મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના શ્વાનના કૅર ટેકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

02 June, 2020 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના શ્વાનના કૅર ટેકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પાળતુ શ્વાનની સાંભળ લેતા કૅર ટેકરનો કૉરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા તેમના નિવાસ્થાન માતોશ્રી સહિત આખા વિસ્તારને નિયમિત સેનિટાઈઝ કરવામાં આવે છે. કૅરટેકરના સંપર્કમાં આવેલા સ્ટાફના બીજા સભ્યોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને રાહતના સમાચાર એ છે લગભગ બધાનો જ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ મુખ્ય પ્રધાન અને તેમના પરિવારના સભ્યોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે કે નહીં તેની માહિતી હજી મળી નથી, પણ તેમને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, જે કૅરટેકરનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે પાળતુ શ્વાનની વર્ષોથી સંભાળ રાખે છે. તેમજ શ્વાન આખા માતોશ્રી બંગલોમાં ફરતો હોવાથી ઠાકરે પરિવારને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. જોકે, કૅર ટેકર પરિવારના કોઈપણ સભ્યના સીધા સંપર્કમાં નહોતો આવતો.

એચ પુર્વ વૉર્ડના અસિસટન્ટ કમિશ્નર અશોક ખૈરનારે કહ્યું હતું કે, એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માતોશ્રીના દરેક સ્ટાફ મેમ્બરની તપાસ કરવામાં આવી રહી છે. લગભગ બધા જ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને હજી કેટલાક રિપોર્ટની પ્રતિક્ષા કરાય છે. સલામતીના ભાગરૂપે આખા વિસ્તારને નિયમિત સેનિટાઈઝ કરવામાં આવે છે. મુખ્ય પ્રધાનના પરિવારના કોઈપણ સભ્યો કૅર ટેકરના સીધા સંપર્કમાં ન આવ્યા હોવાથી તેમને હૉમ ક્વોરન્ટાઈન કરવામાં નહીં આવે. તેમજ મનુષ્યમાંથી પ્રાણીમાં કોરોના પસાર થતો હોવાની સંભાવના ઓછી છે એટલે શ્વાનનો ટેસ્ટ કરવામાં નથી આવ્યો. પરંતુ બીજા દેશોમાં આવા કેસ આવી ગયા છે કે પ્રાણીને કોરોના થયો હોય. પણ ભારતમાં હજી એવું કંઈ નોંધાયું નથી.

coronavirus covid19 maharashtra mumbai mumbai news uddhav thackeray matoshree