બીએમસી બનાવી રહી છે સ્કૂલનાં બાળકોને રસી આપવાની યોજના

11 May, 2021 08:15 AM IST  |  Mumbai | Pallavi Smart

એનું કહેવું છે કે બાળકો માટે વૅક્સિન આવ્યા બાદ અમે સમય બગાડવા નથી માગતા

પ્રતીકાત્મક તસવીર

બાળકો માટેની યોગ્ય રસી હજી સુધી ભારતમાં આવી પણ નથી એવા સમયે બીએમસી એની સંલગ્ન તમામ સ્કૂલોમાંથી બાળકોને રસી આપવાની યોજના ઘડી રહી છે. 

બીએમસીની એજ્યુકેશન કમિટીની ગઈ કાલે મળેલી મીટિંગમાં યુવાસેના કોર કમિટીના સભ્ય સાંઈનાથ દુર્ગેએ પાલિકાની સ્કૂલના સ્ટુડન્ટ્સને રસી આપવા સક્રિયપણે પગલાં લેવા સૂચન કર્યું હતું.  હવે આ વિશે નિર્ણય લેવા માટે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સૂચન રજૂ કરાશે. 

સૂચનમાં જણાવાયું છે કે જો આપણે યોજના સાથે તૈયાર હોઈશું તો બાળકો માટેની રસી ઉપલબ્ધ થતાં જ રસીકરણની શરૂઆત કરી શકાશે. જો રસી આવ્યા બાદ રસીકરણની તૈયારી કરવામાં આવશે તો સહેજે મહિનો નીકળી જશે. ઑનલાઇન ઍક્સેસ ઉપલબ્ધ ન હોવાથી શિક્ષણનું નુકસાન વેઠી ચૂકેલાં આ બાળકો માટે હાલના તબક્કે સમયનું અદકેરું મહત્ત્વ છે એમ જણાવતાં સાંઈનાથ દુર્ગેએ કહ્યું હતું કે ‘પાલિકાની શાળામાં ભણતાં ૨,૯૮,૨૧૫ બાળકોને રસી આપવાની જવાબદારી બીએમસીએ લેવી જોઈએ એવું સૂચન યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કર્યું હતું. આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગમાંથી આવતાં આ બાળકોને તેમની શાળા સુધી પહોંચાડવા માટે રસીકરણ શ્રેષ્ઠ માર્ગ છે. વધુમાં એક વાર બીએમસીની સ્કૂલોમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા બાદ ખાનગી સ્કૂલનાં બાળકોને પણ રસી આપી શકાશે. જોકે આ સંબંધે હજી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, જે પાલિકાના કમિશનર દ્વારા લેવામાં આવશે.’ 

બીએમસી બાળકોના રસીકરણ વિશે સક્રિય પગલાં લેવા વિચારી રહ્યું છે ત્યારે અન્ય સંલગ્ન સ્કૂલોમાં એના વિશે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ચર્ચાનો મુખ્ય સૂર એ છે કે હજી ૧૮-૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવાનું પૂર્ણ નથી કરી શકાયું એવામાં બાળકો માટે રસી એ ખૂબ જલદી કહેવાય. એના બદલે બીએમસીએ તમામ બાળકોને તકનિકી સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી તેમના શિક્ષણનું નુકસાન ન થાય. 

mumbai mumbai news coronavirus covid vaccine covid19 brihanmumbai municipal corporation lockdown pallavi smart