શું મુંબઈમાં કોરોનાની સ્થિતિ બગડવાની છે?

23 February, 2021 10:26 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

શું મુંબઈમાં કોરોનાની સ્થિતિ બગડવાની છે?

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં પણ કોરોનાએ ફરી માથું ફેરવ્યું હોવાથી કોરોના ગ્રાફે સ્પીડ પકડી છે. હાલમાં પ્રત્યેક દિવસે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી અને આગામી દિવસોમાં સંખ્યા વધશે એવી શક્યતાના આધારે સાવચેતીરૂપે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈની તમામ હૉસ્પિટલ ભલે એ પ્રાઇવેટ પણ કેમ ન હોય, બધાને પૂર્વતૈયારી કરી રાખવાનું એક વિશેષ બેઠક લઈને સૂચિત કરી દેવામાં આવ્યું છે. એથી ફરી એક વખત મુંબઈની હૉસ્પિટલોએ આગામી દિવસોમાં કોરોનાએ વધુ સ્પીડ પકડી તો એની સામે આરોગ્યવ્યવસ્થા પૂરી પડે એ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે અમે મુંબઈની હૉસ્પિટલો સાથે વિશેષ બેઠક લીધી હતી. પ્રાઇવેટ, ગવર્નમેન્ટ અને એમસીજીએમ બધા મીટિંગમાં સામેલ હતા. મીટિંગમાં અમે બધી હૉસ્પિટલોને પોતાની તૈયારી રાખવા કહી દીધું છું. હૉસ્પિટલોને કહ્યું છે કે કોવિડ પેશન્ટ્સની સંખ્યામાં વધારો થાય તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ. આઇસીયુ બેડ, ઑક્સિજન, મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા રાખવાનું જણાવ્યું છે, જેથી સમય આવવા પર દોડવું ન પડે. હાલમાં આશરે ૨૫ ટકા બેડ ઑક્યુપાઇડ છે અને ૭૫ ટકા ખાલી છે. પૂર્વતૈયારી હશે તો કોરોના ગ્રાફ વધે તો પણ આરોગ્યવ્યવસ્થા પર વધુ ભાર પડશે નહીં.’

મીટિંગમાં કોણ ઉપસ્થિત હતું?

પ્રાઇવેટ હૉસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અથવા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના ડીન, એમસીજીએમના ડીન, જમ્બો સેન્ટરના ડીન, બીએમસીના કમિશનર, ઍડિશનલ કમિશનર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકલની સર્વિસ હમણાં તો અવિરત ચાલુ રહેશે

૨૦ ફેબ્રુઆરીએ બીએમસીના કમિશનર, ઍડિશનલ કમિશનર, વિવિધ અધિકારીઓ સાથે લોકલ ટ્રેન વિશે ચર્ચા કરી મુખ્ય પ્રધાને જનતાનો સંવાદ સાધ્યો હતો. ઉદ્વવ ઠાકરેએ આપેલા આઠ દિવસના અલ્ટિમેટમ વચ્ચે તો લોકલ ટ્રેન વિશે કોઈ નિર્ણય લેવાય એ શક્યતા ઓછી જ છે. એથી મુંબઈગરાઓ હાલમાં લોકલની સુવિધા અવિરત રીતે વાપરી શકશે.

coronavirus covid19 mumbai mumbai news maharashtra brihanmumbai municipal corporation preeti khuman-thakur