મોબાઇલ ફોન સંબંધી નિયમોને લઈને ​પરીક્ષાર્થીઓ અવઢવમાં મુકાયા

19 February, 2020 11:04 AM IST  |  Mumbai | Pallavi Smart

મોબાઇલ ફોન સંબંધી નિયમોને લઈને ​પરીક્ષાર્થીઓ અવઢવમાં મુકાયા

ગઈ કાલથી મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડની હાયર સેકન્ડરી (એચએસસી)ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. સાયનની ગુરુનાનક હાઇસ્કૂલમાં પેપર આપતા પરીક્ષાર્થીઓ. તસવીર : પ્રદીપ ધિવાર

મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડની હાયર સેકન્ડરી (એચએસસી)ની પરીક્ષાના પહેલા દિવસે મોબાઇલ ફોન રાખવા સંબંધી નિયમોમાં અસ્પષ્ટતાને કારણે જુદી-જુદી કૉલેજોમાં ગરબડ થઈ હતી. ગઈ કાલે પરીક્ષાના આરંભમાં વિદ્યાર્થીઓને કેટલીક કૉલેજોએ મોબાઇલ ફોન એક્ઝામિનેશન હૉલની બહાર તેમની બૅગમાં રાખવા દીધા હતા અને કેટલીક કૉલેજોના દરવાજાની અંદર મોબાઇલ ફોન લઈ જવા દીધા નહોતા.

માટુંગાની રામનારાયણ રુઇયા કૉલેજમાં વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન સાથે કૉલેજના દરવાજામાં પ્રવેશવા દેવાયા નહોતા. વડાલાથી પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે ‘પરીક્ષા ખંડમાં ફોન લઈ જવા પર પ્રતિબંધની મને ખબર છે, પરંતુ બહાર મૂકવાની બૅગમાં પણ મોબાઇલ ફોન રાખવા નહીં દે એની ખબર નહોતી.’

અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ‘પોદ્દાર કૉલેજમાં મારા મિત્રને મોબાઇલ ફોન સ્વિચ ઑફ કરીને બૅગમાં મૂકવા અને એ બૅગ પરીક્ષા ખંડની બહાર રાખવાની સૂચના અપાઈ હતી. બોરીવલી-ઈસ્ટની યોજના કૉલેજમાં વિદ્યાર્થીઓને શૂઝ બહાર કાઢવા જણાવાયું હતું. જોકે શૂઝનો ઢગલો વધી જતાં વિદ્યાર્થીઓને એ પહેરી લેવા જણાવવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડના મુંબઈ ડિવિઝનના સેક્રેટરી સંદીપ સાંગવેએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘પરીક્ષા ખંડમાં શૂઝ કે બૂટ પહેરીને જવા પર કોઈ પ્રતિબંધ નથી. બોર્ડના પરીક્ષા સંબંધી નિયમોમાં મોબાઇલ ફોન કે કૅલક્યુલેટર જેવાં અન્ય ઇલેક્ટ્રૉનિક સ્માર્ટ ડિવાઇસિસ પરીક્ષા ખંડની અંદર લઈ જવા પર પ્રતિબંધ છે.’

નેત્રહીન વિદ્યાર્થીઓને રાઇટર્સ મળવામાં મુશ્કેલી

ગઈ કાલે પરીક્ષાના આરંભમાં નેત્રહીન વિદ્યાર્થીઓ માટે પૂરતી સંખ્યામાં રાઇટર્સ ઉપલબ્ધ નહીં હોવાથી સમસ્યા ઊભી થઈ હતી. પાલઘરના નેત્રહીન વિદ્યાર્થી મોહમ્મદ નાવેદને છેલ્લી ઘડી સુધી રાઇટર નહીં મળતાં તે હતાશ થયો હતો. આખું શૈક્ષણિક વર્ષ ગુમાવવાની તૈયારી હતી, પરંતુ તેના નેત્રહીન ભાઈએ એને પરીક્ષા આપવા હૉલમાં જવા કહ્યું અને બહાર તે રસ્તા પરથી પસાર થતા લોકોને વિનવણી કરતો હતો. એવામાં એક જણ નાવેદને મદદ કરવા તૈયાર થયો હતો. એને કારણે એક દિવસની સમસ્યા ઉકેલાઈ હતી, પરંતુ એ વ્યક્તિ બાકીનાં પેપર્સ માટે ઉપલબ્ધ નહીં હોવાથી પાંચ પેપર્સ લખવાની સમસ્યા ઊભી જ છે.

pallavi smart matunga maharashtra mumbai mumbai news