સઘન પેટ્રોલિંગ અને સુધરાઈની તપાસને કારણે કેસની સંખ્યામાં ઘટાડો: પોલીસ

27 June, 2020 11:03 AM IST  |  Mumbai | Samiullah Khan

સઘન પેટ્રોલિંગ અને સુધરાઈની તપાસને કારણે કેસની સંખ્યામાં ઘટાડો: પોલીસ

શહેરના મલાડથી માંડીને દહિસર સુધીના વિસ્તારમાં આજકાલ કોરોનાના કેસમાં મોટી સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મલાડના અપ્પા પાડા વિસ્તારમાં એક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનિંગ કરતા પીપીઈ સૂટમાં સુસજ્જ સ્વયંસેવકો. તસવીર : પી.ટી.આઇ.

મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહ ગઈ કાલે કોરોના રોગચાળાથી વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત મલાડ (પૂર્વ)ના અપ્પાપાડા અને સંતોષનગરની મુલાકાતે ગયા હતા. પરમબીર સિંહે મલાડ (પૂર્વ)ના કોરોના હૉટ-સ્પૉટના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને મુંબઈ મહાનગરપાલિકાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનરે કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ પર નિયંત્રણ રાખવામાં પાલિકાના આરોગ્ય ખાતા અને પોલીસને મળેલી સફળતાને બિરદાવી હતી.

પરમબીર સિંહે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે ‘દવાખાનાં અને હૉસ્પિટલોના સ્ટાફ અને નર્સિસ જે વિસ્તારમાં ડ્યુટી કરતાં હોય એ વિસ્તારમાં એમની રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. એવું કરવામાં આવે તો બીમારીનો ચેપ ફેલાવાની શક્યતા ઘટી શકે છે. અમે બજારો, દુકાનો બધું બંધ રખાવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ ચાલે છે. હેલ્થ ચેકઅપ, થર્મલ સ્ક્રીનિંગ, ફીવર કૅમ્પસ, ડોર ટૂ ડોર ચેકઅપ અૅન્ડ સ્ક્રીનિંગ વગેરે પગલાં લેવાઈ રહ્યાં છે. એથી શંકાસ્પદ દરદીઓને તાત્કાલિક હૉસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં લઈ જવામાં આવે છે જેથી રોગ વધારે ફેલાતો નથી. એ સ્થિતિમાં કેસ ઘટી રહ્યા છે. અમુક વિસ્તારોમાં કેટલાક દિવસોથી એક પણ કેસ નોંધાયો નથી.’ કોરોના કેસમાં સતત વૃદ્ધિને કારણે એકાદ મહિના પહેલાં હૉટ-સ્પૉટ બનેલા અપ્પાપાડા અને સંતોષનગર સહિત કેટલાક કન્ટેઇનમેન્ટ ઝોન્સ તરફ સૌનું ધ્યાન દોરાયું છે. મુંબઈના ૭૫૦ કન્ટેઇનમેન્ટ ઝોન્સમાંથી ૨૫૦ ઉત્તર મુંબઈનાં ઉપનગરોમાં છે. ઉત્તર મુંબઈના ૨૭ હૉટ-સ્પૉટમાં અપ્પાપાડા અને સંતોષનગરનો પણ સમાવેશ છે.

mumbai police mumbai news mumbai coronavirus malad covid19 lockdown samiullah khan