પાલઘરમાં ઍરપોર્ટ વિકસાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેઠક

12 May, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારની એવી ગણતરી છે કે નાશિક, થાણે કે પછી ગુજરાતથી મુંબઈ આવનારા પ્રવાસીઓ પાલઘર સુધી નાના પ્લેનમાં અવરજવર કરી શકશે અને એ સિવાય એનું ભાડું પણ વાજબી દરે રાખી શકાશે

ફાઇલ તસવીર

મુંબઈ ઍરપોર્ટ પર વધારે પ્રમાણમાં પ્લેનની અવરજવર રહેતી હોવાથી એના પ્રેશરને ઓછું કરવા રાજ્ય સરકાર પાલઘરમાં લંડનના હીથ્રો ઍરપોર્ટના મૉડલ પર આધુનિક સૅટેલાઇટ ઍરપોર્ટ વિકસાવવા માગી રહી છે. એથી ગઈ કાલે તેમણે ઍરપોર્ટનો વિકાસ કરતી કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ સાથે વર્ષા બંગલા પર બેઠક લીધી હતી. એમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વહેલી તકે ઍરપોર્ટ બનાવવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી.

લંડનના હીથ્રો ઍરપોર્ટ પર સતત પ્લેનની અવરજવર રહેતી હોવાથી બહુ જ પ્રેશર રહેતું હતું. એથી એને હળવું કરવા નજીકના વિસ્તારોમાં બીજાં ૬ નાનાં ઍરપોર્ટ વિકસાવવામાં આવ્યાં હતાં. એને કારણે પ્રવાસીઓ વહેંચાઈ જતાં હીથ્રો પરનું પ્રેશર ઘટ્યું હતું. એ જ મૉડલના આધારે નવી મુંબઈ અને પાલઘર ખાતે હવે ઍરપોર્ટ વિકસાવવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.    

સરકારની એવી ગણતરી છે કે નાશિક, થાણે કે પછી ગુજરાતથી મુંબઈ આવનારા પ્રવાસીઓ પાલઘર સુધી નાના પ્લેનમાં અવરજવર કરી શકશે અને એ સિવાય એનું ભાડું પણ વાજબી દરે રાખી શકાશે. મુંબઈ ઍરપોર્ટની ઍન્યુઅલ કૅપેસિટી સાડાચાર કરોડ પૅસેન્જરની છે. એનાથી વધારે પ્રવાસીઓની દર વર્ષે અવરજવર રહે છે. એને કારણે ત્યાં જે પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરાઈ છે એ પણ હવે ઓછી પડી રહી છે.  

mumbai mumbai news palghar