કોલાબા-બાંદરા-સીપ્ઝ મેટ્રો-થ્રી રૂટને એક્વા લાઇન નામ અપાશે

18 August, 2019 10:47 AM IST  |  મુંબઈ

કોલાબા-બાંદરા-સીપ્ઝ મેટ્રો-થ્રી રૂટને એક્વા લાઇન નામ અપાશે

 મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કોલાબા-બાંદરા-સિપ્ઝ મેટ્રો-થ્રી રૂટને ‘એક્વા લાઇન’ નામ આપવાની જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાનના કાર્યાલયે કરી હતી. ગઈ કાલે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનનાં મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડેએ મુખ્ય પ્રધાનને એક્વા લાઇનના કોચની પ્રતિકૃતિ આપ્યા પછી મુખ્ય પ્રધાને એ પ્રતિકૃતિનું અનાવરણ કર્યું હતું. એક્વા લાઇનના કોચનું ઉત્પાદન ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ‘અલસ્ટોમ ઇન્ડિયા’ અને ‘અલસ્ટોમ એસએ’ કંપનીઓએ કર્યું છે. કંપની આ પ્રકારની ૮ કોચવાળી ૩૧ ટ્રેનો બનાવશે. 

સંપૂર્ણ એરકન્ડિશન્ડ ટ્રેન ઑટોમેટિક કે ડ્રાઇવર વગરની બનાવવાની મેટ્રો રેલ કૉર્પોરેશનની યોજના છે. ટ્રેનમાં એલસીડી સ્ક્રીન, ડિજિટલ મૅપ, ઇન્ડિકેટર, આગ બુઝાવવાનાં યંત્રો, સાયરનવાળા સ્મોક ડિટેક્ટર તેમ જ ઇમર્જન્સીમાં પ્રવાસીઓને માર્ગદર્શન આપતા કમ્યુનિકેટર્સ પણ રહેશે. ટ્રેનમાં શારીરિક અક્ષમ અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે વ્હીલચેર પણ રાખવામાં આવશે. મુંબઈ શહેર અરબી સમુદ્રના કિનારે આવેલું હોવાથી ટ્રેનને એક્વાગ્રીન કલરથી પૅઇન્ટ કરવામાં આવશે. ટ્રેન પરનાં ચિત્રોમાં મુંબઈની અવિરત ગતિશીલતા અને ‘મુંબઈ શહેર ક્યારેય સૂતું નથી’ એ સૂત્રને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

mumbai metro mumbai news