મુંબઈ: રાજ્ય સરકાર સિનેમા હૉલ શરૂ કરવા પૉઝિટિવ

02 October, 2020 09:55 AM IST  |  Mumbai | Agency

મુંબઈ: રાજ્ય સરકાર સિનેમા હૉલ શરૂ કરવા પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકાર સિનેમા હૉલ અને થિયેટર ખોલવા સકારાત્મક વલણ ધરાવે છે. એમ છતાં, કોવિડ-19ને કારણે લોકોનું સ્વાસ્થ્ય એ તેમની પહેલી પ્રાયોરિટી છે, એમ રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અમિત દેશમુખે કહ્યું છે. થિયેટરમાલિકોનું એક પ્રતિનિધિ મંડળ ગઈ કાલે તેમને તેમની હાલની સમસ્યા જેવી કે ઇલેક્ટ્રિસિટી બિલ, પ્રૉપર્ટી ટૅક્સ અને અન્ય ખર્ચાને પહોંચી વળવા ફરી થિયેટર્સ ખોલવાની પરવાનગી મળે એની રજૂઆત માટે મળવા ગયું હતું. તેમને આશ્વાસન આપતાં દેશમુખે કહ્યું હતું કે ‘આ વિશે તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટ સાથે વાત કરશે. કોરોનાના કારણે સિનેમા હૉલ છેલ્લા ૬ મહિનાથી બંધ છે.

કેન્દ્ર સરકારે હાલમાં જ બહાર પાડેલી નવી ગાઇડલાઇન્સ મુજબ કન્ટેનમેન્ટ ઝોન છોડીને અન્ય સ્થળોએ ૧૫ ઑક્ટોબરથી સિનેમા હૉલ, થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સ તેની ક્ષમતાના ૫૦ ટકા બેઠકો સાથે ચાલુ કરી શકાશે. જ્યારે કે આ જ સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડેલી તેની ગાઇડલાઇન્સમાં જાહેર સ્થળો જેવા કે સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક વગેરે ખોલવાની પરવાનગી આપી નથી. અમે જ્યારે પણ એ ખોલવાની પરવાનગી આપશું ત્યારે પણ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ અમારી પ્રાયોરિટી રહેશે. રાજ્ય સરકાર સિનેમા હૉલ અને થિયેટર્સ ખોલવા પૉઝિટિવ છે. આ બાબતે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ચર્ચા કરાશે.

દશેરા, દિવાળી એ તહેવારોની સીઝન છે અને લોકો આ તહેવારોની મજા માણવા સિનેમા હૉલ અને થિયેટર્સ પર ભીડ કરતા હોય છે એથી સિનેમા હૉલ ફરી ચાલુ કરવાનો આ યોગ્ય સમય છે, પણ સાથે જ લોકોનું સ્વાસ્થ્ય જાળવી કઈ રીતે એ ખોલવા એ બાબતે હાલ વિચારણા ચાલી રહી છે.

અમિત દેશમુખે વધુમાં કહ્યું હતું કે હાલ રાજ્યમાં અનલૉક-5 અમલમાં છે, જેમાં હોટેલ, રેસ્ટોરાં, બાર ખોલવાની પરવાનગી અપાઈ છે, પણ થિયેટર્સ હાલ બંધ રહેશે.

mumbai mumbai news lockdown coronavirus covid19 maharashtra