મહારાષ્ટ્રમાં કર્ફ્યુ, પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી રહેશે

25 March, 2020 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં કર્ફ્યુ, પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી રહેશે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

કોરોના વાઇરસ મહારાષ્ટ્ર ફરતે સતત ભરડો લઈ રહ્યો રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકોને હાથ જોડીને વિનંતી કરી હતી કે આપણી સામે મોટું સંકટ છે એટલે એનો સામનો સમજદારીથી કરવામાં જ શાણપણ છે. વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મુખ્ય પ્રધાને અત્યારની સ્થિતિની માહિતી રાજ્યની જનતાને આપી હતી. રાજ્યમાં કરફ્યુ લદાયો હોવા છતાં જીવનજરૂરી વસ્તુઓ અને એની સાથે સંકળાયેલા તમામ લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ ન હોવાનું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

મહત્વની જાહેરાતો:

1. રાજ્યના તમામ જિલ્લાની સરહદ સીલ કરાઈ છે ત્યારે જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડવાના કામ પર રોક નથી. ગ્રામિણ ભાગના ખેડૂતો, મજૂરોને ખેતરમાં જવાની છૂટ છે.

2. જરૂરી સામાનની અવરજવરને નથી અટકાવાઈ આથી આખા રાજ્યમાં જીવન જરૂરી વસ્તુઓની કમી નહીં પડે. કોઈ આવા વાહનોને અટકાવે તો પોલીસને ૧૦૦ નંબર પર ફોન કરીને જાણ કરો.

3. દૂધ, શાકભાજી, ફળ, કરિયાણું અને દવાઓની દુકાનો રાબેતા મુજબ ખૂલ્લી છે અને રહેશે. આથી આ સામાન લેવા માટે ગિરદી ન કરો.

4. અનાજ-કરિયાણાનો ભરપૂર સ્ટૉક છે એટલે એના માટે કોઈએ ગભરાઈને મોટા પ્રમાણમાં સંગ્રહ કરવાની જરૂર નથી.

૫. કોરોના સંપર્કથી ફેલાય છે એટલે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો.

રેલવે દ્વારા દૂધ, શાકભાજી, અનાજ અને અન્ય વસ્તુઓની હેરફેર યથાવત

રેલવે દ્વારા કોરોના વાઇરસ વધુ ન ફેલાય એ માટે પેસેન્જર ટ્રેનો બંધ કરી દેવાઈ છે, પણ લોકોને જીવનજરૂરિયાતની ચીજો મળી રહે એ માટે રેલવે દ્વારા દૂધ, શાકભાજી, અનાજ, કોલસો, ઑઇલની હેરફેર દિવસ- રાત ચાલુ છે. ગુડ્સ ટ્રેનો ૨૪ કલાક ચાલુ છે, એથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

એ ઉપરાંત જે પેસેન્જરોએ એડવાન્સમાં તેમનો પ્રવાસ નક્કી કરી રાખ્યો હતો અને ટિકિટ કઢાવી રાખી હતી એ પેસેન્જરોને ટ્રેનો બંધ હોવાથી ટિકિટના પૈસા રિફન્ડ કરાઈ રહ્યા છે. આ બાબતે મહત્ત્વની વાત જણાવતા રેલવે દ્વારા જણાવાયું છે કે જે લોકોએ ઈ-ટિકિટ બુક કરાવી છે અને તેમની ટ્રેન કૅન્સલ કરી દેવાઈ છે એ લોકોએ રિફન્ડ માટે કોઈ જ પ્રકારની પળોજણમાં પડવાની જરૂર નથી. ટિકિટના પૂરા રૂપિયા (૧૦૦ ટકા) તેમના અકાઉન્ટમાં પાછા આવી જશે. જે લોકો રિફન્ડ મેળવવા ઑનલાઇન પ્રોસિજર કરી રહ્યા છે તેમને શક્ય છે કે કેટલાક ટકા પૈસા કપાઈને મળે. એથી પ્રવાસીઓને અમે કહેવા માગીએ છીએ કે તમે જાતે ટિકિટ કૅન્સલ ન કરો, અમે તે કરી રહ્યા છીએ. ટિકિટના પૈસા તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે.

mumbai mumbai news uddhav thackeray shiv sena coronavirus covid19