કોવૅક્સિન-પૅનિક સતત વધી રહ્યું છે

11 May, 2021 08:03 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પહેલો ડોઝ કોવૅક્સિનનો લેનારા અનેક સિનિયર સિટિઝનો રજિસ્ટ્રેશન કરાવીને સ્લૉટ મળતાં બીજો ડોઝ લેવા જાય છે, પણ એ સ્ટૉકમાં ન હોવાથી પાછા આવવું પડે છે. એને કારણે અનેક સવાલો તેમને સતાવી રહ્યા છે અને અત્યારે તેઓ ભારે દહેશતમાં છે

પ્રતીકાત્મક તસવીર

વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ થયા બાદ બીજા તબક્કામાં સિનિયર સિટિઝનોને અને ૪૫ વર્ષથી વધુની ઉંમરના અને કોઈ કાયમી બીમારી ધરાવતા હોય એવા લોકોને વૅક્સિન આપવામાં આવી હતી. એ વખતે અનેક સિનિયર સિટિઝનોએ તેમનો વૅક્સિનનો પહેલો ડોઝ કોવૅક્સિનનો લીધો હતો. સરકારી ગાઇડલાઇન મુજબ કોવૅક્સિનના બે ડોઝ વચ્ચે ૪થી ૬ અઠવાડિયાંનો સમયગાળો હોવો જોઈએ. જોકે હવે ૪૫ દિવસ કરતાં વધુ થઈ જતાં તેઓ રજિસ્ટ્રેશન કરાવીને સ્લૉટ મળતાં બીજો ડોઝ લેવા જાય છે, પણ કોવૅક્સિનનો સ્ટૉક જ અવેલેબલ ન હોવાથી તેમણે પાછા આવવું પડે છે. એને કારણે ખાસ કરીને સિનિયર સિટિઝનો ચિંતામાં સરી પડ્યા છે. તેઓ હવે કોવિશીલ્ડ ન લઈ શકે અને કોવૅક્સિન છે નહીં તો તેમને શું કોરોના થશે? નહીં થાય? પહેલા ડોઝની અસર ઊતરી તો નહીં જાયને? હવે અમને જલદી બીજો ડોઝ નહીં અપાય તો અમારે શું કરવાનું? અમારું શું થશે? આવા અનેક સવાલો તેમને સતાવી રહ્યા છે અને હાલ તેઓ ભારે દહેશતમાં સમય પસાર કરી રહ્યા છે. 

લોકોમાં ફેલાયેલી દહેશત બાબતે માહિતી આપતાં ફામના ડિરેક્ટર જનરલ અને ઘાટકોપરમાં રહેતા ટિમ્બરના વેપારી આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી હાલત તો મધદરિયે ફસાયેલા જેવી થઈ છે. મેં અને મારી પત્ની અન્વીએ ૩ એપ્રિલે કોવૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હવે અમે બીજો ડોઝ લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ કોવૅક્સિન સ્ટૉકમાં નથી એમ કહે છે. હવે અમારે શું કરવાનું ? અમારા જેવા અનેક લોકો છે જેમણે કોવૅક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ સેકન્ડ ડોઝ ન મળતાં લટકી પડ્યા છે. અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે શું આ સમયગાળો લંબાઈ જાય તો ચાલે? જો હમણાં નહીં મળે તો ક્યારે મળશે? શું અમારી ઇમ્યુનિટી ઓછી થઈ જશે? અમને કોરોના થઈ જશે? આવા અનેક સવાલો ઊભા થાય છે, પણ કોઈ જ આ બાબતે સ્પષ્ટતા નથી કરી રહ્યું. ન બીએમસી, ન રાજ્ય સરકાર કોઈને કશી જ ખબર નથી. એમાં વળી શનિવારે એક ન્યુઝ-ચૅનલે એમ કહ્યું કે કોવૅક્સિનનો ૩૬,૦૦૦ વાયલ્સનો સ્ટૉક મુંબઈને ફાળવવામાં આવ્યો છે, પણ એ ક્યાં મળશે એના વિશે કોઈ ચોખવટ કરાઈ નથી અથવા એ ક્યાં અને કોને અપાયો એ વિશે પણ માહિતી નથી મળી રહી. એટલે આ સંદર્ભે લોકોમાં પૅનિક ન ફેલાય અને તેમને ધરપત થાય એ માટે સત્તાવાળાઓ સ્પષ્ટતા કરે એ માટે મેં બીએમસીને ટ્વીટ કર્યું છે. સાથે જ અમારા ‘એન’ વૉર્ડના કમિશનર, એમએલએ, એમપી, રાજ્ય સરકારના ઓરોગ્યપ્રધાન રાજેશ ટોપે, બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ બધાને ટૅગ કર્યું છે. જોકે તેમના તરકથી પણ કોઈ સ્પષ્ટતા કરાતી નથી. લોકોમાં બહુ જ ગભરાટ ફેલાયો છે. વહેલી તકે કોવૅક્સિનનો ડોઝ અરેન્જ કરાય એ હાલની તાત્કાલિક જરૂરિયાત છે.’

‘મિડ-ડે’એ આ સંદર્ભે સ્પષ્ટતા મેળવવા કોવિડ ટાસ્ક ફોર્સના ડૉ. પ્રદીપ વ્યાસ, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણી અને બીએમસીના આરોગ્ય વિભાગનાં વડા મંગલા ગોમરેનો ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. તેમને મેસેજ પણ કરાયા હતા, પરંતુ એનો જવાબ પણ મળ્યો નહોતો.    

કોવૅક્સિનનું ઉત્પાદન કરવાની છૂટ આપો : હાઈ કોર્ટ 
કોવૅક્સિનનું ઉત્પાદન કરતી ભારત બાયોટેકની અસોસિયેટ કંપની બાયોવેટ પ્રાઇવેટ લિમિટેડનો પુણેના માંજરીખુર્દમાં ૧૨ હેક્ટરમાં આવેલો ફુલ્લી ઑપરેશનલ પ્લાન્ટ હાલ કાયદાકીય ગૂંચને કારણે, રાજ્ય સરકારના લિટિગેશનને કારણે બંધ છે. હાઈ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે કે હાલની કોવિડ-19ની પરિસ્થિતિ જોતાં કંપનીને ચોક્કસ સમયગાળા માટે કોવૅક્સિન અને લાઇફ-સેવિંગ ડ્રગનું ઉત્પાદન કરવાની પરવાનગી આપે અને એ માટેનું લાઇસન્સ અને એનઓસી આપે.

mumbai mumbai news coronavirus covid vaccine covid19 vaccination drive bakulesh trivedi