મહારાષ્ટ્રમાં 28 ફેબ્રુઆરી સુધી લંબાયું લૉકડાઉન, આ છે ગાઈડલાઈન્સ

29 January, 2021 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 28 ફેબ્રુઆરી સુધી લંબાયું લૉકડાઉન, આ છે ગાઈડલાઈન્સ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે શુક્રવાર (29 જાન્યુઆરી)એ રાજ્યમાં કોરોના વાઈરસ લૉકડાઉનને 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધું છે. રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે લૉકડાઉનને એક મહિના સુધી વધારવાની સૂચના બહાર પાડી છે. મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર સરકારે પહેલા કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને 31 જાન્યુઆરી સુધી લૉકડાઉન લંબાવી દીધું હતું.

જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3537 નવા કેસ નોંધાયા, ત્યાર બાદ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19,28,603 સુધી પહોંચી ગઈ છે. 70 ચેપગ્રસ્ત લોકોના મોત બાદ રાજ્યમાં મૃત્યુની સંખ્યા 49,463 સુધી પહોંચી ગઈ છે.

મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કારણે છેલ્લા 10 મહિનાથી બંધ રહેલી શાળાઓ પણ ખોલવામાં આવી છે. ગત બુધવારથી 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. જોકે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક પહેરેલા વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશવાની છૂટ છે, કેટલીક શાળાઓમાં માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ શિક્ષકો અને વિદ્યાર્થીને નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈમાં આ રોગચાળાના અધિક પ્રકોપને ધ્યાનમાં રાખીને અહીંની શાળાઓને હજી પણ બંધ રાખવામાં આવી છે.

રાજ્યની શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડનું કહેવું છે કે જો શાળાઓ 5 થી 8 ધોરણ સુધી સરળતાથી ચલાવી શકે છે, તો મહારાષ્ટ્ર સરકાર 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલને ફરીથી ખોલશે. મુંબઈથી લગભગ 515 કિલોમીટર દૂર પરભણી શહેરમાં એકલ પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું કે 5 થી 8 ધોરણ માટે શાળાને ખોલવા પહેલા મોટાભાગના શિક્ષકોની આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી હતી.

mumbai mumbai news maharashtra lockdown coronavirus covid19