મુંબઈમાં 21 દિવસમાં માસ્ક ન પહેરનારા 86,000 લોકો પાસેથી વસૂલાયો દંડ

23 October, 2020 06:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં 21 દિવસમાં માસ્ક ન પહેરનારા 86,000 લોકો પાસેથી વસૂલાયો દંડ

માસ્ક- પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં જાહેર જગ્યાએ ફરતી વખતે માસ્ક પહેરવો જરૂરી છે, એમ છતાં અનેક લોકો માસ્ક પહેરતા નથી અને નિયમોનો ભંગ કરી પોતાના માટે અને અન્યો માટે જોખમ ઊભું કરતા હતા. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧થી ૨૧ ઑક્ટોબર દરમિયાન ૮૬,૪૯૭ જણ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. દરેક પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ કરી તેમની પાસેથી ૧,૬૪,૯૬,૯૦૦ રૂપિયા વસૂલ કર્યા હતા.

પાલિકા દ્વારા માસ્ક ન પહેરનારા સામે એપ્રિલ ૨૦૨૦થી કાર્યવાહી કરાય છે, પણ એ કાર્યવાહી એટલી જલદ નહોતી. ૯ એપ્રિલથી ૨૧ ઑક્ટોબર દરમિયાન કુલ ૧,૦૦,૭૫૨ નાગરિકોએ માસ્ક ન પહેર્યા હોવાથી તેમની સામે કાર્યવાહી કરી દરેક પાસેથી ૨૦૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરાયો હતો. જોકે છેલ્લા ૨૧ દિવસોમાં ૧ ઑક્ટોબરથી એ કાર્યવાહી જલદ બનાવતાં ૮૬,૪૯૭ લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડવામાં આવ્યા હતા.

કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ કોરોના હજી ખતમ થયો ન હોવાનો સંદેશ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપ્યો હતો. માસ્ક પહેરીને જ કોરોનાને પોતાનાથી દૂર રાખી શકાય છે એટલે દરેકે જ્યાં સુધી કોરોનાનો ખતરો ખતમ ન થાય ત્યાં સુધી પહેરીને જ ઘરની બહાર નીકળવું એવી સૂચના મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર અપાય છે. જોકે કેટલાક લોકોને તેમના પરિવારની ચિંતા ન હોય એમ લાગી રહ્યું છે. આમ કરીને તેઓ પોતાની સાથે પરિવારજનોને પણ જોખમમાં મૂકી રહ્યા છે.

mumbai mumbai news coronavirus covid19 maharashtra brihanmumbai municipal corporation