મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં એનડીઆરએફ જેવું અલગ દળ રચવામાં આવશે: ઉદ્ધવ ઠાકરે

26 July, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂર આવવું, ભેખડો ધસી પડવી તથા વરસાદ સંબંધિત અન્ય બનાવોને કારણે રાજ્યમાં મોતનો આંક રવિવારે ૧૧૩ પર પહોંચ્યો હતો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચિપલુણમાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી (તસવીરઃ પી.ટી.આઈ.)

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદે વેરેલા વિનાશને પગલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં એનડીઆરએફને સમાંતર અલગ દળ ઊભું કરાશે અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સને પણ મજબૂત કરવામાં આવશે.

પૂર આવવું, ભેખડો ધસી પડવી તથા વરસાદ સંબંધિત અન્ય બનાવોને કારણે રાજ્યમાં મોતનો આંક રવિવારે ૧૧૩ પર પહોંચ્યો હતો. વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ૧૦૦ વ્યક્તિઓ ગુમ થઈ ગઈ હતી. આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૫૦ વ્યક્તિને ઈજા થઈ છે.

ઉદ્ધવ ઠાકરેએ કોંકણ પ્રદેશના રત્નાગિરિ જિલ્લામાં પૂરથી ભારે અસરગ્રસ્ત થયેલા ચિપલૂણની રવિવારે મુલાકાત લીધી હતી. ચિપલૂણમાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ‘અવારનવાર બનતી કુદરતી હોનારતોને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ ઊભી કરાશે. એ જ રીતે પૂર વ્યવસ્થાપન વ્યવસ્થા પણ ઊભી કરાશે.’

mumbai mumbai news mumbai rains mumbai monsoon uddhav thackeray