મેયરે વેપારીઓને પોતાના કર્મચારીઓ માટે પ્રાઇવેટ બસ દોડાવવા જણાવ્યું

17 May, 2020 07:27 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મેયરે વેપારીઓને પોતાના કર્મચારીઓ માટે પ્રાઇવેટ બસ દોડાવવા જણાવ્યું

ફાઈલ તસવીર

નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કામ કરતા ૫૦૦થી ૬૦૦ જેટલા કર્મચારીઓ ડોમ્બિવલી-કલ્યાણના પટ્ટામાં રહે છે અને તેમણે રોજ એપીએમસી આવવા નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (એનએમએમટી)ની બસમાં પ્રવાસ કરવો પડે છે, પણ એનએમએમટી હાલમાં માત્ર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ માટે જ એ બસની સુવિધા રાખી છે. એપીએમસીના કર્મચારીઓ જો એમાં ચડે તો તેમને ઉતારી મુકાય છે.

એપીએમસી માર્કેટમાં જીવનજરૂરિયાતની ચીજો વેચાય છે જેને લૉકડાઉનમાં વેચવાની પરવાનગી પહેલેથી જ છે. માર્કેટમાં કોરોનાના કેસ વધતાં તે કર્મચારીઓને એનએમએમટીની બસમાં પ્રવાસ કરવાનું બંધ કરી દેવાયું હતું.

હવે જ્યારે ફરીથી બધી જ માર્કેટો ખૂલવાની શક્યતા છે ત્યારે ટ્રેન બંધ હોવાથી તેમણે કઈ રીતે માર્કેટ પહોંચવું? માર્કેટ ચાલુ હોવા છતાં પહોંચી ન શકતા હોવાથી તેમને પગાર મળતો અટકી ગયો છે અને અનેક કર્મચારીઓ આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે.

આ બાબતે નવી મુંબઈના મેયર જયવંત સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એનએમએમટીની બસની સુવિધા માત્ર અત્યાવશ્યક સેવા અને હવે બૅન્કના કર્મચારીઓ માટે રખાઈ છે. જો એપીએમસીના વેપારીઓને તેમના કર્મચારીઓની ચિંતા હોય તો તેઓ પ્રાઇવેટ બસ દોડાવે. પહેલાં પણ પ્રાઇવેટ બસો આવતી જ હતી. તેઓ એમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે. એપીએમસી અમારો સંપર્ક કરે તો અમે તેમને પરવાનગી આપીશું.’

જ્યારે આ બાબતે એનએમએમટીના એક ઑફિસરે નામ ન આપતાં કહ્યું હતું કે ‘પહેલાં એપીએમસીના કર્મચારીઓ એનએમએમટીની બસોમાં આવતા જ હતા, પણ તેઓ ડિસિપ્લિનમાં રહી સોશ્યલ ડિસ્ટન્સિંગ નહોતા પાળતા અને ભીડ કરતા હતા એથી તેમને લેવા પર કમિશનરે રોક મૂકી દીધી. ત્રણ વખત તો અમારે પોલીસ બોલાવવી પડી હતી. એવું નથી કે બધા જ લોકો એવા હોય છે, પણ કેટલાક લોકોને કારણે બધાએ ભોગવવું પડે છે. હવે જ્યારે સરકારે કેટલીક કંપનીઓને ઑપરેશન માટે છૂટ આપી છે ત્યારે અમે તેમને પૉઇન્ટ ટુ પૉઇન્ટ સર્વિસ આપવાનું વિચારી રહ્યા છીએ. નો પ્રૉફિટ નો લૉસને ગણતરીમાં લઈ કિલોમીટરના દરે તેમને ચાર્જ કરવામાં આવશે. વળી એક જ કંપનીના કે વિસ્તારના લોકોને બેસાડાશે. માત્ર ૫૦ ટકા જ બેઠકો ભરાશે એ પણ પ્રવાસીઓએ ઝિગઝેગ બેસવાનું રહેશે. અમે આ બાબતે હાલમાં વિચારણા કરી રહ્યા છીએ. જો એપીએમસી અમારો અપ્રોચ કરશે તો અમે પણ તેમને કર્મચારીઓનું લિસ્ટ આપવા કહીશું અને વ્યવસ્થા કરવાનું વિચારશું.’

mumbai mumbai news navi mumbai vashi apmc market coronavirus covid19