શું મુંબઈ 15 જ દિવસમાં હાઇએસ્ટ ડેઇલી કેસના કાઉન્ટને પણ વટાવી જશે?

21 March, 2021 03:18 PM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોના ઇન્ફેક્શનના કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતાં રોગચાળાની સેકન્ડ વેવ આવતાં બે-ત્રણ અઠવાડિયાંમાં વકરી જાય અને ફર્સ્ટ વેવ કરતાં વધુ આકરી બને એવી શક્યતા આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો દર્શાવે છે.

કુર્લા ટર્મિનસ ખાતે ઍન્ટિજન ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. સૈયદ સમીર અબેદી

કોરોના ઇન્ફેક્શનના કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતાં રોગચાળાની સેકન્ડ વેવ આવતાં બે-ત્રણ અઠવાડિયાંમાં વકરી જાય અને ફર્સ્ટ વેવ કરતાં વધુ આકરી બને એવી શક્યતા આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો દર્શાવે છે. રોગચાળાના રોજિંદા કેસનો સૌથી મોટો ૨૮૪૮ દરદીઓનો આંકડો ગયા વર્ષની ૭ ઑક્ટોબરે નોંધાયો હતો. એક દિવસના દરદીઓનો એ આંકડો આવતા ૧૪ દિવસમાં પાર થઈ જાય એવી શક્યતા મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના એક અધિકારીએ દર્શાવી હતી.

કોવિડ રોગચાળામાં દરદીઓની રોજની સરેરાશનો આંકડો ગયા સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં ઊંચાઈ પર પહોંચ્યો હતો. ૮ સપ્ટેમ્બર પછી ચોવીસ કલાકના કેસનો આંકડો ૨૦૦૦થી ઉપર રહેતો હતો. એમાં ૭ ઑક્ટોબરે સૌથી વધારે કેસ નોંધાયા હતા. આ વર્ષની ૯ ફેબ્રુઆરીથી રોગચાળાની સેકન્ડ વેવ શરૂ થઈ હોવાનું મનાય છે. ૯ ફેબ્રુઆરીએ ૩૭૫ કેસ નોંધાયા હતા. આઠેક દિવસમાં આંકડો બમણો થઈને ૧૭ ફેબ્રુઆરીએ ૭૨૧ પર પહોંચ્યો હતો. ત્યાર પછી બે અઠવાડિયે ૩ માર્ચે એ આંકડો ૧૧૦૩ પર પહોંચ્યો હતો. ગઈ કાલે ૨૩૭૭ કેસ નોંધાયા હતા.

રાજ્ય સરકારે નિયુક્ત કરેલા નિષ્ણાતોની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. રાહુલ પંડિતે જણાવ્યું હતું કે ‘કેસની સંખ્યા ઘટાડવા માટે લેવાયેલાં પગલાંની અસર જોવા માટે બે અઠવાડિયાં રાહ જોવી પડશે. જોકે મુંબઈમાં હાલની સ્થિતિમાં આશાસ્પદ બાબત એવી છે કે મોટા ભાગના કેસ એસિમ્પ્ટોમૅટિક છે અને મૃત્યુદર સાવ ઓછો છે. હેલ્થ-સિસ્ટમ પર દબાણ પણ ઓછું છે.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનામાં પરિસ્થિતિ સાવ જુદી હતી. એ વખતે લૉકડાઉન અમલમાં હતો અને ઘણાં નિયંત્રણો પણ લાગુ કરાયાં હતાં. તેથી દરદીઓની સંખ્યામાં વૃદ્ધિનો દર પણ ઓછો હતો. જોકે હાલમાં સબર્બન ટ્રેનો સહિત બધું ખુલ્લું છે એટલે કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.’

હાલમાં સબર્બન ટ્રેનો સહિત બધું ખુલ્લું છે એટલે કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે.
સુરેશ કાકાણી, બીએમસીના ઍડિ. મ્યુનિ. કમિશનર

mumbai mumbai news prajakta kasale coronavirus covid19