જૈન સાધુના અપહરણની ફરિયાદથી ખળભળાટ

03 July, 2022 08:35 AM IST  |  Mumbai | Rohit Parikh

માતા-પિતાની મરજી વિરુદ્ધ ભગવાનની સાક્ષીએ દીક્ષા લેનાર જૈન સાધુ મુનિશ્રી પદ્‍મવિજયજી મહારાજસાહેબને મલાડ-વેસ્ટના શ્રી લબ્ધિનિધાન શ્રી શાંતિનાથ જૈન સંઘના ઉપાશ્રયમાંથી તેમના પિતા જ ઍમ્બ્યુલન્સમાં લઈ ગયાની પોલીસમાંની ફરિયાદ જૈન સમાજમાં ચર્ચાનો વિષય

જૈન સાધુ પદ્‍મવિજયજી મહારાજસાહેબ અને તેમનો સંસારી ફોટો અને પોલીસમાં કરાયેલી ફરિયાદ.

જૈન સમાજમાં દીક્ષાના મુદ્દે અનેક વાર વિવાદ સર્જાય છે. મહાવીરના શાસનથી અનેક શ્રાવકોએ તેમના પરિવારના વિરોધમાં જઈને ભાગીને દીક્ષા લીધી હોવાના કિસ્સા પ્રચલિત છે. જોકે તેમનાં માતા-પિતા અને ગુરુની પણ આજ્ઞા ન હોવાથી પોતાની જાતે જ ભગવાન સામે દીક્ષા લઈને સાધુજીવન પાળી રહેલા હોય એવો કદાચ મુંબઈમાં જ નહીં, જૈન સમાજમાં આ પહેલો બનાવ છે. જોકે માતા-પિતાની વિરુદ્ધ જઈને ત્રણ મહિનાથી મલાડ-વેસ્ટના જિતેન્દ્ર રોડ પર આવેલા શ્રી લબ્ધિનિધાન શ્રી શાંતિનાથ જૈન સંઘના ઉપાશ્રયમાં બિરાજમાન ૨૪ વર્ષના જૈન સાધુ મુનિશ્રી પદ્‍મવિજયજી મહારાજસાહેબનું તેના પિતા જિજ્ઞેશ મહેતાએ શુક્રવારે ઉપાશ્રયમાંથી તેમની સાથે ત્રણ બૉક્સર લાવીને અને સાધુને ઍમ્બ્યુલન્સમાં નાખીને સંઘની જાણ વગર જ  કથિત રીતે અપહરણ કરતાં મલાડમાં જ નહીં, દેશભરના જૈન સમાજમાં ઊહાપોહ મચી ગયો છે. 
આખી ઘટના એવી છે કે જૈન મુનિ પદ્‍મવિજયજી મહારાજસાહેબ (સંસારી નામ પાર્શ્વ જિજ્ઞેશ મહેતા) હાજી બાપુ રોડ પર રહે છે. પાર્શ્વ મહેતાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેને ૨૦૧૯થી સંયમમાર્ગે જવાની તીવ્ર ઇચ્છા હતી. જોકે તેને તેના ગુરુએ જ્યાં સુધી તે તેનાં માતા-પિતાની આજ્ઞા લઈને નહીં આવે ત્યાં સુધી તેને દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. એના પરિણામે ૨૫ માર્ચે પાર્શ્વ મહેતાએ ભગવાનની સાક્ષીએ મલાડના દેરાસરમાં જ સંયમ અંગીકાર કરી લીધો હતો. ત્યાર બાદ તેણે બીજી જૂને એક ઍફિડેવિટ ફાઇલ કરીને અને તેના મનની વાતો રેકૉર્ડ કરીને જૈન સમાજમાં વાઇરલ કર્યાં હતાં. 
શ્રી લબ્ધિનિધાન શ્રી શાંતિનાથ જૈન સંઘ તરફથી ગઈ કાલે સાંજે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ પાર્શ્વ મહેતાના પિતા જિજ્ઞેશ મહેતા સંઘના કમિટી મેમ્બર છે. તેઓ ખૂબ લાગવગ ધરાવતી વ્યક્તિ છે. તેમણે સંઘને અનેક વાર મુનિશ્રી પદ્‍મવિજયજી મહારાજસાહેબને સપોર્ટ કરવા બદલ ધમકી પણ આપી છે. મુનિમહારાજ ૨૫ માર્ચથી તેમનું સંયમ જીવન કડક રીતે પાળી રહ્યા છે. તેમના પર સંઘના કોઈનું કે કોઈ સાધુ-સંતોનું દબાણ નહોતું. એ દરમ્યાન તેનાં માતા-પિતા તરફથી પણ તેને સતત ધમકી મળતી હતી, પરંતુ તે સહેજ પણ વિચલિત થયા વિના તેના સાધુજીવનમાં આગળ વધી રહ્યો હતો.’
