કોરોનાને લીધે કૉન્ગ્રેસના નેતાને ન મળનારા સીએમ ઉદ્ધવ ઠાકરે ગયા સેંકડો લોકોની વચ્ચે

23 June, 2022 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન હોમ આઇસોલેશનમાં તો કોવિડ પૉઝિટિવ રાજ્યપાલ હૉસ્પિટલમાં

કમલ નાથ

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કરતાં રાજ્યમાં અત્યારે રાજકીય સંકટ સર્જાયું છે ત્યારે જ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ભગતસિંહ કોશ્યારીને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે ઘરમાં આઇસોલેટ થયા હતા.

શિવસેનામાં બળવાથી ધમસાણ ચાલી રહ્યું છે ત્યારે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે કોવિડ સંક્રમિત થયા છે. તેમની ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રહી હતી. આથી તેમનું સંક્રમણ હળવા પ્રકારનું હોવાથી તેઓ ઘરમાં જ આઇસોલેટ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી તરફ ગઈ કાલે સવારે રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ કોરોનાનું સંક્રમણ થવાથી તેમને દક્ષિણ મુંબઈની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમના સંપર્કમાં રહેલા લોકોની પણ બાદમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી.

શિવસેનામાં મોટા પ્રમાણમાં બળવો થવાથી મહાવિકાસ આઘાડી સરકાર મુશ્કેલીમાં છે. આવા સમયે રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પહેલાં ગોવાના રાજ્યપાલ શ્રીધરનને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ આપવાની શક્યતા હતી. જોકે ભગતસિંહ કોશ્યારીની તબિયત સારી છે અને તેઓ કામકાજ કરી શકે છે એ ધ્યાનમાં રાખીને રાજ્યપાલપદની જવાબદારી કાયમ રાખવામાં આવી છે.

નવાઈની વાત એ છે કે કોરોના હોવાથી ગઈ કાલે સવારે કૉન્ગ્રેસના નેતા કમલ નાથને ન મળનારા સીએમએ રાત્રે વર્ષા બંગલોથી માતોશ્રી જતી વખતે સેંકડો શિવસૈનિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

mumbai mumbai news maharashtra congress bharatiya janata party shiv sena uddhav thackeray sharad pawar