જૈન શૌચાલયના બાંધકામની બબાલ

04 September, 2022 09:19 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

બિનજરૂરી વિવાદ થયો ભાઈંદરમાં જ્યાં ફ્લાયઓવરની નીચે સાર્વજનિક બાંધકામ વિભાગે કામ શરૂ કર્યા બાદ વિરોધ થવાથી એ બંધ કરી દેવાયું

ભાઈંદરમાં અહીં બાંધકામ થવાનું હતું.

મીરા રોડ અને ભાઈંદરમાં જૈનોની બહોળી વસતિ હોવાથી અહીં પણ સાધુ-સાધ્વીઓ માટે એક જૈન શૌચાલય હોવું જોઈએ એવા પ્રસ્તાવ પર સાર્વજનિક બાંધકામ વિભાગે કામ શરૂ કરી દીધા બાદ આ મામલે વિરોધ અને વિવાદ થતાં શૌચાલયનું કામ અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
સાર્વજનિક શૌચાલય દરેક શહેરના દરેક વિસ્તારમાં જરૂરી છે. મીરા-ભાઈંદરમાં પણ અનેક જગ્યાએ આવાં વિનામૂલ્ય શૌચાલયો આવેલાં છે. જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના સાર્વજનિક બાંધકામ વિભાગે ભાઈંદર ઈસ્ટ અને વેસ્ટને જોડતા ફ્લાયઓવરની નીચે એક જૈન શૌચાલયનું કામ શરૂ કર્યું હોવાની જાણ થયા બાદ એનો રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને બીજા ધર્મ માટે પણ આવાં શૌચાલયો બાંધવાની માગણી તેમણે કરી હતી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ૧૨ ઑગસ્ટે જૈન શૌચાલય બાંધવા માટેનું આઠ લાખ રૂપિયાના ખર્ચનું ટેન્ડર બહાર પાડ્યા બાદ કામ શરૂ કરવાની જાણ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને મરાઠી એકત્રીકરણ સમિતિના નેતાઓએ આવા શૌચાલયનો વિરોધ કર્યો હતો. તેમણે કોઈ એક સમાજ માટે જ શૌચાલય બનાવવા સામે વાંધો લીધો હતો. વિરોધ અને વિવાદ થવાથી શૌચાલયનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
જૈન સમાજનાં સાધુ-સાધ્વી ભગવંતો ટૉઇલેટનો ઉપયોગ નથી કરતાં. આથી તેઓ જ્યાં સ્થિર થયાં હોય એની આસપાસની ખુલ્લી જગ્યામાં શૌચ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં બીજું કંઈ જ નથી હોતું, માત્ર રેતી નાખેલી હોય છે. જે જગ્યાએ જૈન શૌચાલય બનાવાતું હતું ત્યાં એટલે કે ફ્લાયઓવરની નીચેના ભાગમાં ચાર દીવાલની વચ્ચે રેતી નાખીને સાધુ-સાધ્વી એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવનાર હતી. 
જોકે કોઈ એક સ્થળે આવું શૌચાલય બનાવવાનું પ્રૅક્ટિકલ ન હોવાનું જૈનોના અગ્રણીઓનું કહેવું છે. ભાઈંદર ઈસ્ટ, વેસ્ટ કે મીરા રોડમાં કોઈ ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીઓ ફ્લાયઓવર સુધી શૌચક્રિયા કરવા ન જ આવે. આથી જેમણે પણ આવો પ્રસ્તાવ મૂક્યો હતો એ બરાબર નહોતો. આવો પ્રસ્તાવ લાવવા પાછળ જૈન સમાજની સેવા કરવાની ભાવના હશે, પરંતુ ફ્લાયઓવર પાસેથી દરરોજ હજારો લોકોની અવરજવર થાય છે એટલે અહીં આવું શૌચાલય બનાવી દેવાય તો પણ એમાં પાણીનો ઉપયોગ નથી કરાતો એટલે દુર્ગંધ પ્રસરે. 
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર દિલીપ ઢોલેને જૈન શૌચાલય વિશે પૂછવામાં આવતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ખબર નથી કોણે આવો પ્રસ્તાવ મૂક્યો હતો અને ક્યારે સાર્વજનિક બાંધકામ વિભાગે એનું કામ શરૂ કરી દીધું. વિરોધ અને વિવાદ થયા બાદ મેં આ કામને બંધ કરાવીને આ સંબંધે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.’

મને ખબર નથી કોણે આવો પ્રસ્તાવ મૂક્યો હતો અને ક્યારે સાર્વજનિક બાંધકામ વિભાગે એનું કામ શરૂ કરી દીધું. વિરોધ અને વિવાદ થયા બાદ મેં આ કામને બંધ કરાવીને આ સંબંધે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
દિલીપ ઢોલે, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર 

Mumbai mumbai news prakash bambhrolia