શુક્રવારે બનેલા અપહરણના બનાવની માહિતી આપતાં સંઘના ટ્રસ્ટીઓ નરેન્દ્ર શાહ, સતીશ શાહ અને રંજનીકાંત શાહે પોલીસને કહ્યું હતું કે ‘અમારા દેરાસરના સિક્યૉરિટી ગાર્ડ દેવકર મિશ્રા અને વૉચમૅન વિનોદ જાધવની નિમણૂક જિજ્ઞેશ મહેતાએ જ કરી હતી. તેઓ બન્ને મુનિનું મોઢું દબાવીને તેનું અપહરણ કરી ગયા હતા. આ બાબતની તરત તપાસ કરીને અમારા મુનિમહારાજને બચાવી લેવામાં આવે.’
આખી ધમાલ આજની નથી, પણ જ્યારથી પાર્શ્વ તેના ગુરુ પાસે ગુજરાત ભણવા ગયો હતો ત્યારથી ચાલી રહી છે. આ સંદર્ભે જાણકારી આપતાં પાર્શ્વ મહેતા ઉર્ફે મુનિશ્રી પદ્‍મવિજયજી મહારાજસાહેબે બીજી જૂને ૨૦ પાનાંનું ઍફિડેવિટ (જેની કૉપી ‘મિડ-ડે’ પાસે છે)માં કહ્યું છે કે ‘મેં રજૂ કરેલા ૩૪ મુદ્દામાં કહ્યું છે કે મારા દીક્ષાના ભાવ હોવાથી મારા પિતા જિજ્ઞેશ મહેતા અને મારી મમ્મી નીલાબહેન મને તેમની બે કંપનીનું ડિરેક્ટરપદ સોંપવા માગતાં હતાં, પરંતુ મેં તેમને એમાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો. મેં આ કંપની માટે લોન કે કોઈ પણ નાણાકીય વ્યવહાર કર્યો નથી. મેં મારાં બૅન્ક-અકાઉન્ટ પણ ૨૦૧૯થી ઑપરેટ કર્યાં નથી. તેમનો હંમેશાં આક્ષેપ રહ્યો હતો છે કે મારા પર જૈન સાધુઓએ જાદુટોણા કર્યા છે. મેં ત્યારે પણ કહ્યું હતું કે મારે દીક્ષા લેવી છે અને દીક્ષા હું કોઈ પણ જૈન સાધુના દબાણમાં આવીને કે તેમનાથી ઇન્ફલ્યુઅન્સ થઈને લેવાનો નથી. હું ૨૪ વર્ષનો છું અને મારે શું કરવું અને શું ન કરવું એનું મને ભાન છે. મને મારા દીક્ષા લેવાના અડગ નિશ્ચયમાંથી કોઈ હલાવી શકશે નહીં.’
મેં દીક્ષા કોઈની પ્રેરણાથી નહીં, પણ સ્વયંભૂ પ્રેરણાથી લીધી છે એમ જણાવતાં પાર્શ્વ મહેતાએ દીક્ષા પછી બહાર પાડેલા તેના વિડિયોમાં તેને દીક્ષા લેવાના કારણની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મને ઘણા લાંબા સમયથી દીક્ષા લેવાના ભાવ હતા. આને માટે હું જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો. મને ૨૦૧૯થી દીક્ષાના ભાવ વધ્યા પછી મને મારા પરિવારજનોમાંથી કોઈનો સપોર્ટ મળ્યો નહોતો. એને લીધે મારે ત્રણ-ચાર વર્ષ રાહ જોવી પડી. મારાં મમ્મી-પપ્પા મને દરરોજ અવનવા વાયદા કરતાં હતાં, પણ તેમને મને દીક્ષા અપાવવામાં કોઈ રસ નહોતો. તેઓ એના વિરોધમાં જ હતાં. આખરે મેં મારી જાતે જ દીક્ષા લેવાનો નિર્ણય લીધો અને એને અમલમાં મૂક્યો હતો.’
