એકનાથ શિંદે જય ગુજરાત બોલ્યા અને ભડકો થઈ ગયો

06 July, 2025 07:04 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

જય હિન્દ અને જય મહારાષ્ટ્ર બોલ્યા પછી ધ્યાનમાં આવ્યું કે પુણેના કાર્યક્રમના આયોજકો ગુજરાતી છે એટલે છેલ્લે જય ગુજરાત પણ બોલ્યા એમાં રાજકીય વિવાદ થઈ ગયો

પુણેના કાર્યક્રમમાં એકનાથ શિંદે

પુણેના કોંઢવામાં ગઈ કાલે પુણે ગુજરાતી બંધુ સમાજ ભવન અને જયરાજ સ્પોર્ટ્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ અમિત શાહની કાર્યશૈલીનાં વખાણ તો કર્યાં જ હતાં; પણ જતાં-જતાં છેલ્લે જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત પણ બોલતાં અનેક લોકોનાં ભવાં ઊંચકાયાં હતાં અને વિરોધીઓ તો જાણે તૂટી પડ્યા હતા.

એકનાથ શિંદેએ ૨૦૨૨માં તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા ત્યારની વાત યાદ કરતાં કહ્યું હતું કે ‘અમિત શાહની રણનીતિ અને નેતૃત્વને કારણે એ અશક્ય ઘટના શક્ય બની શકી. તેમણે પડકારને તકમાં ફેરવી નાખ્યો. તેમની કાર્યક્ષમતાનો મેં જાતઅનુભવ લીધો છે. એ વખતે રાજ્યમાં સામાન્ય માણસની સરકાર લાવવી જરૂરી હતી અને એની ગરજ પણ હતી. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન તો હતું જ, પણ અમિત શાહ મારી પાછળ પર્વતની જેમ મજબૂત ઊભા હતા. સરકાર બદલવી ઈઝી નહોતું, પણ જ્યારે દેશના અને રાજ્યના વિકાસનો પ્રશ્ન હોય ત્યારે આવાં પગલાં ઉપાડવાં પડે છે. આ માટે હું અમિત શાહનો ખૂબ આભાર માનું છું. તેમના કારણે જ અમારી ડબલ એન્જિનની સરકાર જોરમાં દોડી રહી છે. અમિત શાહ ગુજરાતી ભલે હોય, પણ તેમના ઘરનાં હોમ મિનિસ્ટર આપણા કોલ્હાપુરનાં છે. એથી તેમના ઘરમાં ગુજરાતી અને મરાઠી બન્ને ભાષા આનંદથી રહે છે. તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતને વિકાસ, ઉદ્યોગ, સંસ્કૃતિના ક્ષેત્રમાં દેશને હંમેશાં દિશા દેખાડી છે.’

પોતાનું વ્યક્તવ્ય પૂરું કરતાં પહેલાં એકનાથ શિંદેએ લોકોને સંબોધીને પૂછ્યું હતું કે ‘અમિત શાહ માટે એક શેર કહું?’ લોકોએ હા પાડતાં એકનાથ શિંદેએ શેર લલકાર્યો હતો...

આપકે બુલંદ ઇરાદોં સે તો ચટ્ટાને ભી ડગમગાતી હૈં

દુ​​શ્મન ક્યા ચીઝ હૈ, તૂફાન ભી અપના રુખ બદલ દેતે હૈં

આપકે આને સે યહાં કી હવા કા નૂર બદલ જાતા હૈ

આપકે નામસે હર શખ્સ અદબ સે ઝુક જાતા હૈ

એ પછી વ્યક્તવ્ય પૂરું કરીને એકનાથ શિંદે ‘જય હિન્દ, જય મહારાષ્ટ્ર’ બોલ્યા હતા. પછી એક સેકન્ડ ઊભા રહ્યા અને યાદ આવ્યું કે આ કાર્યક્રમ ગુજરાતીઓનો છે એટલે જતાં-જતાં ‘જય ગુજરાત’નો પણ નારો બોલ્યા હતા.

શિંદેજીના મહારાષ્ટ્રપ્રેમ પર જો કોઈ શંકા કરે છે તો સંકુચિત વિચાર છે : દેવેન્દ્ર ફડણવીસ

