બ્લુ આંગળીઓ : આ એક જ લક્ષણ, કોવિડ દરદીનો જીવ બચાવ્યો ડૉક્ટરોએ

15 May, 2021 08:04 AM IST  |  Mumbai | Somita Pal

કોરોનાગ્રસ્તની ત્રણ આંગળીઓના બદલાયેલા રંગનું નિદાન સેવન હિલ્સના હૉસ્પિટલના ડૉક્ટરોએ બ્લડ ક્લૉટ કરીને તરત સારવાર કરી

પેશન્ટના ડાબા હાથની આંગળીઓ પર બદલાયેલો રંગ જોઈ શકાય છે.

કોવિડ-19માં નવા નવા પ્રકારના કૉમ્પલિકેશન્સ હવે જોવા મળી રહ્યા છે. આવો જ એક જટિલ કેસ બાંદરાના રહેવાસીમાં જોવા મળ્યો. આમાં ડૉક્ટર્સને ખાસ દાદ આપવી પડે. પેશન્ટની નસમાં લોહીના ગંઠાવાની અસામાન્ય મનાતા કોવિડ કૉમ્પલિકેશન્સ ધ્યાન પર આવતાં જ તાત્કાલિક ધોરણે સારવાર હાથ ધરાતાં બાંદરાના રહેવાસીનો હાથ અને જીવન બન્ને બચાવી શકાયાં હતાં. ૪૨ વર્ષના પેશન્ટના ડાબા હાથની ત્રણ આંગળીઓ બ્લુ કલરની થયા બાદ તેને સેવનહિલ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

સૌપ્રથમ પેશન્ટે સ્થાનિક ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો જેમણે કોવિડ-19 ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. ટેસ્ટનું પરીક્ષણ પૉઝિટિવ આવ્યું, પરંતુ પેશન્ટમાં આંગળીઓનો કલર બદલાવા સિવાય કોવિડ-19ના રોગનું બીજું કોઈ લક્ષણ નહોતું જોવા મળ્યું. સતર્ક ડૉક્ટર્સે ડાબા હાથને જોખમમાં મૂકનારા આર્ટરિયલ થ્રૉમ્બોસિસ (ધમનીમાં લોહીના ગંઠાવાની બીમારી)ની જટિલતાને ઓળખી લીધી હતી. 

રાતના સમયે પેશન્ટ જ્યારે સેવનહિલ્સ હૉસ્પિટલમાં આવ્યો ત્યારે તેને કફ કે તાવ નહોતો પરંતુ એક જ અસામાન્ય તકલીફ હતી, હાથની ત્રણ આંગળીઓના કલરમાં બદલાવની, સેવનહિલ્સ હૉસ્પિટલ્સના કાર્ડિયોલૉજિસ્ટ વિભાગના વડા ડૉક્ટર ગણેશ મનુધને જણાવ્યું હતું કે રોગની ગંભીરતા પારખીને અમે તત્કાળ તેની સારવાર શરૂ કરી દીધી હતી.
 
તમામ ટેસ્ટ તથા ત્યાર બાદ કરાયેલી પેરિફેરલ ઍન્જિયોગ્રાફીમાં જણાયું હતું કે પેશન્ટના ડાબા હાથની બે ધમનીમાંથી એકમાં આંશિક બ્લૉકેજ હતું જ્યારે કે બીજી ધમની પૂર્ણત: બ્લૉક હતી. 

લોહી ગંઠાવાને કારણે તેની આંગળીઓમાં ઑક્સિજન પહોંચી નહોતો રહ્યો, જેને કારણે ગૅન્ગ્રીન થવાનું જોખમ વધી જાય છે. ધમનીમાંના બ્લૉકેજને તત્કાળ દૂર કરવું અત્યંત આવશ્યક હતું એમ ડૉક્ટર ગણેશ મનુધને જણાવ્યું હતું. 

બ્લડ ક્લૉટ્સ દૂર કરવા માટે ડૉક્ટરે પેશન્ટ પર થ્રૉમ્બો-સક્શન થ્રૉમ્બેક્ટમી કરી તેના જમણા અંગમાંથી ડાબા હાથ સુધી કૅથેટર દાખલ કરી એને ૨૪ કલાક માટે રાખવામાં આવ્યું. બાકીના ક્લૉટ્સ દૂર કરવા માટે પેશન્ટને થ્રૉમ્બોલિટિક દવા આપવામાં આવી હતી. ૨૪ કલાકની અંદર પેશન્ટની આંગળીઓનો બ્લુ રંગ દૂર થઈ ગયો હતો. 

ડૉક્ટર ગણેશ મનુધને ઉપર જણાવેલા પેશન્ટ સહિત આવા કુલ પાંચ પેશન્ટની સારવાર કરી છે. તેમનું કહેવું છે કે પ્રથમ લહેરમાં આર્ટરિયલ થ્રૉમ્બોસિસના કેસ ખૂબ જૂજ સંખ્યામાં જોવા મળ્યા હતા. અન્ય ચાર દરદીઓથી વિપરીત આ દરદીના અંગના રંગ બદલાવાનું લક્ષણ જોવા મળ્યું હતું. જોકે તેને સમયસર સારવાર માટે લાવવામાં આવ્યો એની અમને ખુશી છે. 

બ્લડ ક્લૉટ ધરાવતા પેશન્ટોમાં હાર્ટ-અટૅક, ફેફસાંમાં ગંઠાવાનું, સ્ટ્રોક તેમ જ ઉપલાં અને નીચલાં બન્ને અંગોની ધમનીઓમાં થૉમ્બ્રોસિસનું જોખમ વધી જાય છે. 

કોવિડ પેશન્ટ્સમાં થ્રૉમ્બોટિક સમસ્યા થવી સામાન્ય છે એ સર્વવિદિત છે. પ્રારંભિક અને સમયસર નિદાન તેમ જ જરૂરી દવાઓ અને સર્જિકલ સહાયતાથી પેશન્ટનું જીવન બચાવી શકાય છે. કોવિડ પેશન્ટના નિયંત્રણ માટે બહુવિધ શિસ્ત અભિગમ કેળવવો ખૂબ આવશ્યક હોવાનું સેવનહિલ્સ હૉસ્પિટલની વિશેષ ફરજ પરના અધિકારી ડૉક્ટર મહારુદ્ર કુંભારે જણાવ્યું હતું. 

આર્ટરિયલ થ્રૉમ્બોસિસ શું છે?
ધમનીમાં લોહી ગંઠાઈ જાય ત્યારે આર્ટરિયલ થ્રૉમ્બોસિસની તકલીફ થાય છે. આમાં શરીરના વિવિધ ભાગોમાં ઑક્સિજન સમૃદ્ધ લોહી લઈ જતી નસોને આર્ટરીઝ (ધમની) કહેવાય છે. 

mumbai mumbai news coronavirus somita pal covid19 bandra