મુંબઈ : લૉકડાઉન શબ્દ હવે સાંભળીને જ રૂંવાડાં ઊભાં થઈ જાય છે

23 March, 2021 08:07 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

લૉકડાઉનને એક વર્ષ આજે પૂરું થાય છે ત્યારે આવું રીઍક્શન છે આ કપરા સમય દરમ્યાન પોતાના જૉબ ગુમાવનાર કાંદિવલીના ઠક્કર કપલ બિંદિયા - નીલેશનું

કાંદિવલીમાં રહેતાં બિંદિયા અને નીલેશ ઠક્કર.

લૉકડાઉન. કોરોના મહામારી પહેલાં આ શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો, પણ કોરોના ભારતમાં પ્રવેશ્યા બાદ એક વર્ષ પહેલાં આજે ભારતમાં વડા પ્રધાન દ્વારા ૨૧ દિવસનું પહેલું લૉકડાઉન લાગુ કરાયું હતું. આજે એક વર્ષ બાદ નાના બાળકને પણ લૉકડાઉનનો અર્થ ખૂબ સારી રીતે સમજાઈ ગયો છે, કારણ કે લૉકડાઉને બાળકો પાસેથી તેમની સ્કૂલ, ગાર્ડન, ખુલ્લામાં રમવા જવાનું ફ્રીડમ છીનવ્યું, સિનિયર સિટિઝનને આ ચેપી રોગ જલદી સંક્રમિત કરતો હોવાનું આગળ આવતાં તેમને માટે ટેન્શન ઊભું કર્યું. અનેક દંપતી માટે નોકરી જતી રહેતાં ઘર ચલાવવાનાં ફાંફાં સુધ્ધાં પડી ગયાં હતાં.

છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી કાંદિવલીના ચારકોપમાં રહેતાં બિંદિયા અને નીલેશ ઠક્કરની ફરી લૉકડાઉન તો નહીં થાયને એ ચિંતમાં ઊંઘ હરામ થઈ ગઈ છે. લૉકડાઉનમાં બન્નેએ પોતાનાં કામકાજ ગુમાવ્યાં હતાં અને પોતાના સેવિંગ્સ પર લૉકડાઉનના દિવસો પસાર કર્યા હતા. એક વર્ષ પછી ફરી લૉકડાઉનની વાતો સંભળાતાં રાતની ઊંઘ ઊડી ગઈ છે, એમ કહેતાં હાલાઈ લોહાણ સમાજનાં બિંદિયા ઠક્કરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું લોકોના ઘરે અને લગ્ન-પ્રસંગમાં ઑર્ડર હોય તો બ્યુટિશ્યન તરીકે ફરજ બજાવું છું. મારા પતિ બોરીવલીમાં એક રેડીમેડ ડ્રેસિસની શૉપમાં મૅનેજર હતા. લૉકડાઉન દરમ્યાન અમે બન્નેએ જૉબ ગુમાવી છે. પરિવારમાં અમે બન્ને જ કમાવનારાં છીએ. લૉકડાઉન દરમ્યાન અને હાલમાં પણ મોટા ભાગનાં બિલ્ડિંગો અમને અલાઉડ કરતાં નથી. લોકોને ડર પણ લાગે છે કે બહારથી આવે છે તો બ્યુટિશ્યનને હાથ કઈ રીતે લગાડવા દઈએ. લગ્ન-પ્રસંગમાં પણ ૫૦ જણને જ અલાઉડ હોવાથી ફક્ત દુલ્હન અને વધુમાં વધુ તેની બહેન કે મમ્મી જ તૈયાર થઈ રહી છે. જ્યાં સાઇડર એટલા તૈયાર થતા એના પાંચ ટકા પણ હવે તૈયાર નથી થઈ રહ્યા. પતિ જ્યાં જતા હતા ત્યાં ઑલ્ટરનેટ ડેએ શૉપ ચાલુ રહેતી અને ઘરાકી પણ ઓછી હોવાથી મૅનેજરનો પગાર પરવડે એમ ન હોવાથી તેમની જૉબ પણ છૂટી ગઈ. બન્ને જણ ઘરે જ હોવાથી અમારા સેવિંગ્સ પર અમે દિવસો પસાર કર્યા હતા. મુંબઈ જેવા શહેરમાં સેવિંગ્સ પણ કેટલું હોય? એથી ફરી લૉકડાઉન લાગુ કરવાનું નામ સાંભળી રહ્યાં છીએ ત્યારે રૂવાડાં ઊભાં થઈ જાય છે.’

જો ફરી લૉકડાઉન લાગે તો ગામ ચાલ્યા જવા સિવાય અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી, એમ કહેતાં બિંદિયા ઠક્કર કહે છે કે ‘સેવિંગ્સ પર તો ઘર ચાલે એમ નથી. એથી ઘર વ્યવસ્થિત ચાલે એ માટે અમે મારા ભાઈની મદદ લઈને ચૉકલેટનું કામ હાલમાં શરૂ કર્યું છે. ચૉકલેટ રીટેલ શૉપમાં આપી રહ્યાં છીએ. હાલમાં તો આ રીતે કામ કરીને થોડીઘણી આર્થિક હાલત સુધરે એવું કરી રહ્યાં છીએ, પરંતુ જો પાછું લૉકડાઉન લાગશે તો અમારા જેવા અનેક લોકો ચોક્કસ ભાંગી પડશે. લોકો પાસે ખાવાનાં ફાંફાં થઈ ગયાં છે. ફરી લૉકડાઉન લાગશે તો મુંબઈમાં રહેવાનો કોઈ મતલબ નથી એટલે ગામ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી. ત્યાં જઈને કોઈક કામકાજ કરીશું એ કદાચ સારું રહેશે.’

બન્ને જણ ઘરે જ હોવાથી અમારી સેવિંગ્સ પર અમે દિવસો પસાર કર્યા હતા. મુંબઈ જેવા શહેરમાં સેવિંગ્સ પણ કેટલી હોય?
બિંદિયા ઠક્કર

mumbai mumbai news coronavirus covid19 kandivli preeti khuman-thakur