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’ કહ્યા બાદ વિરોધ પક્ષે એનો વિરોધ કર્યો હતો અને તેમને એ વિશે વખોડ્યા હતા. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેનો પક્ષ લેતાં કહ્યું હતું કે ‘હું યાદ અપાવવા માગું છું કે આ પહેલાં પણ ચિકોડીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ થયું એ વખતે આદરણીય શરદ પવારજીએ જય મહારાષ્ટ્ર, જય કર્ણાટક કહ્યું હતું. શું એનો અર્થ એવો કરવો કે શરદ પવારને કર્ણાટક વધુ પ્યારું છે અને મહારાષ્ટ્ર પ્યારું નથી? અમે જ્યાં પણ જઈએ ત્યાંના લોકોને જે સારું લાગે એવી વાતો કરતા હોઈએ છીએ. બધા જ નેતાઓ આવું કરતા હોય છે. ગુજરાતી સમાજમાં ગયા પછી જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત કહ્યું તો મને લાગે છે કે આમાં આટલી બબાલ કરવાની જરૂર નથી. આપણે ભારતના લોકો છીએ. આપણે બધા જ લોકો ભારતીય છીએ. આપણને પહેલું અભિમાન મહારાષ્ટ્રનું હોવું જોઈએ, પણ એનો અર્થ એ નથી કે બીજાં રાજ્યો પ્રત્યે આપણને કોઈ ગુસ્સો હોય અથવા એના વિશે આપણને કોઈ તિરસ્કાર હોય. પાકિસ્તાન પ્રત્યે તિરસ્કાર હોય એ સમજી શકાય, પણ બાજુનાં રાજ્યો પ્રત્યે તો તિરસ્કાર ન હોઈ શકેને? એટલે મને લાગી રહ્યું છે કે ક્યાંય પણ આ વાક્યને લઈને શિંદેજીના મહારાષ્ટ્રપ્રેમ પર જો કોઈ પ્રશ્નાર્થચિહન લગાડે છે તો તે બહુ સંકુચિત વિચાર કરી રહ્યો છે.’  

જિનકે ખુદ કે ઘર શીશે કે હોતે હૈં વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે

અમે ચૂંટણીઓને નજર સામે રાખીને ભૂમિકા નથી બદલતા એવો ટોણો મારીને એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને સંભળાવી દીધું...

પુણેના કોંઢવામાં આયોજિત એક કાર્યક્રમમાં જય હિન્દ, જય મહારાષ્ટ્ર બોલ્યા બાદ જય ગુજરાત બોલનાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર વિરોધીઓએ અને ખાસ કરીને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ પસ્તાળ પાડતાં એકનાથ શિંદેએ પુણેથી આવ્યા બાદ આ વિશે ખુલાસો પણ કર્યો હતો અને વિરોધીઓ શિવસેના (UBT)ને સંભળાવી પણ દીધું હતું કે અમે ચૂંટણીઓને નજર સામે રાખીને ધોરણ નથી બદલતા.

એકનાથ શિંદેએ આ બાબતે કહ્યું હતું કે ‘જયરાજ સ્પોર્ટ્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટરનો ઉદ્ઘાટન-પ્રસંગ હોવાથી ગુજરાતી સમાજ મોટી સંખ્યામાં ત્યાં આવ્યો હતો. ત્યાં રહેતા ગુજરાતી સમાજની અનેક પેઢીઓએ મહારાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે ઊભા કરેલા પ્રોજેક્ટનો ફાયદો બધા જ સર્વસામાન્યને થવાનો છે. મરાઠી અમારો શ્વાસ છે તો હિન્દુ અમારો આત્મા છે. અમારા પર ટીકા કરનારાઓએ પહેલાં અરીસો જોઈ લેવો જોઈએ. જિનકે ખુદ કે ઘર શીશે કે હોતે હૈં વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે.

એકનાથ શિંદેએ ત્યાર બાદ એક વિડિયો દેખાડ્યો હતો જેમાં ઉદ્ધવ ઠાકરે જય હિન્દ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાતની ઘોષણા કરતા દેખાય છે. ૨૦૧૯ની ચૂંટણીઓ પહેલાં આદિત્ય ઠાકરેના ફોટો સાથેનાં વરલીમાં બૅનરો લાગ્યાં હતાં જેમાં ‘કેમ છો વરલી?’ એમ લખવામાં આવ્યું હતું. એ બતાવીને એકનાથ શિંદેએ પૂછ્યું હતું કે આ બધું શું છે?

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘શિવસેના (UBT)ની ઑફિશ્યલ સાઇટ પર એક લેટર છે જે ગુજરાતી ભાષામાં છે. એમાં શું લખ્યું છે એ વાંચજો. એમાં ‘જલેબી ફાફડા - ઉદ્ધવ ઠાકરે આપડા’ એમ લખવામાં આવ્યું છે. અમે ચૂંટણીઓ નજર સામે રાખીને ભૂમિકા નથી લેતા. તેઓ ચૂંટણી આવે એટલે ભૂમિકા લે છે. અત્યારે પણ તેમનું એ જ ચાલુ છે. અમારી નાળ મહારાષ્ટ્ર સાથે, અહીંની માટી સાથે જોડાયેલી છે. અમે રજાઓ પણ અહીં જ ગાળીએ છીએ.’ 

pune pune news eknath shinde political news maharashtra news maharashtra amit shah devendra fadnavis news mumbai mumbai news home ministry