એક્ઝામ લંબાતાં સ્ટ્રેસ વધી ગયું છે

13 April, 2021 08:38 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

દસમા-બારમાની પરીક્ષા પોસ્ટપોન્ડ થતાં આવું કહેવું છે ઘણાનું, અમુકનું કહેવું છે કે ઑનલાઇન એક્ઝામ લઈ લો

બારમામાં ભણતી ખુશી શાહ

હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને કોરોના બાળકોમાં પણ સ્પીડમાં ફેલાઈ રહ્યો હોવાથી સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ગઈ કાલે આ વિશે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાથમિકતા આપતાં બોર્ડની પરીક્ષા આગળ ધકેલાઈ છે અને ૧૦મા ધોરણની જૂન મહિનામાં અને ૧૨મા ધોરણની મેના અંત સુધીમાં પરીક્ષા લેવાના પ્રયાસ રહેશે જેથી તેમને આગળના ભણતરમાં કોઈ નુકસાન થશે નહીં. રાજ્યે લીધેલા આ નિર્ણયનું અન્ય બોર્ડ પણ અનુકરણ કરે એવી અમારી ઇચ્છા છે.’

જોકે સરકારના આ નિર્ણય વિશે અમુક વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઑનલાઇન પરીક્ષા લઈ લેવી જોઈતી હતી, જ્યારે એક પેરન્ટ્સનું કહેવું છે કે એક્ઝામ વગર જ બાળકોને પાસ કરી દેવાં જોઈએ.

એક જ અભ્યાસ કેટલી વખત કરવો?

માહિમમાં રહેતા અને દસમા ધોરણમાં ભણતા તીર્થ મારુએ કહ્યું હતું કે ‘છેલ્લા માર્ચ-એપ્રિલથી અમે ઑનલાઇન ક્લાસના માધ્યમથી ભણી રહ્યા છીએ. ૧૩ મહિના ઉપર થઈ ગયા અને સતત એક ને એક અભ્યાસ કરીને કંટાળો આવી ગયો છે. એક તો પહેલેથી જ અભ્યાસક્રમ ઓછો કરી દેવામાં આવ્યો છે એટલે અભ્યાસ પણ ઓછો છે અને પેપરની પ્રૅક્ટિસ કરવાની સાથે અનેક વખત એક્ઝામ પણ ઑનલાઇન આપી દીધી છે. એક મહિનાથી સ્કૂલના ઑનલાઇન ક્લાસ પણ બંધ થઈ ગયા છે. રિવિઝન પણ કેટલી વખત કરવાનું? સરકારે ઑનલાઇન એક્ઝામ લઈ લીધી હોત તો અમે તો ટેન્શન-ફ્રી થઈ ગયા હોત. ખરું કહું તો બુક્સ મોઢે થઈ ગઈ છે અને હવે હાથમાં લેતાં પણ કંટાળો આવે છે.’

હવે થોડી રાહત થાય છે

વિદ્યાવિહારમાં રહેતી અને દસમા ધોરણમાં ભણતી નિકિતા સાપરિયાએ કહ્યું હતું કે ‘એક્ઝામ ગમે ત્યારે લેવાશે એ વિચારે પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે. રિવિઝન પણ કરી લીધું હતું. એક્ઝામ અમુક દિવસમાં જ લેવાશે એટલે ફરી રિવિઝન કર્યું અને તૈયારી કરી લીધી છે, પરંતુ સરકારે જાહેર કરેલા નિર્ણયથી હવે રિવિઝન કરવાનો મૂડ જ જતો રહ્યો છે. ઑનલાઇન એક્ઝામ થઈ હોત તો સારું હતું, પરંતુ ગવર્નમેન્ટના નિર્ણયને માનવાનો છે અને એક્ઝામ પોસ્ટપોન થતાં હવે રિલૅક્સ પણ ફીલ થાય છે.’

સ્ટ્રેસ-લેવલ વધી ગયું છે

દહિસરની કૉલેજમાં બારમા ધોરણમાં ભણતી ભાઈંદરની ખુશી શાહે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં શિક્ષણ વિભાગે ટ્વીટ કરીને કહ્યું હતું કે એક્ઝામ આ વખતે થવાની છે. એથી અમે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ અચાનક એક્ઝામ લંબાતાં સ્ટ્રેસ-લેવલ વધી ગયું છે. જે સિટીમાં હોય ત્યાં જ સેન્ટર આપીને અથવા ઑનલાઇન એક્ઝામ લઈને આ વિષયને ખતમ કરવો જોઈતો હતો.’

એક્ઝામ વગર પાસ કરો

બારમા ધોરણમાં ભણતી બોરીવલીની ઈશા જોશીના પિતા દેવલ જોશીએ કહ્યું હતું કે ‘૨૨મીએ એક્ઝામ હતી અને હવે એ પોસ્ટપોન થવાથી બાળકોની જે છેલ્લી તૈયારી હતી એ પાછી પડી ભાંગી છે. તેઓ ધ્યાનથી ભણી પણ નથી શકતાં. મારા મત પ્રમાણે બારમાના વિદ્યાર્થીઓને એક્ઝામ લીધા વગર પાસ કરી દેવાની જરૂર છે. એક્ઝામમાં પણ સબ્જેક્ટ્સનાં પેપરના ઑપ્શન રાખી શકાય કે જેને આગળ મેડિકલમાં જવું છે એ માત્ર પીસીજીએમ આપે કે પછી જેને એન્જિનિયરિંગમાં જવું હોય એ પ્રમાણેના સબ્જેક્ટ્સની એક્ઝામ પણ આપી શકે. એનાથી વર્કલોડ ઓછો થઈ જશે.’

અન્ય વિદ્યાર્થીઓને ઉનાળાનું વેકેશન ક્યારે?

દર વર્ષે ૧૫ એપ્રિલ સુધીમાં વાર્ષિક પરીક્ષાઓ પૂરી થતી હોય છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવતી હોય છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ દર વર્ષે પહેલા ધોરણથી આઠમા સુધી વિદ્યાર્થીઓને નાપાસ ન કરતાં વાર્ષિક મૂલ્યાંકનના આધારે આગલા ધોરણમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર ક્યારે પૂરું થશે અને વિદ્યાર્થીઓને ઉનાળાનું વેકેશન ક્યારથી આપવામાં આવશે એની કોઈ જાણકારી અપાઈ નથી. શિક્ષણ વિભાગ દ્વારા અધૂરી માહિતી અપાઈ રહી હોવાથી પેરન્ટ્સમાં કન્ફયુઝન ઊભું થાય છે. વેકેશન વિશે કોઈ માહિતી આપી ન હોવાથી આગળના દિવસોનું પ્લાનિંગ પેરન્ટ્સ અને ટીચર્સ કરી શકતા નથી.

coronavirus covid19 mumbai mumbai news preeti khuman-thakur