ક્લીન શેના, ડર્ટી માર્શલ

15 January, 2022 09:33 AM IST  |  Mumbai | Rohit Parikh

લૅમિંગ્ટન રોડના વેપારીઓએ બે દિવસમાં ઑથોરિટી લેટર કે યુનિફૉર્મ વગર ફરતા ક્લીન-અપ માર્શલોને ખુલ્લા પાડ્યા

લૅમિંગ્ટન રોડની છોટાણી એસ્ટેટમાં માસ્ક વગરના દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરવા ગયેલો કહેવાતો ક્લીન-અપ માર્શલ.

મહાનગરપાલિકા દ્વારા બનાવટી કે લેભાગુ ક્લીન-અપ માર્શલનો  લોકો શિકાર ન બની જાય એ માટે દંડ ભરતાં પહેલાં ક્લીન-અપ માર્શલનો યુનિફૉર્મ, સંબંધિત વિભાગ કે વૉર્ડનું નામ જેવી વિગતો તેના આઇ-કાર્ડ પર પ્રિન્ટ કરવામાં આવી છે કે નહીં એની તપાસ કરવાની નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. એને પરિણામે જાગૃત થયેલા લૅમિંગ્ટન રોડના વેપારીઓએ બે દિવસમાં યુનિફૉર્મ અને યોગ્ય આઇ-કાર્ડ વગર દંડ વસૂલ કરી રહેલા ક્લીન-અપ માર્શલોને ખુલ્લા પાડતાં ક્લીન-અપ માર્શલો દંડ વસૂલ કર્યા વગર જ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

ક્લીન માર્શલ ક્લીન બોલ્ડ

લેભાગુ ક્લીન-અપ માર્શલોને વેપારીઓએ કર્યા ક્લીન બોલ્ડ

કોવિડ-19ને કારણે માસ્ક વગર ફરતા અને જાહેરમાં થૂંકતા નાગરિકોને દંડ કરવા માટે મહાનગરપાલિકાએ અમુક એજન્સીઓને કૉન્ટ્રૅકટ આપ્યો છે. આ કંપનીઓ દંડાત્મક કાર્યવાહી માટે કર્મચારીઓની નિમણૂક કરીને તેમને ક્લીન-અપ માર્શલનો યુનિફૉર્મ અને આઇ-કાર્ડ આપે છે. આ બાબતને ‘મિડ-ડે’એ એક સ્ટિંગ ઑપરેશન કરીને ક્લીન-અપ માર્શલોનાં અનેક કરતૂતો ઉઘાડાં પાડ્યાં હતાં. એને પરિણામે સફાળી જાગેલી મહાનગરપાલિકાએ બુધવાર, પાંચમી જાન્યુઆરીએ નાગરિકોને દંડ ભરતા પહેલાં જાગૃત રહેવાની અપીલ કરી હતી.  
ગુરુવારે લૅમિંગ્ટન રોડના એક કમ્પાઉન્ડમાં આવેલી ઇલેક્ટ્રૉનિક્સ આઇટમોની દુકાનોમાં બે ક્લીન-અપ માર્શલ માસ્ક વગર દુકાનમાં બિઝનેસ કરી રહેલા વેપારીઓ પર દંડાત્મક કાર્યવાહી કરવા ગયા હતા. એમાંથી એક માર્શલ યુનિફૉર્મમાં હતો અને બીજો યુનિફૉર્મ વગર દુકાનદારો પર ઍકશન લઈ રહ્યો હતો. આ બન્ને માર્શલોએ નાકની નીચે માસ્ક રાખીને બિઝનેસ કરી રહેલા એક દુકાનદાર પાસેથી ૧૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવા જતાં અને બીજી એક દુકાનમાં જમવાના સમયમાં દુકાનનો વિડિયો લેવાની હિંમત કરવા જતાં આ બન્ને ક્લીન-અપ માર્શલની પોલ ખૂલી ગઈ હતી.
આ બાબતની માહિતી આપતાં ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશનના પ્રમુખ મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે અઢી વાગ્યે લૅમિંગ્ટન રોડ પર આવેલા છોટાણી એસ્ટેટમાં બે ક્લીન-અપ માર્શલ દુકાનદારોના માસ્ક નાક નીચે હોવાથી તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવા ગયા હતા. એમાંથી એક યુનિફૉર્મમાં અને એક વગર યુનિફૉર્મમાં હતો. દુકાનદારને શંકા જતાં તેણે અસોસિએશનને આ બાબતની ફરિયાદ કરી હતી. હજી એ દુકાનદારની ફરિયાદ અસોસિએશન સૉલ્વ કરે એ પહેલાં જ બીજા એક દુકાનદારની અસોસિએશનને ફરિયાદ મળી હતી કે અમે જમતા હતા ત્યારે ક્લીન-અપ માર્શલો વગર પરવાનગીથી દુકાનમાં ઘૂસીને અમારો વિડિયો ઉતારી રહ્યા છે, જેથી આસપાસના વેપારીઓની મેદની જમા થઈ ગઈ છે.’
અસોસિએશન આ સંદર્ભની હજી તપાસ કરે એ પહેલાં જ આખો મામલો ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યો હતો એ જાણકારી આપતાં મિતેષ મોદીએ કહ્યું હતું કે ‘અસોસિએશને પોલીસને મહાનગરપાલિકાની અપીલની યાદ અપાવીને આ માર્શલો પાસે ઑથોરિટી લેટર જોવાની વિનંતી કરી હતી. પોલીસે માર્શલો પાસે ઑથોરિટી લેટરની માગણી કરતાં માર્શલો ભોંઠા પડ્યા હતા. લૉ ઍન્ડ ઑર્ડર સાચવવા માટે પોલીસે બન્ને માર્શલોને પોતાના કબજામાં રાખીને વેપારીઓની મેદનીને ત્યાંથી વિખેરી નાખી હતી. પોલીસે માર્શલોને સમય આપવા છતાં માર્શલો આઇ-કાર્ડ સિવાય કોઈ પણ ડૉક્યુમેન્ટ તેમની કંપનીમાંથી મગાવી શક્યા નહોતા.’ 
હજી આ બાબતની પોલીસ વધુ તપાસ કરે એ પહેલાં જ ગઈ કાલે બપોરે બાર વાગ્યે ફરીથી લૅમિંગ્ટન રોડની સામેના પ્રોક્ટર રોડ પર બીજા ક્લીન-અપ માર્શલો દુકાનદારો પર દંડાત્મક કાર્યવાહી કરવા ગયા હતા. આ સંદર્ભમાં મિતેષ મોદીએ કહ્યું હતું કે ‘ગુરુવારના બનાવથી વેપારીઓ લેભાગુ ક્લીન-અપ માર્શલોથી સાવધાન થઈ ગયા હતા. ગઈ કાલે પણ વેપારીઓએ દંડ ભરતાં પહેલાં ક્લીન-અપ માર્શલોની મહાનગરપાલિકાની અપીલ પ્રમાણે તપાસ શરૂ કરી હતી. વેપારીઓએ જેવી તપાસ શરૂ કરી કે તરત જ દંડ વસૂલ કરવા આવેલા ક્લીન-અપ માર્શલો માર્કેટમાંથી રફુચક્કર થઈ ગયા હતા.’
મિતેષ મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ બન્ને બનાવની અને અમારા વિસ્તારમાં સક્રિય બનેલા બનાવટી અને લેભાગુ ક્લીન-અપ માર્શલો સામે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને ફરિયાદ મોકલી આપી હતી.’
આ બાબતે ડી. બી. માર્ગ પોલીસસ્ટેશનના પોલીસ ઉપ-નિરિક્ષક શ્રીનિવાસ સાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે લૅમિન્ગટન રોડના વેપારીઓ બે ક્લીન અપ માર્શલને મારી પાસે લઈને આવ્યા હતા તેમની પાસે સુધરાઈના ઑથોરિટી લેટર નહોતા તેમ જ તેમાંથી એક જણે યુનિફૉર્મ પણ નહોતો પહેર્યો. આથી તેના કૉન્ટ્રેક્ટરને બોલાવવામાં આવ્યો હતો. તેણે આ બન્ને માર્શલ પોતાના માણસ હોવાનું કબૂલ કર્યું હતું. જોકે, તેમણે નિયમ મુજબ જરૂરી કાગળિયાં અને યુનિફૉર્મ પહેર્યો ન હોવાથી અમે વૉર્નિંગ આપીને જવા દીધા હતા.’

mumbai mumbai news brihanmumbai municipal corporation rohit parikh