પાર્શ્વ મહેતાએ સ્વયંભૂ દીક્ષા અંગીકાર કર્યા પછી ૩૦ જૂને સંઘના ટ્રસ્ટીઓને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે ‘મેં ૨૫ માર્ચે ભગવાનની સાક્ષીએ દીક્ષા લઈ લીધી હતી. મેં હવે મારી સંઘ સામે દીક્ષા થાય એ માટે દીક્ષાની તારીખ પાકી કરવા મહારાજસાહેબોને પણ વિનંતી કરી છે. મારે સંયમ જીવન પાળીને મોક્ષમાં જવું છે. હું ૨૫ માર્ચથી સાધુજીવન પાળી રહ્યો હોવા છતાં સંઘ પણ મારાં માતાપિતાના દબાણને વશ થઈને અને ડરીને મને સાધુ તરીકે અપનાવવા તેયાર નથી. તેઓ મને ફરીથી સંસારમાં આવવા માટે ધમકી આપી રહ્યાં છે. ૧૨ જુલાઈથી ચાતુર્માસ શરૂ થાય છે, ત્યાર પછી મારી દીક્ષા થશે નહીં એથી મારી સંઘ સામે દીક્ષા થાય એવી મારી વિનંતી છે.’
મળેલી માહિતી પ્રમાણે ત્યાર પછી મલાડના જૈન સંઘના ટ્રસ્ટીઓએ ૬ જુલાઈએ જિજ્ઞેશ મહેતાની હાજરીમાં જ પાર્શ્વ મહેતાની દીક્ષાની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો, પણ શુક્રવારે રાતે પોણાબે વાગ્યે જિજ્ઞેશ મહેતા તેમના ત્રણ બાઉન્સર્સ સાથે ઍમ્બ્યુલન્સમાં આવીને પાર્શ્વ મહેતા જે સાધુના વેશમાં હતો તેને ઘેનનું ઇન્જેક્શન આપીને કથિતપણે અપહરણ કરી ગયા હતા. જિજ્ઞેશ મહેતાના જ માણસો સિક્યૉરિટીમાં હોવાથી તેમણે દેરાસરના સીસીટીવી કૅમેરા પણ અડધો કલાક માટે બંધ કરી દીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જોકે આખો મામલો નજીક રહેતા રહેવાસીઓની નજરમાં આવી જતાં જિતેન્દ્ર રોડ પર જૈનો રોડ પર ઊતરી આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પ્રતિકાર કરે એ પહેલાં જ જિજ્ઞેશ મહેતા તેમના સાધુજીવનમાં જીવી રહેલા પુત્રને લઈને ઍમ્બ્યુલન્સમાં જતા રહ્યા હતા. 
ત્યાર પછી ઘટનાસ્થળે દિંડોશી પોલીસ પણ પહોંચી ગઈ હતી. ગઈ કાલે સવારે સંઘના ટ્રસ્ટીઓ પોલીસ-સ્ટેશને પાર્શ્વ મહેતાના અપહરણની અને તેમનો જીવ જોખમમાં હોવાની ફરિયાદ લઈને પાર્શ્વ દ્વારા કરવામાં આવેલું ઍફિડેવિટ અને બીજા દસ્તાવેજો સાથે ગયા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. 
જેને પગલે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર મલાડમાં એક જૈન સાધુના અપહરણના સમાચાર વાઇરલ થતાં દેશભરના જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે. ત્યાર પછી દિંડોશી પોલીસે સંઘના ટ્રસ્ટીઓ પાસેથી એફઆઇઆર નોંધવા માટે લેખિત ફરિયાદ લીધી હતી (જેની કૉપી પણ ‘મિડ-ડે’ પાસે છે).
દિંડોશીના એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને શ્રી લબ્ધિનિધાન શ્રી શાંતિનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ તરફથી પાર્શ્વ મહેતા ઉર્ફે મુનિશ્રી પદ્‍મવિજયજી મહારાજસાહેબના તેના પિતાએ કરેલા અપહરણની ફરિયાદ મળી છે. અમે તેના પર તપાસ કરી રહ્યા છીએ. અમારી સામે પાર્શ્વ મહેતા હાજર થશે પછી અમે આગળની કાર્યવાહી કરીશું.’

Mumbai mumbai news rohit parikh malad