ઘા પર મીઠું ભભરાવવા માટે આવ્યા છો તમે?

26 July, 2021 08:26 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

પૂરગ્રસ્ત ચિપલૂણના વેપારીઓએ પૂછેલા શું મદદ કરશો એવા સવાલના જવાબમાં સીએમએ નજીવી સહાયનો આંકડો કહેતાં સખત નારાજ વેપારીનો સામો સવાલ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે પૂરગ્રસ્ત ચિપલૂણની મુલાકાત લઈને લોકોની ફરિયાદ સાંભળી હતી

વરસાદે વેરેલા વિનાશને કારણે ચિપલૂણના લોકો હાલ અનેક આપદાનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે ચિપલૂણની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મદદ માટે આશ્વાસન આપ્યું હતું અને વેપારીઓને કહ્યું હતું કે તમે ચિંતા ના કરો, અમે તમારું પુનર્વસન કરીશું. ચિપલૂણની કેશવ યેસુશેષ્ઠા રેડીજ દુકાનનના માલિક ગણેશ શરદ રેડીજીની વાત કરીએ તો તેમને અકલ્પનીય નુકસાન થયું છે પણ તેમની સહિતના વેપારીઓને જ્યારે મુખ્યપ્રધાને નજીવી રાહત આપવાની વાત કરી તો સૌ વેપારીઓ નારાજ થયા હતા. એક નારાજ વેપારીએ તો ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું હતું કે ‘જો આટલી જ રાહત આપવી હતી તો એ તો તમે ઘેરબેઠાં પણ જાહેરાત કરી શક્યા હોત. અહીં સુધી લાંબા થવાની તસ્દી શું કામ લીધી? શું તમે અમારા ઘા પર મીઠું ભભરાવવા આવ્યો છો?’

વરસાદ બંધ થઈ ગયા પછી ગઈ કાલે ચિપલૂણમાં પોતાના ઘરમાં ભરાઇ ગયેલો કાદવ બહાર કાઢી રહેલા યુવાનો

ખેડૂતોની જેમ આપો કર્જમાફી

જોરદાર વરસાદ થવો કે થોડાંઘણાં પાણી ભરાવાં એ ચિપલૂણવાસીઓ માટે નવું નથી. જોકે તેમને એ અંદાજ નહોતો કે જબરદસ્ત પૂર આવશે. જે રાતે કાળમુખો વરસાદ ત્રાટક્યો ત્યારે વશિષ્ઠી નદીમાં પૂર આવ્યાં હતાં. બુધવારે મધરાતે એક વાગ્યા બાદ પાણીનો જે ફોર્સ વધ્યો એ એવો ગાંડો હતો કે દુકાનના દરવાજા અને શટર પણ તૂટી ગયાં હતાં. પાણી જોશભેર દુકાનોમાં ભરાયાં હતાં અને મોટા ભાગનો માલ પોતાની સાથે તાણી ગયાં હતાં. જે બચ્યું એ પાણી સાથે આવેલા કાદવને કારણે ખરાબ થઈ ગયું હતું. આમ જિંદગીભરની મહેનતથી ઊભી કરેલી દુકાનો પૂરના પાણીમાં ગરક થઈ ગઈ હતી અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

કરિયાણાના એક વેપારીએ પંદર જ દિવસમાં શ્રાવણ મહિનો અને એ પછી ગણપતિનો મોટો તહેવાર આવવાનો હોવાથી હવે ઘરાકી નીકળશે એમ ધારીને અઠવાડિયા પહેલાં જ ૧૦ લાખ રૂપિયાનો માલ ભરાવ્યો હતો એ બધો માલ પૂરમાં તણાઈ જતાં તે ભીડમાં આવી ગયો છે.

એક વેપારીએ ઉદ્ધવ ઠાકરેને આજીજી કરતાં કહ્યું હતું કે ‘આ પૂરમાં અમને બહુ જ નુકસાન થયું છે. અમને પણ ખેડૂતોની જેમ કર્જમાં સંપૂર્ણ માફી આપો. અમને વેપારીઓને એક જ વાર જિંદગીમાં કર્જમાફી આપો. આ સિવાય અમને ફરી પગભર થવા બે ટકાના વ્યાજે લોન આપો. એ પછી અમે સરકાર પાસે ક્યારેય ભીખ નહીં માગીએ. તમે જ અમારાં માય-બાપ છો. તમે જ અમને જિવાડો. તમે કંઈ પણ કરો, પણ અમને જિવાડો.’

ગઈ કાલે પૂર આવ્યાને ચાર દિવસ થયા હતા. પૂરનાં પાણી તો ઓસરી ગયાં હતાં, પણ આખા ચિપલૂણમાં હજી કાદવ ભરાયેલો છે જેના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે. એનડીઆરએફ, નેવી અને મિલિટરી દ્વારા લોકોને રાહતસામગ્રી પહોંચાડાઈ રહી હતી. અનેક સામાજિક સંસ્થાઓ પણ એમનાથી બને એટલી મદદ પૂરગ્રસ્તોને કરી રહી છે.

