હિંમત હોય તો આવી: આ દાદા-દાદી જીતી ગયા કોરોના સામેની જંગ

23 September, 2020 07:05 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

હિંમત હોય તો આવી: આ દાદા-દાદી જીતી ગયા કોરોના સામેની જંગ

વાડીલાલ અને શાંતાબહેન 17 દિવસે કોવિડ-19થી પૂર્ણપણે સાજાં થયાં

કોરોના મહામારીને કારણે ભલભલા લોકો હિંમત હારી જાય છે, પણ ઘાટકોપરના ૯૦ વર્ષના દાદા અને ૮૪ વર્ષનાં દાદીની રોગ સામે લડવાની હિંમતની વાત સાંભળીએ તો ખરેખર તેમને સલામ કરવાનું મન થાય. આ કપલ જબરદસ્ત પ્રેરણા બની શકે એમ છે. ઘાટકોપરના દેરાસર લેનમાંના કૈલાશ જ્યોત બિલ્ડિંગમાં રહેતા ૯૦ વર્ષના વાડીલાલ મહેતા અને ૮૪ વર્ષનાં તેમનાં પત્ની શાંતાબહેન મહેતાએ કોરોનાને માત આપી એમાં યોગે મોટી ભૂમિકા ભજવી હતી.

કચ્છી ગુર્જર સ્થાનકવાસી જૈન સમાજના આ સંદર્ભે માહિતી આપતાં વાડીલાલ મહેતાના દીકરા મિલન મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પપ્પા-મમ્મીની આમ તો કોઈ દવા ચાલુ નથી, પરંતુ પપ્પાને તાવ આવી રહ્યો હતો અને એ ઊતરી રહ્યો ન હોવાથી ડૉક્ટરે રૂટીન ચેકઅપ કરવાનું કહ્યું અને સીટી સ્કૅન કરાવતાં ન્યુમોનિયાનું નિદાન થયું હતું. ઉંમર પ્રમાણે સ્વાસ્થ્ય સામે કોઈ જોખમ ઉપાડવું ન હોવાથી તેમને હિન્દુ મહાસભા હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. ત્યાં કોવિડ-ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સેફ્ટી માટે મમ્મીની કોવિડ-ટેસ્ટ કરાવી અને તેઓ પણ પૉઝિટિવ આવ્યાં હતાં. જોકે મમ્મીને કોઈ લક્ષણ ન હોવાથી મહાનગરપાલિકાએ ‘હોમ-ક્વૉરટીન થશે તો ચાલશે’ એમ કહ્યું હતું. પપ્પા ૧૭ દિવસ બાદ ઘરે આવ્યા, જ્યારે મમ્મી અને અમે બધા ૧૭ દિવસ-હોમ ક્વૉરન્ટીન હતા. મમ્મી સતત ગરમ પાણી, સ્ટીમ, હળદરવાળું દૂધ લેતાં અને મારી બહેન ચેતના મહેતા યોગનાં શિક્ષિકા હોવાથી યોગ કરાવતી હતી. પપ્પા પણ ઘરે આવ્યા બાદ દરરોજ યોગ કરીને અને ત્યાર પછી ૨૦ દિવસ બાદ નૉર્મલ થયા હતા. આ ઉંમરે આટલી ફાસ્ટ રિકવરી કરી એ મહત્ત્વની વાત છે. કોરોનાથી લડવા યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે એ અમારા ઘરનું જ મોટું ઉદાહરણ છે.’

ghatkopar mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur