મુલુંડમાં ટેન્શન: વપરાયેલાં PPE કિટ રસ્તા પર ફેંકી દેવાય છે

27 May, 2020 08:02 AM IST  |  Mumbai | Anurag Kamble

મુલુંડમાં ટેન્શન: વપરાયેલાં PPE કિટ રસ્તા પર ફેંકી દેવાય છે

રસ્તા પર પડેલા PPE કિટ્સ

વપરાયેલાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ (PPE) તાતા કૉલોની વિસ્તારના સ્મશાનની બહાર ફેંકી દેવાને કારણે મુલુંડના રહેવાસીઓને ચિંતા સતાવી રહી છે, કારણ કે કચરો વીણનારા અને કૂતરા એ PPEના સંપર્કમાં આવતાં હોવાથી એનો સંસર્ગ સ્થાનિક રહેવાસીઓમાં ફેલાવાનો સૌને ડર લાગી રહ્યો છે. તાતા કૉલોનીના સ્મશાનગૃહમાં કોવિડ-19ના મૃતકોને લાવવામાં આવતા હોવાની ચિંતા હતી અને એમાં બહાર ફેંકવામાં આવતી PPE કિટ્સ ચિંતા વધારે છે. જે પ્લાસ્ટિકની શીટ્સમાં મૃતદેહ લપેટીને લાવવામાં આવે છે એ પણ મડદા પરથી કાઢીને નાળામાં ફેંકવામાં આવતી હોવાથી ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જતું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

એકવીરા દર્શન રહિવાસી સંઘના રહેવાસી અવિનાશ ચૌગુલેએ જણાવ્યું કે ‘પહેલાં ઍમ્બ્યુલન્સમાં કોવિડ-19ના દર્દીને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવે ત્યારે અમારા મનમાં ફફડાટ થતો હતો. ત્યાર પછી ઉકરડામાં અને નાળામાં PPE કિટ્સ અને પ્લાસ્ટિક શીટ્સ ફેંકવાને કારણે ચિંતા વધી. એ બાબત અમે મહાનગરપાલિકાના ‘ટી’ વૉર્ડના અધિકારીઓ અને નવઘર પોલીસ-સ્ટેશનને જણાવી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. કચરો વીણનારાઓ અને રખડતા કૂતરાને કારણે ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધે છે. સૌથી પહેલાં ૨૧ મેએ અને ત્યાર પછી ગયા સોમવારે આવું બન્યું. અમારી સોસાયટીના ગેટથી ૫૦ ફુટના અંતરે PPE કિટ્સ પડેલી હોય છે ત્યારે અમારા હૃદયના ધબકારા વધી જાય છે.’

એ વિસ્તારના રહેવાસીઓએ ઘણી ફરિયાદ કર્યા પછી ગયા સોમવારે રાતે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ત્યાં પહોંચીને PPE કિટ્સ અને પ્લાસ્ટિક શીટ્સ સહિત બધો જોખમી કચરો બાળી નાખ્યો હતો. એ કર્મચારીઓએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલના વૉર્ડબૉયને કાંઈ સમજ ન પડે એટલે મૃતદેહના અગ્નિસંસ્કાર પછી PPE કિટ્સ તથા અન્ય વસ્તુઓ જ્યાંત્યાં ફેંકી દેતા હશે. આ રીતે વસ્તુઓ નહીં ફેંકવાની કડક સૂચના અમે હૉસ્પિટલોના વૉર્ડબૉયને આપીશું. આ ભૂલનું પુનરાવર્તન ન થાય એની કાળજી રાખીશું.’

mulund coronavirus covid19 lockdown anurag kamble mumbai news