મહારાષ્ટ્રમાં આગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત: ઉદ્ધવ ઠાકરે

20 December, 2020 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં આગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત: ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

કોરોના મહામારીને કારણે મુંબઈમાં માર્ચ મહિનાથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લૉકડાઉનની શરૂઆતમાં સરકારી કાર્યાલયમાં ફક્ત પાંચ ટકા સ્ટાફની હાજરી હતી. કોરોના સંક્રમણની ચેઇન તોડવા રાજ્ય સરકારે કડક પાયે લૉકડાઉનનું પાલન કરવા જનતાને આગ્રહ કર્યો હતો. લૉકડાઉનનું પાલન કરાવવા પોલીસની લાઠી પણ ચાલી હતી. કોરોનાના વધતા કેસના લીધે ફરીથી સરકાર કડક પગલા લઈ શકે છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસ અંગે આજે સવારે મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે આગામી 6 મહિના માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સાથે એમણે કહ્યું કે હું રાત્રિ કર્ફ્યૂ અથવા અન્ય લૉકડાઉનના પક્ષમાં નથી.

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કર્ફ્યૂ કે લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. આ સિવાય તેમણે કહ્યું કે રાજ્યમાં પૂર્ણ રીતે નહીં પણ કોરોના વાઈરસના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.

સોશિયલ મીડિયા દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નિષ્ણાંતો ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂ અને લૉકડાઉન લાદવાની તરફેણમાં છે પરંતુ તેઓ આ પ્રકારના પગલાના સમર્થનમાં નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાઈરસનો ચેપ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવી શક્યો નથી, તો પણ સ્થિતિ નિયંત્રણમાં છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઈલાજ કરતા વધુ સારી સુરક્ષા છે. ઓછામાં ઓછા આવતા 6 મહિના સુધી સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાની આદત બનાવી લેવી જોઈએ અને માસ્ક પહેરવું એટલું જ ફરજિયાત છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે 3940 અને કોરોના વાઈરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થવાની સાથે અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 18,92,707 થઈ ગઈ છે. તેવી જ રીતે 24 કલાકમાં અને 74 લોકોના મોત સાથે રાજ્યમાંથી રોગચાળામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 48,648 સુધી પહોંચી ગઈ છે.

mumbai maharashtra uddhav thackeray covid19 coronavirus lockdown