મારવાડીઓની ચાની ચુસ્કી હમણાં થોડા સમય માટે માણવા નહીં મળે

16 April, 2021 10:38 AM IST  |  Mumbai | Rohit Parikh

મોટા ભાગની ચાની ટપરી અને હોટેલવાળા કોવિડના નિયમોથી કંટાળીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલા પોતાના વતનમાં પાછા ફર્યા

ઘાટકોપરમાં બંધ ચાની હોટેલ.

કોવિડ ટેસ્ટની પળોજણમાંથી અને સરકારી અધિકારીઓની હેરાનગતિથી બચવા મુંબઈ અને નવી મુંબઈના ડુંગરપુર જિલ્લાના રાજસ્થાની ચા અને કૉફીના સ્ટૉલોના અનેક માલિકો તેમ જ તેમના કર્મચારીઓએ પોતાના વતન તરફ હિજરત શરૂ કરી દીધી છે . 
મુંબઈ અને ઉપનગરોમાં હજારો ચા-કૉફીની હોટેલો અને સ્ટૉલો છે જેના પર રાજસ્થાની સમાજનું વર્ચસ રહેલું છે. આ રાજસ્થાનીઓ તેમના દેશમાંથી માણસો બોલાવીને તેમની હોટેલોમાં ખાવા-રહેવાની સગવડ આપી નોકરીએ રાખતા હોય છે. મોટા ભાગના રાજસ્થાનીઓ મુંબઈ, નવી મુંબઈ અને ઉપનગરોમાં ભાડાંની જગ્યા લઈને તેમનો ધંધો કરતા આવ્યા છે. 

જોકે પહેલાં કોવિડની વેવ અને લૉકડાઉન પછી અનેક રાજસ્થાનીઓ તેમના વતન પાછા ફરવા લાગ્યા છે. આ બાબતની માહિતી આપતાં ઘાટકોપરમાં ચાની હોટેલ ચલાવી રહેલા દયાલાલ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલા લૉકડાઉનમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક વર્ષ સુધી સખત લૉકડાઉનને લીધે દુકાનો અને ઑફિસો બંધ હોવાથી અમારા બિઝનેસ પર જબરો ફટકો પડ્યો છે. અમારી આર્થિક પરિસ્થિતિ એકદમ નબળી પડી ગઈ હતી. એમાં સરકારે કોવિડની બીજી વેવમાં ફરીથી લૉકડાઉન જાહેર કરતાં અમારા માટે માણસોના પગારના સાંસા પડી ગયા હતા.’ 

આર્થિક નુકસાનને સરભર કરીએ એ ઓછું હોય એમ સરકારે અમારા કર્મચારીઓની મહિનામાં બે વખત કોવિડ ટેસ્ટ કરવાનો આદેશ બહાર પાડતાં જ અમારા કર્મચારીઓ સાથે અમે ચા-કૉફીની હોટેલો અને ટપરીઓ ચલાવી રહેલા ડુંગરપુર જિલ્લાના રાજસ્થાનીઓ અમારે વતન પાછા ફરી ગયા હોવાની માહિતી આપતાં કાંદિવલીના સૂરજમલ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટેસ્ટની પળોજણથી અમે બધા ડરી ગયા છીએ. બધા જ માણસો અમારી દુકાનમાં સૂતા હોય છે. એમાંથી એકાદ જો કોવિડ પૉઝિટિવ આવી જાય તો અમારી દુકાનને મહાનગરપાલિકા સીલ કરી દે અને અમારા કર્મચારીને કોઈ પણ હૉસ્પિટલમાં સારવાર માટે નાખી દે તો અમારી હાલત કફોડી થઈ જાય એમ હોવાથી અમે અમારા વતન જતા રહ્યા છીએ. જેમનાં બાળકો મુંબઈમાં નોકરી કરે છે એ રાજસ્થાનીઓ અત્યારે મુંબઈમાં જ સ્થાયી થયા છે.’

ચામાંથી બની સાબુની દુકાન

પહેલા લૉકડાઉન પછી આવેલી ક્રાઇસિસને ધ્યાનમાં રાખીને ઘાટકોપર (ઈસ્ટ)ના તિલક રોડ પર આવેલી ચા-કૉફીની ધમધમતી હોટેલના માલિક અગ્રવાલે તેમની હોટેલમાં હવે સાબુ અને ક્લીનિંગ કેમિકલ વેચવાનું શરૂ કરી દીધું છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown