મુંબઈ: મેડિકલ ચેકિંગ વગર APMC માર્કેટમાં ફરનારને દંડની જોગવાઈ

21 May, 2020 08:07 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: મેડિકલ ચેકિંગ વગર APMC માર્કેટમાં ફરનારને દંડની જોગવાઈ

એપીએમસી માર્કેટમાં વેપારી-દલાલોનું હેલ્થ-સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં સોમવારે પહેલા દિવસે એન્ટ્રી લેવા લોકોને હેરાનગતિ થઈ હતી, પણ ત્યાર બાદ હવે છેલ્લા બે દિવસથી એન્ટ્રી સહિતનો બધો વ્યવહાર સ્મૂથલી થયો હતો. આ વિશે માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘મંગળવારે અનલૉડિંગનો દિવસ હતો એથી સોમવારની સરખામણીએ ઓછા લોકો માર્કેટમાં આવ્યા હતા. એમ છતાં, અમે તૈયારી રાખી હતી. ગલીઓની અંદર મેડિકલ ચકાસણી ગોઠવાઈ હતી જેથી બહાર રસ્તા પર વેપારીઓ અને લોકોને ઊભા રહેવું ન પડે. વળી આજે સ્ટાફ પાસે ટેમ્પરેચર માપવાની ગન પણ અપાઈ હતી જેના કારણે બહુ ઝડપથી નિદાન થઈ જતું હતું. હવે નવી સિસ્ટમ ચાલુ કરી છે, જે વ્યક્તિની મેડિકલ ચકાસણી થઈ હોય તેને એક રસીદ આપવામાં આવશે જે બે દિવસ ચાલશે. તેણે બીજા દિવસે ચેકિંગ કારવવું નહીં પડે એથી તે વ્યક્તિનો લાઇનમાં ઊભા રહેવાનો સમય બચી જશે. પણ જો કોઈ વ્યક્તિ વગર રસીદે એટલે કે મેડિકલ ચેકિંગ કરાવ્યા વગર માર્કેટમાં ફરતો મળી આવશે તો તેને ૧૦૦૦ રૂપિયાનો દંડ કરાશે. એનએમએમસીના કર્મચારીઓ તો ખરા જ, પણ વેપારી ભાઈઓએ આગેવાની લઈ બધું સ્મૂથલી પાર પડે એની કાળજી રાખી હતી. આમ દરેકનો સાથ-સહકાર હવે મળી રહ્યો છે.

મંગળવારે અને બુધવારે પ્રમાણમાં બહુ સરળતાથી વ્યવહાર થયા હતા. જોકે મંગળવારે ઓછી ગાડી અનલૉડ થઈ હતી. ૩૦૦ ગાડીઓની પરવાનગી છે, પણ એ સામે ૧૭૦થી ૧૮૦ જેટલી ગાડીઓ અનલૉડ થઈ હતી, જ્યારે ગઈ કાલે બુધવારે લોડિંગનો દિવસ હતો અને ૬૦૦ ગાડીઓ લૉડ કરવાની પરવાનગી સામે ૫૦ ટકા જેટલી ૩૦૦ ગાડી લૉડ થઈ હતી. આગળ પણ આ રીતે વ્યવસ્થિત વ્યવહાર ચાલુ રહે અને વેપારીઓ-દલાલભાઈઓ આ માટે સહકાર આપે એવી વિનંતી છે.

mumbai news mumbai apmc market coronavirus navi mumbai covid19