કલ્યાણના ગ્રામીણના વિસ્તારોમાં કોરોનાને લીધે સંપૂર્ણ લૉકડાઉન

08 May, 2021 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે કલેક્ટરનો આ આદેશ કલ્યાણ-ડોમ્બિવલીને લાગુ પડતો નથી

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણના ગ્રામીણ વિસ્તારોમાં કોવિડના વધી રહેલા કેસો અને ત્યાંના લોકોની લાપરવાહીને લક્ષમાં રાખીને ગઈ કાલે કલ્યાણ તહસીલદાર તથા કાર્યકારી દંડાધિકારી તરફથી એક આદેશ બહાર પાડીને સોમવારથી કલ્યાણ તાલુકા હેઠળ આવતા વિસ્તારોને શુક્રવાર સુધી દૂધ સિવાયની બધી જ આવશ્યક સેવાઓને બંધ કરીને સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ગઈ કાલે કલ્યાણના કલેક્ટર દીપક આકડેએ આ આદેશ બહાર પાડ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કલ્યાણ તાલુકા હેઠળ આવતા વિસ્તારોમાં ૧૩ એપ્રિલના જાહેર કરેલા લૉકડાઉનના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. લોકો અતિ આવશ્યક વસ્તુઓ લેવાના બહાને ગિરદી કરે છે અને કોવિડના નિયમોનું સહેજ પણ પાલન કરતા નથી. આથી સોમવાર ૧૦ મેથી શુક્રવાર ૧૪ મે સુધી આ વિસ્તારોમાં દૂધ સિવાયની બધી જ આવશ્યક સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ બાબતમાં કલ્યાણના વેપારી નેતા રાકેશ મુઠાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે કોવિડ મહામારીનો કલ્યાણ તાલુકામાં ફેલાવો થઈ રહ્યો છે એ જોતાં કલ્યાણના ગ્રામીણ વિસ્તારોને લૉકડાઉન કરવા અત્યંત જરૂરી હતી. એક બાજુ હૉસ્પિટલોમાં બેડ નથી, જરૂરી દવાઓ અને ઇન્જેક્શનોની શૉર્ટેજ છે એવા સંજોગોમાં કલેક્ટરનો આ આદેશ જરૂરી હતો.’

જોકે કલેક્ટરનો આ આદેશ કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોને લાગુ પડતો નથી.

coronavirus covid19 lockdown mumbai mumbai news kalyan