દેશભરમાં મહારાષ્ટ્રમાં આ ઘાતક વાઇરસના સૌથી વધુ ૨૬ કેસ, મુંબઇમાં 9

15 March, 2020 07:46 AM IST  |  Mumbai | Arita Sarkar

દેશભરમાં મહારાષ્ટ્રમાં આ ઘાતક વાઇરસના સૌથી વધુ ૨૬ કેસ, મુંબઇમાં 9

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ૪ નવા કન્ફર્મ્ડ કેસ નોંધાતાં શહેરમાં આ રોગચાળાના કેસની સંખ્યા નવ પર અને રાજ્યસ્તરે કોરોનાના દરદીઓની સંખ્યા ૨૬ પર પહોંચી છે. એ ૪ દરદીઓને દક્ષિણ મુંબઈની ચેપી રોગો માટેની વિશિષ્ટ કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ પૉઝિટિવ કેસના દરદીઓની તબિયત સ્થિર હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.

મહાનગરપાલિકાનાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે પંચાવન શંકાસ્પદ દરદીઓની કોરોના સંબંધી ટેસ્ટ કરવામાં આવી હતી. એમાંથી ચાર દરદીઓના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ મળ્યા છે. એ ૪ દરદીઓમાં એક મુંબઈનો, એક કામોઠેનો, એક વાશીનો અને એક કલ્યાણનો રહેવાસી છે. મુંબઈનો દરદી હિન્દુજા હૉસ્પિટલમાંથી લાવવામાં આવેલા ઘાટકોપરના ૬૪ વર્ષના દરદીનો પુત્ર છે. અન્ય ત્રણ દરદી અમેરિકા, ફ્રાન્સ અને ફિલિપીન્સ જઈ આવ્યા છે. અમારી તબીબી ટીમો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હોય એવા દરદીઓના સંપર્કમાં આવેલા લોકોનો પણ સંપર્ક કરીને તપાસ કરી રહી છે. એ બધાને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે, પરંતુ તેમનામાં કોરોનાની બીમારીનાં લક્ષણ જણાતાં નથી. કોરોનાના ચેપ સંબંધી કન્ફર્મ્ડ અને શંકાસ્પદ કેસ અને ક્વૉરન્ટીન ફૅસિલિટીની જરૂરિયાત સહિતના કારણસર પરેલની કેઈએમ હૉસ્પિટલમાં પાંચેક દિવસમાં મહાનગરપાલિકાની નવી લૅબોરેટરી કાર્યાન્વિત થશે. ત્યાં દરદીઓનાં સૅમ્પલ પણ ટેસ્ટ કરી શકાશે.’

ડૉ. દક્ષા શાહે જણાવ્યું કે ‘૧૮ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કસ્તુરબા હૉસ્પિટલમાં કોરોના વાઇરસના ચેપના ૩૨૦ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં પણ ૩૦૦ બેડની ક્વૉરન્ટીન ફૅસિલિટી શરૂ કરવામાં આવી છે. ત્યાં ત્રણ દરદીઓને દાખલ કરવામાં આવ્યા છે. સેવન હિલ્સ હૉસ્પિટલમાં બે મેડિકલ ઑફિસર્સ અને બે હેલ્થ વર્કર્સની ત્રણ ટીમો ત્રણ શિફ્ટમાં કાર્યરત છે. પાલિકાના ૨૪ વૉર્ડમાં રોગચાળા વિશે લોકજાગૃતિ અભિયાન માટે મેડિકલ ઑફિસર્સના નેતૃત્વમાં ૬૬૭ ટીમો રચવામાં આવી છે. લોકજાગૃતિ અભિયાનમાં ગઈ કાલે ૨૯૧૨ હાઉસિંગ સોસાયટીઓ અને ૩૫,૦૦૦ રહેઠાણોને આવરી લેવામાં આવ્યાં હતાં. તેમણે કોરોના વાઇરસ સંબંધી માહિતીનાં પોસ્ટર્સ વહેંચ્યાં હતાં અને પ્રવાસ કરીને આવેલા લોકોની માહિતી મેળવી હતી. કોરોના વાઇરસના રોગચાળામાં હાઈ રિસ્ક કન્ટ્રીઝનો પ્રવાસ કરીને આવેલા લોકોને શોધવાની કામગીરીમાં જંતુનાશક વિભાગના કર્મચારીઓની ૧૭૨ ટીમો પણ કાર્યરત છે. સોશ્યલ મીડિયા પર કસ્તુરબા હૉસ્પિટલની સગવડ અને સ્વચ્છતાની ટીકાના સંદેશ વિશે પણ તપાસ ચાલે છે.’

ગઈ કાલે વિદર્ભના યવતમાળ શહેરમાં દુબઈથી આવેલા બે જણને કોરોના વાઇરસના કન્ફર્મ્ડ કેસરૂપે નોંધવામાં આવ્યા હતા. કોરોનાના કન્ફર્મ્ડ કેસના હાલના આંકડા મુજબ પુણેમાં ૧૦, મુંબઈમાં ૮, નાગપુરમાં ૪, યવતમાળમાં બે, થાણેમાં ૧ અને અહમદનગરમાં ૧ દરદી છે.

હીરાબજારમાં સતર્કતા
ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે ભારત ડાયમન્ડ બુર્સન‌ની કૉન્ફરન્સ-રૂમમાં કોરોના વાઇરસના પ્રતિકારના પગલાની ચર્ચા માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારત ડાયમન્ડ બુર્સ, મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન અને જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના હોદ્દેદારો સામેલ હતા. બેઠકમાં ૧૭ માર્ચે યોજાનારી સંગઠનની ચૂંટણી અને ૨૧ માર્ચે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

coronavirus mumbai maharashtra mumbai news