મહિલાએ રડતાં-રડતાં કહ્યું, મદદ કર્યા વગર જતા નહીં

ચિપલૂણ માર્કેટમાં વેપારીઓની સાથે વાતચીત કરીને નિરીક્ષણ કરતા આગળ નીકળેલા મુખ્ય પ્રધાન અને તેમના રસાલાને જોઈને જનરલ સ્ટોર ધરાવતી સ્વાતિ ભોજણેએ આક્રંદ સાથે રડતાં-રડતાં કહ્યું હતું કે ‘મારી દુકાન અને ઘરમાં છત સુધી પાણી ભરાયાં હતાં. જે હતું એ બધું જ તણાઈ ગયું. તમે કંઈ પણ કરો, પણ અમને મદદ કરો. સાહેબ, તમે જ અમને મદદ કરી શકશો. મદદ કર્યા વગર ન જતા. કંઈ પણ કરો. સંસદસભ્યો અને વિધાનસભ્યોનો બે મહિનાનો પગાર કોંકણ માટે ફેરવો, પણ અમને મદદ કરો.’

મુખ્ય પ્રધાને આ મહિલા સામે હાથ જોડીને કહ્યું હતું કે, ‘કરતો... કરતો...’

સારું લગાડવા માટે અત્યારે કોઈ જાહેરાત નહીં કરું: ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાને ચિપલૂણમાં જ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘મેં આવતી વખતે જોયું કે વેપારીઓનો બધો જ માલ ખરાબ થઈ ગયો છે. જે છે એ કચરા કરતાં પણ ખરાબ થઈ ગયો છે. તેમનું જીવન ઉદધ્વસ્ત થઈ ગયું છે. તેમને ફરી બેઠા કરવા સરકાર મદદ કરશે, પણ એ સંદર્ભે હું કોઈ ચોક્કસ જાહેરાત નથી કરતો કારણ કે માત્ર ચિપલૂણનો જ વિષય નથી. ચિપલૂણ મહત્ત્વનું છે જ, પણ સાથે રાયગડ છે, રત્નાગિરિ છે. સિંધુદુર્ગમાં પણ નુકસાન થયું છે. એ સાથે જ કોલ્હાપુર, સાતારા, સાંગલીમાં પણ થયેલા નુકસાનનો અંદાજ લેવાનો બાકી છે, કારણ કે ત્યાં હજી કેટલીક જગ્યાએ પાણી ભરાયેલાં છે. ત્યાં લોકોને કેટલું નુકસાન ગયું છે એ જાણવું જરૂરી છે. હાલ જે તાત્કાલિક મદદની જરૂર છે એ તો અમે કરીશું જ. જેમ કે કેટલાક લોકો હાલ માત્ર પહેરેલાં કપડે છે, ખાવા-પીવાનું કશું જ નથી, બધું જ પૂરમાં તણાઈ ગયું છે. એથી એમને અનાજ તો આપી જ રહ્યા છીએ. એ સિવાય મેડિકલ હેલ્પ, દવાઓ પણ આપી રહ્યા છીએ. આ જરૂરિયાતો પૂરી થઈ જાય એ પછી રાહત બાબતે નિર્ણય લઈશું. હાલ લોકોને સારું લાગે એ માટે કોઈ જાહેરાત કરવી નથી. એટલું ચોક્કસ કહીશ કે કોઈને ભગવાનભરોસે નહીં છોડીએ. તાત્કાલિક મદદ માટે જિલ્લા અધિકારીઓને સૂચના અાપી છે.’

કોલ્હાપુર-પુણે નૅશનલ હાઇવે પર ગઈ કાલે સાંજે પણ અઢી ફૂટ સુધીનાં પાણી ભરાયાં હોવાથી એ રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો

રાજ્ય ચલાવતાં ન આવડતું હોય તો કેન્દ્રને સોંપી દો, અમે તૈયાર જ બેઠા છીએ : નારાયણ રાણે

ચિપલૂણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે ગયેલા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘ચિપલૂણમાં પૂર આવ્યાના ચાર દિવસ પછી મુખ્ય પ્રધાન આવ્યા. આ તે કેવા મુખ્ય પ્રધાન? હું તો કહું છું કે રાજ્યમાં પ્રશાસન પણ નથી અને મુખ્ય પ્રધાન પણ નથી. જો રાજ્ય ચલાવતાં ન આવડતું હોય તો કેન્દ્રને આપી દો, અમે તૈયાર જ બેઠા છીએ. તમે (સીએમ ઉદ્ધવ ઠાકરે) મદદ માગો એ પહેલાં જ મોદીએ મદદ મોકલાવી છે. બાકીની મદદ અમે મેળવી દઈશું. કોઈ માગવાની જરૂર નથી. કેન્દ્ર બધી મદદ આપે છે. રાજ્યનું બજેટ સાડાચાર લાખ કરોડનું છે. એમ છતાં તમે મદદ કરી શકતા નથી અને કેન્દ્ર પાસે મદદ માગ્યે રાખો છો.’

mumbai mumbai news maharashtra chiplun uddhav thackeray bakulesh trivedi