કેબલ ટીવીના માધ્યમથી વસઈ-વિરારના સ્ટુડન્ટ્સોને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. ઈંગ્લિશ અને મરાઠી મીડિયમના ૧થી ૧૦ ધોરણના સબ્જેક્ટના કરાયેલા રેકૉર્ડિંગની વિડિયો યુટ્યુબ પર મૂકવાની સાથે એની સીડી પણ બનાવી હોવાથી આ વિસ્તાર સિવાયના લોકોને પણ એનો લાભ મળે એવી વ્યવસ્થા કરાઈ છે.

સ્થાનક વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરે આ મામલે સામાન્ય કુટુંબો અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને વધારાનો કોઈ ખર્ચ કર્યા વિના કેવી રીતે ઑનલાઇન એજ્યુકેશન આપી શકે એની ચર્ચા નિષ્ણાતો સાથે કરી હતી.

હિતેન્દ્ર ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે,‘દરેકના ઘરમાં કેબલનું કનેક્શન હોય જ છે. આથી અમે દરેક ધોરણના તમામ વિષયનું સ્કૂલમાં જેટલો સમય એક પીરિયડ હોય છે એટલા ટાઈમનો એક-એક પીરિયડ સ્કૂલોના ટીચરો દ્વારા વિડિયો રેકૉર્ડ કરવાનો નિર્ણય લીધો હતો. અમારા વિસ્તારની સારામાં સારી સ્કૂલોના બેસ્ટ ટીચરોનો અમે સંપર્ક કરીને વિરારમાં આવેલી ઓલ્ડ વિવા કૉલેજમાં શૂટિંગ ચાલુ કર્યું હતું. એસએસસી બોર્ડની પરીક્ષા મહત્વની હોવાથી પહેલા આ ધોરણના વિષયોનું શૂટિંગ કરીને કેબલ પર ટેલિકાસ્ટ કરવાની શરૂઆત કરી છે. હવે દરેક ધોરણના તમામ સબજેક્ટના પીરિયડ રેકૉર્ડ કરાઈ રહ્યા છે. એક પણ સ્ટુડન્ટ શિક્ષણ વિના ન રહે એવો અમારો પ્રયાસ છે.’

કેબલ નેટવર્કનો ઉપયોગ

વસઈથી વિરાર સુધીમાં અનેક કેબલ ઑપરેટરોનું નેટવર્ક ઘરે ઘરે પથરાયેલું છે. બહુજન વિકાસ આઘાડીના નેતાઓ અને કાર્યકર્તાઓએ શૂટિંગ થયેલી સીડી કે પેન ડ્રાઈવ આ ઑપરેટરોને પહોંચાડીને તેમને હજારો વિદ્યાર્થીઓ ઘરે બેસીને એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચ કર્યા વિના ટીવીની મોટી સ્ક્રીનમાં શિક્ષણ મેળવી શકે એ માટે સમય ફાળવવાનું કહેવાયું હતું. તેમણે તરત સમય ફાળવીને ટેલિકાસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે.

vasai virar mumbai mumbai news coronavirus covid19 lockdown prakash bambhrolia