મુંબઈ : કરિયાણાના વેપારીઓ પણ કોવિડ યોદ્ધા

25 November, 2020 07:36 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : કરિયાણાના વેપારીઓ પણ કોવિડ યોદ્ધા

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર કરાયું હોવા છતાં ભારતભરના કરિયાણાના વેપારીઓ અને એમાં કામ કરતા કર્મચારીઓ જીવ જોખમમાં મૂકીને લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓની અછત ઊભી ન થાય એ માટે સતત લોકોની સેવામાં હાજર રહ્યા છે. એથી કરિયાણાના વેપારીઓ અને કર્મચારીઓ પણ ‘કોરોના યોદ્વા’ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હોવાથી કોવિડ-19ની વૅક્સિન આવે ત્યારે તેમને પણ પ્રાથમિકતામાં સામેલ કરવામાં આવે, એવી અપીલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી છે.

આ વિશે ધ ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વિરેન શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાની લડતમાં પાલિકા પ્રશાસન, પોલીસ, ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફની જેમ કરિયાણાના વેપારીઓ અને એમાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાની મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા હતા. કોરોના મહામારીની શરૂઆતમાં લૉકડાઉનના કારણે બધું જ બંધ હતું ત્યારે કરિયાણા સ્ટોર્સ ખુલ્લા રાખીને જીવના જોખમે પણ લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે હેરાન થવું પડ્યું નહોતું. લોકોને ઘરઆંગણે બધુ મળી રહે એ માટે કરિયાણા સ્ટોર્સમાં બધા જ માલનો સ્ટૉક ઉપલબ્ધ થાય એ માટે વેપારીઓએ તકેદારી પણ રાખી છે. કોરોના વૅક્સિન જલદી જ આવશે અને એનો પહેલો ડોઝ હેલ્થ કૅર વર્કર્સને આપવામાં આવશે એવું સરકારે જાહેર કર્યું છે. જોકે આવી મહામારીમાં રીટેલ વેપારીઓએ પણ દિવસ-રાત એક કરીને કોરોના યોદ્વાઓની જેમ ફરજ બજાવી છે. ઑનલાઇન કંપનીઓ વસ્તુઓ ડિલિવર કરી શકતી નહોતી ત્યારે ફળ, શાકભાજીથી લઈને જરૂરિયાતની વસ્તુઓ વગેરે લોકોના ઘર સુધી પહોંચાડી છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને પ્રાઇમ મિનિસ્ટર મોદીજીને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કરિયાણા વેપારી, કર્મચારીઓને પણ વૅક્સિનેશનના ડોઝમાં પ્રાથમિકતા આપે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra