કુછ તો ગડબડ હૈ...

24 July, 2020 07:03 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

કુછ તો ગડબડ હૈ...

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અને આસપાસના મેટ્રોપૉલિટન રીજન ક્ષેત્રમાં માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઈ હતી ત્યારથી રાજ્યના આરોગ્ય વિભાગ અને વિવિધ મહાનગરપાલિકા દ્વારા દરરોજ જાહેર કરાતા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુના આંકડામાં મોટો તફાવત જોવા મળી રહ્યો હોવાથી કયો આંકડો સાચો અને કયો ખોટો એ સમજવું મુશ્કેલ બની ગયું છે. કોરોનાની સમસ્યા યુદ્ધ કરતાં પણ ગંભીર હોવા છતાં પ્રશાસનના તાલમેલના અભાવે મૃત્યુના આંકડામાં શું રમત રમાઈ રહી છે એ સમજાતું નથી.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ક્ષેત્રની થાણે અને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા દ્વારા દરરોજ જાહેર કરાતા મૃત્યુના આંકડા કરતાં રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા વધારે આવે છે. ૨૨ જુલાઈએ થાણે મહાનગરપાલિકાએ કુલ મૃત્યુઆંક ૫૮૧ દર્શાવ્યો હતો, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ ક્ષેત્રમાં મૃત્યુઆંક ૬૩૯ એટલે કે ૫૮ વધુ લોકોના કોરોનામાં જીવ ગયા હોવાનું પ્રેસ-રિલીઝમાં જાહેર કર્યું હતું. આ ખૂબ ચોંકાવનારું છે, કારણ કે પોતાના વિસ્તારની માહિતી સૌથી પહેલાં મહાનગરપાલિકાને મળતી હોવી જોઈએ અને એની સાથોસાથ અથવા તો પછીથી રાજ્યના આરોગ્ય વિભાગ પાસે અપડેટ થવી જોઈએ. જોકે થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં પરિસ્થિતિ જુદી લાગે છે. અહીંની માહિતી રાજ્ય પાસે પહેલાં અને પછી ત્યાંની પાલિકા પાસે પહોંચતી હોવાનું લાગે છે. બાકી કોરોના-ડેથના આંકડાઓમાંનો આટલો મોટો ફરક સમજાવો મુશ્કેલ છે.

મૃત્યુઆંકમાં જોવા મળતા ફરકથી મહાનગરપાલિકાઓ કોરોનાથી થનારાં મૃત્યુનો આંકડો છુપાવતી હોવાનો આક્ષેપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અનેક લોકોએ કર્યો છે. આ બાબતે તાજેતરમાં મીરા રોડમાં સ્પષ્ટતા કરવા માટેનું એક આંદોલન પણ કરવામાં આવ્યું હતું છતાં પ્રશાસનના કામમાં કોઈ સુધારો થતો ન હોવાનું લોકો કહી રહ્યા છે.

હેલ્થ-ડિરેક્ટર ડૉ. અર્ચના પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકલ કૉર્પોરેશન અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ કોરોના-અપડેટની માહિતી અપાય છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ રહેતા હોય, પણ તેઓ સર્વિસ બીજા જિલ્લામાં કરતા હોય છે. તેઓ જ્યારે હૉસ્પિટલમાં ઍડ્મિટ થાય છે ત્યારે મોટા ભાગે તેમની પાસેનાં કંપનીનાં આઇડેન્ટિટી કાર્ડના આધારે હૉસ્પિટલમાં ઍડ્રેસની નોંધ થાય છે. બીજું, ઘણા એવા લોકો પણ હોય છે જેઓએ થાણેમાં રહેતા હોવા છતાં પોતાનું સરનામું અપડેટ કર્યું નથી. જ્યારથી કોરોનાના કેસ આવવાની શરૂઆત થઈ છે ત્યારથી મોટા શહેરની આવી સમસ્યા સામે આવી રહી છે. જોકે દર અઠવાડિયે રાજ્યના દરેક જિલ્લાના આંકડા ફરીથી ચકાસવામાં આવે છે, જેથી કોઈની નોંધ રહી ન જાય.’

જોકે આ સ્પષ્ટતા ગળે ઊતરે એવી એટલા માટે નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરના સરનામાને બદલે ઑફિસનું સરનામું હૉસ્પિટલમાં નોંધાવે નહીં. પાછું એકાદ દિવસ નહીં, છેલ્લા કેટલાય દિવસોથી આવું બની રહ્યું છે.

thane kalyan dombivli mumbai news coronavirus covid19 prakash bambhrolia