બૅન્કમાં 80000cr ની FD હોવા છતાં દર્દી માટે ડાયાલિસિસ મશીનો નથી

07 July, 2020 08:10 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બૅન્કમાં 80000cr ની FD હોવા છતાં દર્દી માટે ડાયાલિસિસ મશીનો નથી

પ્રતીકાત્મક તસવીર

માર્ચ મહિનામાં મુંબઈમાં કોરોનાના કેસ આવવાની શરૂઆત થયા બાદ અત્યાર સુધી દેશમાં દરરોજ સૌથી વધારે નવા કેસ અહીં નોંધાઈ રહ્યા હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકા કરવી જોઈએ એટલી સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાય છે. પાલિકાની ઉત્તર મુંબઈના કાંદિવલીમાં આવેલી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર (શતાબ્દી) હૉસ્પિટલમાં કોવિડના પેશન્ટને ડાયાલિસિસ કરવા માટેની સુવિધા કોવિડ શરૂ થયાના ચાર મહિનામાં ન કરાઈ હોવાથી લોકોની ભારે હેરાનગતિ થઈ રહી છે. અંદાજે ૮૦,૦૦૦ કરોડની બૅન્ક ફિક્સ ડિપોઝિટ (એફડી) ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા ૧૦ લાખના એક એવાં ડાયાલિસિસ મશીન કેમ નથી વસાવતી એવો સવાલ કરાઈ રહ્યો છે.

કાંદિવલીના ગાંવઠણ વિસ્તારમાં રહેતી ‍એક વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થવાથી કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરાઈ છે. ટ્રીટમેન્ટમાં તેને ડાયાલિસિસની જરૂર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે, પરંતુ ઉત્તર મુંબઈ જ નહીં, છેક મુંબઈ સેન્ટ્રલ સુધીની પાલિકા અને રાજ્ય સરકાર સંચાલિત એક પણ હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓની ડાયાલિસિસ કરવાનાં મશીન ન હોવાથી દર્દીને નાયર હૉસ્પિટલમાં મોકલાઈ રહ્યા છે.

કાંદિવલીથી છેક મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં કોવિડના દર્દીને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડે છે. ચોંકાવનારી વાત એ છે કે ઍમ્બ્યુલન્સનો ખર્ચ દર્દીને ભોગવવાની સાથે આખો દિવસ આવવા-જવામાં લાગે છે અને નાયર હૉસ્પિટલમાં દરરોજ ડાયાલિસિસના અનેક દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી લાઇનમાં બેસવું પડી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું,

ઉત્તર મુંબઈમાં કોવિડના પેશન્ટ માટે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં ડાયાલિસિસની સુવિધા ન હોવાથી દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા ચારકોપ વિધાનસભા મતદાર ક્ષેત્રના વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ચાર મહિનાથી કોરોનાનું સંકટ ચાલી રહ્યું હોવા છતાં પાલિકા પ્રશાસન કોવિડના દર્દીઓ માટે કેટલીક જરૂરી સુવિધા હજી સુધી ઊભી નથી કરી શકી. ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની બૅન્કની એફડી પાલિકા પાસે હોવા છતાં માત્ર ૧૦ લાખ રૂપિયાનાં કોવિડ ડાયાલિસિસનાં મશીન કેમ નથી વસાવાઈ રહ્યાં એવો સવાલ થઈ રહ્યો છે. પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ સાત દિવસમાં કોવિડના દર્દીઓનું ડાયાલિસિસ થઈ શકે એવાં મશીન ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે.’

કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડૉ. પ્રમોદ નગરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય દર્દીઓ માટે અહીં ડાયાલિસિસની સુવિધા છે. જોકે કોવિડના દર્દીઓ માટેના ડાયાલિસિસ મશીનો અહીં નથી એટલે આવા કોઈ પેશન્ટ આવે તો તેને મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં લઈ જવા પડે છે. આ મુશ્કેલી સામે આવી હોવાથી શતાબ્દી હૉસ્પિટલમાં ૧૫ મશીન ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ તૈયાર કરાઈ રહ્યો છે. આથી ટૂંક સમયમાં કોવિડના દર્દીઓનું ડાયાલિસિસ અહીં થઈ શકશે.’

prakash bambhrolia mumbai news mumbai covid19 coronavirus brihanmumbai municipal corporation