થર્ડ વેવના શ્રીગણેશ?

16 September, 2021 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીને ગણેશોત્સવમાં જેનો ડર હતો એ જ થયું : ગયા મહિને કોરોનાનો ટેસ્ટ-પૉઝિટિવિટી રેટ ઘટીને ૦.૫૩ થઈ ગયો હતો, પણ ગઈ કાલે એ વધીને ૧.૭૧ ટકા થઈ જતાં બીએમસી ટેન્શનમાં

કુર્લા ટર્મિનસ પર પ્રવાસીઓની ઍન્ટિજન ટેસ્ટ કરાઈ હતી. બિપિન કોકાટે

ગયા મહિને એક પછી એક બધું ખોલ્યા બાદ રાજ્ય સરકાર અને મુંબઈ સુધરાઈ એની કેવી અસર થાય છે એના પર બાજ નજર રાખીને બેઠી છે ત્યારે લોકલ ટ્રેન શરૂ કર્યાના મહિનાની અંદર જ મુંબઈમાં કોવિડ ટેસ્ટ-પૉઝિટિવિટી રેટમાં સવાત્રણગણો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ગયા મહિનાની ૧૯ તારીખે બીજી લહેરનો સૌથી ઓછો ૦.૫૩ ટકા પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. જોકે ત્યાર બાદ એ વધીને એકની આસપાસ રહ્યા બાદ ૧.૩૦ ટકા થઈને ગઈ કાલે સીધો ૧.૭૧ ટકા થઈ ગયો હતો. ગઈ કાલે કોરાનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો અને એણે ૫૦૦નો આંકડો વટાવી દીધો હતો. બીએમસીને ગણેશોત્સવમાં આ જ વાતનો ડર હતો અને એટલે જ હજી સુધી લોકલ ટ્રેનમાં ટિકિટ લઈને પ્રવાસ કરવાની પરવાગની આપવાની રેલવેને ના પડાઈ છે. આ સિવાય હવે એણે ગણેશોત્સવ બાદ કોરોનાનો ગ્રાફ કઈ દિશામાં આગળ વધે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને સંક્રમણમાં ઊછાળો ન થાય એના માટે પગલાં લેવાનું પણ શરૂ કરી દીધું છે.
શહેરમાં ગઈ કાલે ૨૯,૮૮૬ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૭૧ ટકા પૉઝિટિવિટી સાથે ૫૧૪ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં. તમામ મરનાર સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યુ આંક ૧૬,૦૩૭ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૬૦૪ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૩૬,૨૮૪ કેસમાંથી ૭,૧૩,૧૭૪ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો ઘટીને ૪૬૦૨ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર સહેજ ઘટાડા સાથે ૧૨૭૭ દિવસ થયો છે. ગઈ કાલે એક પણ સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી થઈ. ગઈ કાલે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૩૭ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૬૪ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૨૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

514
મુંબઈમાં ગઈ કાલે કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.

Mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation